મેટોડામાં તમંચા સાથે પકડાયેલ સંતોષ બે દિવસના રિમાન્ડ પરઃ ચાર લાખની ચોરીનો ભેદ પણ ખુલ્યો
રાજકોટ, તા., ૧૮: મેટોડા જીઆઇડીસી પાછળ દેશી તમંચા સાથે પકડાયેલ શખ્સને લોધીકા પોલીસે ઝડપી લીધા બાદ તેની પુછતાછમાં મેટોડાની ચાર લાખની ચોરીનો પણ ભેદ ખુલ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના પીએસઆઇ એચ.પી.ગઢવી તથા પીએસઆઇ જે.યુ.ગોહેલ પેટ્રોલીંગમાં હતા ત્યારે મેટોડા જીઆઇડીસી પાછળ વાગુદળ રોડ પર શંકાસ્પદ હાલતમાં નિકળેલ સંતોષ વિશ્વકર્મા તથા મુકેશ ખેંગારને રોકતા મુકેશ ભાગી છુટયો હતો. જયારે સંતોષની તલાશી લેતા તેના કબ્જામાંથી દેશી બનાવટનો તમંચો કિંમત પ૦૦૦ મળી આવતા કબ્જે કરાયો હતો. પકડાયેલ સંતોષ મયાદીન વિશ્વકર્મા (રહે. હાલ મેટોડા, મૂળ યુપી)ને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દ'ના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.
દરમિયાન પકડાયેલ સંતોષની પુછપરછ કરતા તેણે તેના નાસી છુટેલ મિત્ર મુકેશસિંઘ સાથે મેટોડા જીઆઇડીસીમાં આવેલ સિગ્નોર પોલીમર્સ નામના કારખાનામાં ચારેક લાખની રકમની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પકડાયેલ સંતોષના હથિયારના ગુન્હામાં આજે રિમાન્ડ પુર્ણ થયા બાદ ચોરીના ગુન્હામાં તેની ધરપકડ કરાશે.