રાજકોટ
News of Monday, 18th May 2020

કુવાડવા રોડ રામ પાર્કમાંથી મહેશભાઇ કુબાવતનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

બાવાજી પ્રોૈઢ આશ્રમમાં જમી લેતાં અને એકલા જ રહેતાં હતાં: દૂર્ગંધ આવતાં પડોશીઓએ પોલીસને જાણ કરીઃ મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૧૮: કુવાડવા રોડ પર રામ પાર્ક-૨માં રહેતાં બાવાજી પ્રોૈઢ મહેશભાઇ અંબાલાલ કુબાવત (ઉ.વ.૫૫)નો તેમના જ ઘરમાંથી કોહવાયેલો મૃતદેહ મળી આવતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

સાંજે ઘરમાંથી દૂર્ગંધ આવતી હોઇ પડોશીઓએ જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવાર અને મહેશભાઇએ પહોચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં ડેલી અંદરથી બંધ જણાઇ હતી.   ઠેકીને અંદર જતાં રૂમમાંથી મહેશભાઇની કોહવાયેલી, ફુલાયેલી લાશ મળી હતી. અડોશી પડોશીના કહેવા મુજબ મહેશભાઇ અહિ ઘણા સમયથી એકલા જ રહેતાં અને માનસિક અસ્વસ્થ જેવા હતાં. તેઓ આશ્રમમાં જમી લેતાં હતાં. બે-ત્રણ દિવસ પહેલા મૃત્યુ થયાનો અંદાજ પોલીસે કાઢ્યો હતો.

મોત બિમારીથી થયાનું અનુમાન છે. મૃતક છ ભાઇમાં ચોથા હતાં અને કુંવારા હતાં. બીજા ભાઇઓ ટંકારાના કોઠારીયા ગામે રહેતાં હોઇ તેમને જાણ કરતાં તેઓ રાજકોટ પહોંચ્યા હતાં. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

(1:15 pm IST)