રાજકોટ
News of Sunday, 18th February 2018

રાજકોટ મેરેથોનમાં સ્પર્ધકને ડી-હાઇડ્રેશન થતા બેભાન થતા સારવાર અપાઇ

રાજકોટ ખાતે યોજાયેલ મેરેથોન સ્પર્ધામાં એક સ્પર્ધકને ડીહાઇડ્રેશન થતા બેભાન થઇ ગયાનું બહાર આવેલ જોકે તાત્કાલીક સ્થાનિક મેડીકલ ટીમે સારવાર આપી હતી.

 છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી સફળતા પૂર્વક યોજાતી રાજકોટ મેરેથોનમાં આજે પ્રથમવાર એક દુર્ઘટના બની હતી. જેમાં 21 કિમી હાફ મેરેથોનમાં દોડી રહેલા યુવકને ડી-હાઇડ્રેશન થતા શહેરના કિશાનપરા ચોકમાં યુવક પડી ગયો હતો. દુર્ઘટનાને પગલે સ્થળ નજીક ઉપસ્થિત મેડિકલ કેર સેન્ટરમાં યુવાનને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં 108 મારફતે યુવાનને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ 21 કિમીની હાફ-મેરેથોનમાં ભાગ લઇ 2678 નંબરના હર્ષ સોનાગરા નામના યુવાને ઉત્સાહભેર દોડવાની શરૂઆત કરી હતી. દરમિયાન અચાનક શહેરના કિશનપરા ચોક નજીક પહોંચતા ડી-હાઇડ્રેશન થવાના કારણે હર્ષ દોડતા-દોડતા પડી ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર તૈનાત સુરક્ષા જવાનો દોડી ગયા હતા અને બેભાન બની ગયેલા હર્ષને નજીકના મેડિકલ કેર સેન્ટર પર ખસેડી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં વધુ સારવાર માટે યુવાનને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

રેસકોર્સના ઓપન એર થિયેટર પાસેથી પ્રથમ 42 કિ.મી.ની ફૂલ મેરેથોન દોડને અને બાદમાં 21 કિ.મી.ની હાફ મેરેથોન, પછી 10 કિ.મી.ની ડ્રીમ રનને ફ્લેગ-ઓફ આપી પ્રસ્થાન કરાવાયું ત્યારે ઉપસ્થિત મેદનીમાં હર્ષોલ્લાસના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. દિવ્યાંગો માટે તેમજ વરિષ્ઠ નાગરિકો માટે અલગ રૂટ પર દોડ યોજાઈ હતી. મેરેથોન માટે થયેલા દોડવીરોના રજીસ્ટ્રેશનમાં 42 કિમી ની ફૂલ મેરેથોનમાં કુલ 154 દોડવીરો, 21 કિ.મી.ની હાફ મેરેથોનમાં 2223 સ્પર્ધકો, 10 કિ.મી. ની ડ્રીમ રનમાં 4359 દોડવીરો, જ્યારે 5 કિ.મી.ની રંગીલા રાજકોટ રનમાં 56020 તેમજ 1 કિ.મી.ની દોડમાં 1404 દિવ્યાંગ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ પાંચ કેટેગરીની દોડમાં કુલ 23925 મહિલા સ્પર્ધકોએ પણ વહેલી સવારે સજીધજીને દોડ લગાવી હતી.

(11:00 pm IST)