મહાપાલિકામાં ૧૨૨ જુનિયર કલાર્કની ભરતી થશે : ઓનલાઇન અરજી
પુરૂષમાં ૪૨ સામાન્ય જગ્યા અને મહિલાઓમાં ૧૪ સામાન્ય જગ્યા : બાકીની તમામ જગ્યા અનામત ઉમેદવારો માટે : ૯ ફેબ્રુઆરી અરજીની છેલ્લી તારીખ
રાજકોટ તા. ૧૮ : મહાનગર પાલિકામાં ૧૨૨ જેટલા જુનિયર કલાર્કની ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવાઇ છે. આ ૧૨૨ પૈકી પુરૂષોમાં ૪૨ અને મહિલાઓમાં ૧૪ એમ કુલ ૫૬ સામાન્ય ઉમેદવારોની જગ્યા છે. બાકીની તમામ જગ્યાઓ અનામત કેટેગરીની છે.
જે ભરતી કરવાની થાય છે તેમાં પુરૂષો માટે ૪૨ સામાન્ય, આદિજાતિ માટે ૨૩, અનુજાતિ માટે ૨૩, સામાજીક પછાત માટે ૮, અનુ.જાતિ માટે ૮ અને અનુ.જનજાતિ માટે ૨૭ જગ્યાઓ ભરવાની છે.
જ્યારે મહિલા અનામતની કેટેગરીમાં ૧૪ સામાન્ય, આદિજાતી માટે ૪, અનુજાતિ માટે ૨, અનુજનજાતિ માટે ૯ જગ્યાઓ છે તથા શારીરિક અશકત માટે ૩ જગ્યાની ભરતી થશે.
માન્ય યુનિવર્સિટીના સ્નાતક તથા ડેટા એન્ટ્રીની કોમ્પ્યુટર ટાઇપીંગની નિયત સ્પીડ વગેરે લાયકાત ધરાવતા ઉમેદવારોએ ૯ ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઇન www.rmc.gov.in વેબસાઇટ અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજીઓની તપાસણી કરી યોગ્ય ઉમેદવારોની લેખીત પરીક્ષા લેવાશે અને પછી લેખિત અને પ્રેકટીકલ પરીક્ષા લઇ મેરીટ મુજબ ઉમેદવારોની પસંદગી થશે.