રાજકોટ
News of Monday, 18th January 2021

કૂટણખાનામાં એક રૂમમાંથી બંગાળી યુવતિ મળી, બીજા રૂમમાંથી ૬૦ વર્ષના વૃધ્ધ ને મહિલા મળ્યા

યુનિવર્સિટી પોલીસે રૈયાધાર ૧૩ માળીયા કવાર્ટરમાં દરોડો પાડ્યોઃ કૂટણખાનુ ચલાવતાં પ્રકાશ ઉર્ફ જોન્ટીની ધરપકડઃ અગાઉ પણ આવા ધંધામાં પકડાયો'તોઃ ગ્રાહક પાસેથી રૂ. ૧૦૦૦ લઇ પ૦૦ પોતે ખાઇ જતો'તો

રાજકોટ તા. ૧૮: રૈયાધારમાં આવેલા તેર માળીયા કવાર્ટરના એ-વિંગના ત્રીજા માળે બ્લોક નં. ૩૦૧માં પ્રકાશ ઉર્ફ જોન્ટી જયંતિલાલ જીવરાજાની (ઉ.વ.૩૯) નામનો ગાંધીગ્રામ-૧૧માં રહેતો શખ્સ કૂટણખાનુ ચલાવતો હોવાની બાતમી પરથી યુનિવર્સિટી પોલીસે દરોડો પાડતાં એક રૂમમાંથી બંગાળી યુવતિ મળી આવી હતી અને બીજા રૂમનો દરવાજો બંધ હોઇ પોલીસે જોર જોરથી ખખડાવતાં દરવાજો ખોલાતાં અંદરથી બીજી એક મહિલા અને ૬૦ વર્ષના વૃધ્ધ મળી આવ્યા હતાં. પંચોની હાજરીમાં પોલીસે કાર્યવાહી કરી પ્રકાશ ઉર્ફ જોન્ટી સામે ધ ઇમ્મોરલ પ્રિવેન્શન એકટ હેઠળ કાર્યવાહી કરી તેની ધરપકડ કરી હતી અને બાકીનાને સાહેદ બનાવ્યા હતાં.

યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ. રવિભાઇ ગઢવીને બાતમી મળી હતી તેના આધારે પીએસઆઇ બી. જી. ડાંગર, દૂર્ગા શકિત ટીમના શિલ્પાબેન, મીનાબેન, કોન્સ. દિપકભાઇ ચોૈહાણ, મુકેશભાઇ ડાંગર સહિતના પંચોને સાથે લઇને બાતમીના સ્થળે તેર માળીયા કવાર્ટરના ત્રીજા માળે ફલેટ નં. ૩૦૧ ખાતે પહોંચ્યા હતાં. દરવાજો ખખડાવતાં એક શખ્સ બહાર આવ્યો હતો. પુછતાછમાં પોતાનું નામ પ્રકાશ ઉર્ફ જોન્ટી જણાવ્યું હતું.

જમણી બાજુના રૂમમાં એક યુવતિ બેઠી હોઇ તેણે પુછતાછમાં પોતાનું નામ જણાવી પોતે મુળ બંગાળની વતની હોવાનું કહ્યું હતું. પોલીસે બીજો રૂમ બંધ હોઇ તેનો દરવાજો ચાર-પાંચ વાર જોર જોરથી ખખડાવતાં બે-ત્રણ મિનીટ પછી રૂમ ખોલાયો હતો. જેમાં એક મહિલા અને વૃધ્ધ હતાં. આ બંને રાજકોટના રહેવાસી હતાં. બંગાળી યુવતિ અને રાજકોટની મહિલાએ પોલીસને કહ્યું હતું કે પોતાને પ્રકાશ ઉર્ફ જોન્ટી અહિ લાવ્યો હતો. ગ્રાહકોને બોલાવી તેની પાસેથી તે એક એક હજાર રૂપિયા લઇ પોતાને ૫૦૦-૫૦૦ આપે છે.

પોલીસે આ બંનેની કેફીયતને આધારે ગુનો નોંધ્યો હતો. યુવતિ, મહિલા પાસે વેશ્યાવૃતિ કરાવી તે પોતાનું ઘર ચલાવતો હોવાનો ગુનો નોંધાયો હતો. આ શખ્સ અગાઉ પણ આવા ગોરખધંધામાં એ-ડિવીઝન અને યુનિવર્સિટી પોલીસ મથકમાં પકડાતાં પાસા થયા હતાં. છુટ્યા પછી ફરીથી કૂટણખાનુ ચાલુ કર્યુ હતું.

પોલીસે રોકડ, ફોન મળી ૭૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના હેઠળ પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ બી. જી. ડાંગર,  રવિભાઇ, દિપકભાઇ, મુકેશભાઇ, લક્ષમણભાઇ, ગિરીરાજસિંહ જાડેજા, કોન્સ. શિલ્પાબેન, મીનાબેન સહિતે આ કાર્યવાહી કરી હતી.

(3:32 pm IST)