રાજકોટ
News of Monday, 18th March 2019

પૂ.નમ્રમુનિ મ.સા.ના પારસધામમાં પ્રવેશઃ સાધ્વીરત્ના પૂ.ગુલાબબાઇ મહાસતીજીને શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટઃ રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.પિયુષભાઇ મોદીના નિવાસસ્થાનેથી પારસધામમાં પ્રવેશ પધરામણી થઇ. અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યોએ આવકાર નૃત્ય પ્રસ્તુતિ દ્વારા, મહિલાઓએ મસ્તકે શુભ શુકન રૂપ કળશ ધારણ કરીને, તો લુક એન લર્ન જૈન પાઠશાળાનાં નાના બાળકોએ પોતાની નિર્દોષ ભાવ ભકિત દ્વારા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવશ્રીનું ઉમળકાભર્યુ સ્વાગત કર્યુ પારસધામમાં પ્રવેશ બાદ, નાભિના નાદથી ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના કરાવ્યા બાદ પૂજ્ય ગુરૂદેવશ્રીએ ફરમાવ્યું કે, પહેલાનાં કાળમાં વહેતી પાઇપલાઇન્સ છે. નદીને તડકાની અસર થાય, પરંતુ પાઇપલાઇનમાં પ્રવાહિત પાણી તડકાથી સૂકાતુ નથી. પારસધામએ પાઇપલાઇન્સ જેવા ભાવિકોનાં હૃદયમાં પ્રભુનો પ્રવાહ પહોંચાડનારૃં પંપિગ સ્ટેશન છે. ગોંડલ સંપ્રદાયનાં ૭૨ વર્ષની સર્વોચ્ચ દીક્ષા પર્યાય ધરાવનાર પૂ.ગુલાબબાઇ મ.૪ દિવસ પહેલાં કાળધર્મ પામતાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, ક્રાંતિકારી સંત પૂ.શ્રી પારસમુનિ મહારાજ સાહેબ, બોટાદ સંપ્રદાયના પૂ.શ્રી રસિલાભાઇ મ.ના સુશિષ્યા પૂ.શ્રી રોશનીબાઇ મ.એવમ શાસનચંદ્રિકા પૂ.શ્રી હીરાબાઇ મ.નાં સુશિષ્યા પૂ.ભારતીબાઇ મ.એ પૂ.ગુલાબબાઇ મ.નાં જીવનકવન અને ગુણોને યાદ કરી સ્મરણાંજલી અને શ્રધ્ધાંજલી અર્પી હતી. પૂ.શ્રી ગુલાબબાઇ મ.ની વિદાય થતાં, હાલમાં ગોંડલ સંપ્રદાયમાં સર્વોચ્ચ દીક્ષા પર્યાય ધરાવનાર વલસાડ, પ્રાણધામ બિરાજીત પૂ.શ્રી પ્રાણકુંવરબાઇ મ.ને રાષ્ટ્રસંત પૂજ્યશ્રીએ સંપ્રદાય વરિષ્ઠાની પદથી વિભૂષિત કર્યા હતા. અંતમાં, ઘાટકોપર પારસધામ સંકુલ દ્વારા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવશ્રીને આગામી ૨૦૨૦ના ચાતુર્માસની વિનંતી બાદ રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના સાંનિધ્યે પારસધામ સંકુલની બહાર શુદ્ધ અને નિઃશુલ્ક પાણી મળે તે હેતુથી અર્હમ જલ મંદિરના ઉદ્દઘાટન કરાયેલ.

(3:58 pm IST)