રાજકોટ
News of Saturday, 18th May 2019

રેલનગરમાં કોર્પોરેશનની આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના પોપડા તૂટી પડયાઃ લાભાર્થીઓમાં રોષ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૩માં આવેલ રેલનગર વિસ્તારમાં મ્યુ. કોર્પોરેશને નિર્માણ કરેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાઓની છતમાંથી ભ્રષ્ટાચારના પોપડા ખરી પડતા લાભાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ અંગે આવાસ યોજનાના લાભાર્થીઓએ ફરીયાદ કરતા જણાવેલ કે, રેલનગર વિસ્તારમાં આવેલ સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપના ફલેટની છતમાંથી મોટા ગાબડા પડેલ સદ્નસીબે કોઈને ઈજા પહોંચી ન હતી. તેવી જ રીતે ડો. હેડગેવાર ટાઉનશીપના પાર્કિંગની છતમાંથી પણ પ્લાસ્ટરમાં ગાબડા પડયા હતા. તસ્વીરમાં ફલેટની છત પંખાની બાજુમાંથી પ્લાસ્ટરનું મોટું ગાબડુ પડેલુ નજરે પડે છે. નોંધનીય છે કે લાભાર્થીઓએ આ નબળા બાંધકામ અંગે અનેક વખત રજૂઆતો કરી છે છતાં કોઈ સમારકામ થતુ નથી અને આ ફલેટના બાંધકામનો ભ્રષ્ટાચાર છતો થયાના આક્ષેપો રહેવાસીઓએ કર્યા હતા.

(3:37 pm IST)