રાજકોટ
News of Saturday, 18th May 2019

નવાગામ(બામણબોર) ૩ ગામની પંચાયતને તાળાબંધી મહિલા તલાટી અને સરંપચ પતિની માથાકુટમાં વાત વણસી

ચોટીલા, તા. ૧૮ :. ચોટીલા તાલુકામાંથી રાજકોટ જીલ્લામાં સમાવેશ થયેલ બામણબોર વિસ્તારના નવાગામ, જીવાપર, ગુંદાળા ગ્રામ પંચાયત કચેરીને આજે પંચાયત બોડી અને ગામલોકોએ તાળાબંધી કરતા ચકચાર મચેલ છે.

આમ તો નવાગામ(બા) પંચાયત બોડી અને સ્થાનિક તંત્ર છેલ્લા ઘણા સમયથી આમને સામને રહેલ છે કારણ કોઈ પણ હોય પણ હંમેશા પંચાયત ગ્રામજનો અને તાલુકા પંચાયત તંત્ર વચ્ચે ખટરાગ ચાલતો રહ્યો છે અનેક વખત ગ્રામ સભાના બહિષ્કારો પણ થયેલ છે ત્યારે આજે પંચાયત બોડી સાથે ગામલોકોએ પંચાયત કચેરીને તાળાબંધી કરીને ચકચાર મચાવેલ છે.

આ મામલે જાણવા મળતી હકીકત મુજબ નવાગામ-જીવાપર અને ગુંદાળા એમ ત્રણ ગામની સંયુકત પંચાયત કચેરી નવાગામ (બા) ગામે આવેલ છે આમ તો આ ગામો સુરેન્દ્રનગર જીલ્લામાંથી રાજકોટ જીલ્લામાં તબદીલ પામેલ છે અને તેના તમામ રેવન્યુ રેકર્ડ રેવન્યુ કામગીરી પણ રાજકોટ તાલુકામાં કરવામાં આવી રહેલ છે પરંતુ પંચાયત કામગીરી હજુ સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવે છે જેના ભાગરૂપે આ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે ફુલઝર ગ્રુપમાં કામ કરતા મોનાબેન ભરવાડને વધારાનો ચાર્જ અપાયેલ છે.

જેઓને ગત તા. ૨-૫ના લેખીતમાં વડી કચેરીને સરપંચ પતિ દ્વારા ફરજમાં રૂકાવટ કરવામાં આવે છે. તેમજ સરકારી યોજનાના અમલીકરણમાં અસહયોગ સાંપડે છે તેવી લેખીત જાણ કરતા તાલુકા વિકાસ અધિકારીએ સંયુકત પંચાયતના સરપંચને સભ્ય જીલુભાઈ ગમારાની વર્તણુંકને કારણે ઉદ્ભવેલ પ્રશ્ન અંગે પરામર્શ કરી નિકાલ લાવવા લેખિત આપતા મામલો બિચકયો છે જેની સીધી અસર પંચાયત કચેરી ઉપર પડેલ છે.શુક્રવારના બપોર બાદ ગામલોકો અને પંચાયત બોડીએ તેમના સદસ્ય ઉપર થયેલ આક્ષેપો ખોટા છે અને અમોને કાયમી તલાટી ફાળવવામાં આવે તેવી વાત સાથે પંચાયત કચેરીને તાળાબંધી કરીને વિરોધ અને રોષ વ્યકત કરેલ છે. સમગ્ર મામલે ટીડીઓનો ટેલીફોનીક સંપર્ક થયો નથી.

(1:25 pm IST)