રાજકોટ
News of Monday, 18th March 2019

શાપર-વેરાવળની કંપનીના અસલ બીલ ઓફ લેન્ડીંગમાં છેકછાક કરી દુરઉપયોગ કર્યોઃબે શખ્સો સામે ગુન્હો

રાજકોટના કેતન કાસુન્દ્રા તથા પડધરીના ઉકરડાના અભી ભીલા સામે પડધરી પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૧૮: શાપર-વેરાવળની  કંપનીના બીલ ઓફ લેન્ડીંગમાં ફેરફાર કરી, ખોટા દસ્તાવેજ ઉભા કરી દુરઉપયોગ કર્યાની બે શખ્સો સામે પડધરી પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળ જીઆઇડીસી ભુમી ઇન્ડસ્ટ્રીઝ એરીયા મુકામે સેફાયર રીકલેઇમ રબ્બર પ્રા.લી.માં મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવતા તારકભાઇ કાંતીભાઇ કાલરીયા (રહે. ચિત્રકુટધામ સોસાયટી, રાજકોટ)એ કેતન વાલજીભાઇ કાંસુન્દ્રા (રેહ. બી.-ર૦ર, કોપર એલીગન્સ અંબીકા ટાઉનશીપ પાસે, રાજકોટ તથા અભી સુરેશભાઇ ભીલ્લા રહે. ઉકરડા, રૂબી-૬  ઇન્ટરનેશનલ પ્રા.લી. સામે પડધરી પોલીસમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ ઉકત બંન્ને શખ્સોએ પુર્વયોજીત કાવત્રુ રચી ફરીયાદીની કંપનીના બીલ ઓફ લેન્ડીંગમાં ફેરફાર કરી પોતાની કંપનીના બીલ ઓફ લેન્ડીંગ તરીકે ખોટો દસ્તાવેજ ઉભો કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદીની કંપનીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી હતી. અગાઉ પણ કેતન કાસુંન્દ્રાએ ફરીયાદીની કંપનીના ખોટા સીમ્બોલ અને ખોટા સિક્કાઓનો ઉપયોગ કરી નુકશાન પહોંચાડેલ અને જેતેે વખતે શાપર પોલીસ મથકમાં ફરીયાદ પણ કરી હતી. જો કે સમાજના આગેવાનોની સમજાવટથી સમાધાન થઇ ગયું હતું અને ફરી વાર કેતન સહિતના શખ્સોએ આ કૃત્ય કર્યુ હતું.

આ ફરીયાદ અન્વયે પડધરી પોલીસે કેતન તથા અભી સામે આઇપીસી ૪૬પ, ૪૬૯, ૪૭૧ તથા ૧ર૦ (બી) મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)