રાજકોટ
News of Thursday, 18th April 2019

આહીર રેજીમેન્ટ માટે હવે લેખિત સમર્થન અભિયાન

આહીર એકતા મંચ સહીતના સંગઠનો દ્વારા નવતર પ્રયોગ : ગ્રામ પંચાયત, સેવા સંસ્થાઓ અને આગેવાનોનું લેખિત સમર્થન મેળવવા ઝુંબેશ

રાજકોટ તા. ૧૮ : 'આહીર રેજીમેન્ટ અમારો હકક છે' તેવો નારો લઇને આદરવામાં આવેલ આહીર રેજીમેન્ટ માંગણીની લડતમાં હવે લેખિત સમર્થનનો પ્રયોગ હાથ ધરાયો છે.આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આહીર એકતા મંચ સહીતના સંગઠનના આગેવાનોએ જણાવેલ કે બહાદુરી  અને આશરાધર્મ માટે જેના દાખલા દેવામાં આવે છે તેવા આહીર સમાજે લશ્કરમાં 'આહીર રેજીમેન્ટ' માટેની માંગણી છેલ્લા ઘણા સમયથી ઉઠાવી છે.

આ માટે ગામે ગામ જાગૃતિ અભિયાન ચાલુ રહ્યુ છે. અત્યાર સુધીમાં બાઇક રેલી, પદયાત્રા, પેમ્ફલેટ વિતરણ, પોષ્ટકાર્ડ અભિયાન, સભા, સંમેલનો થઇ ચુકયા છે. ત્યારે હવે એક નવતર પ્રયોગના ભાગરૂપે લેખિત સમર્થન મેળવવાનું શરૂ કરાયુ છે.

ગામો ગામ અને શહેર શહેર ફરી વિવિધ ગ્રામ પંચાયતો, સેવાકીય સંસ્થાઓ તેમજ વિવિધ પક્ષના રાજકીય આગેવાનો પાસે તેમના લેટર પેડ ઉપર લશ્કરમાં આહીર રેજીમેન્ટ હોવી જોઇએ તેવુ લેખિત સમર્થન મેળવાશે.

અન્ય દરેક સમાજને પણ સાથે રાખી આ અભિયાનને બળવતર બનાવાશે. કારોબારી મીટીંગમાં નકકી થાય તે રીતે આગળની રણનીતી ઘડાશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા અર્જુનભાઇ આંબલીયા, મુકેશભાઇ જોટવા (આહીર એકતા મંચ), ગીતાબેન જોટવા (આહીર સખી ગ્રુપ), યોગેશભાઇ શાહ (સ્નેહ ફાઉન્ડેશન), અનિતાબેન શાહ (સ્નેહ ફાઉન્ડેશન), ડો. હર્ષા ડાંગર (ગેલેકસી યોગા ઇન્સ્ટી.), રીટાબેન મારૂ (આહીર સખી ગ્રુપ), રેખાબેન બારડ (પિડીયાટ્રીક ઓટી આસી.) નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:43 pm IST)