રાજકોટ
News of Monday, 18th January 2021

અશાંત ધારામાં આવેલ તમામ ૨૮ સોસાયટી અને આસપાસની ૫૦૦ મીટર જગ્યા અંગે ડીમાર્કેશન શરૂ : અન્ય વિસ્તારો અંગે પણ દરખાસ્ત

લાગુ પડેલ અશાંત ધારામાં કેટલી મીલ્કત - પ્લોટ - મકાન - ફલેટ છે તે હવે જાણી શકાશે : ગણત્રી પણ ચાલુ : રાજકોટના અન્ય ૩ થી ૪ સેન્સેટીવ વિસ્તારો અંગે રજૂઆત - દરખાસ્તો આવી છે : હાલ તપાસ ચાલુ

રાજકોટ તા. ૧૮ : શહેરના વોર્ડ નં. ૨માં ૨૮ સોસાયટી વિસ્તારમાં સરકારના નોટીફિકેશન લાગુ થયું અને અશાંત ધારો અમલમાં આવ્યો તેના કારણે આ વિસતારના હજારો રહેવાસીઓમાં મોટી હલચલ મચી ગઇ છે.

દરમિયાન જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે 'અકિલા'ને જણાવેલ કે એ તમામ ૨૮ સોસાયટી અને તેની આસપાસની ૫૦૦ મીટર જગ્યા અંગે માપણી અને ડિમાર્કેશન સીટી સર્વે દ્વારા શરૂ કરી દેવાયું છે, જે ૩ થી ૪ દિવસમાં પૂર્ણ થયે ત્યાં કેટલી મિલકત - પ્લોટ - મકાન - ફલેટ છે અને કોણ કોણ અશાંત ધારામાં આવી જાય છે, તે જાણી શકાશે. આવા અશાંત ધારા સોસાયટીમાંથી અમુક ૩ થી ૪ દસ્તાવેજો ખરીદ - વેચાણ અંગે ગયા પરંતુ સબરજીસ્ટ્રાર કચેરીના ઝોન-૩ વિભાગે ના પાડી દિધા તે બાબતે કલેકટરે જણાવેલ કે હજુ આવી મંજુરીની અરજી આવી નથી, અમે વિગતો મેળવી રહ્યા છીએ. રાજકોટમાં અન્ય કોઇ વિસ્તારમાં અશાંત ધારો અંગે વિચારણા - દરખાસ્ત અંગે કલેકટરે ઉમેર્યું હતું કે આવા ૩ થી ૪ સેન્સેટીવ વિસ્તારો અંગે રજૂઆતો - દરખાસ્ત આવી છે, તે અંગે તપાસ ચાલુ છે.(૨૧.૨૩)

(3:39 pm IST)