રાજકોટ
News of Monday, 18th January 2021

વેબ સિરીઝ 'તાંડવ'માં ધાર્મિક લાગણી દુભાય તેવા દ્રશ્યોઃ શિવ ભગવાનને અપમાનજક રીતે રજૂ કર્યાની ફરિયાદ

ગાંધીગ્રામના યુવાન પ્રતિપાલસિંહ ઝાલાએ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપીઃ ઓટીટી પ્લેટફોર્મ કંપની, નિર્દેશક, ત્રણ અભિનેતાઓ સામે કાર્યવાહી કરવા માંગણી

રાજકોટ તા. ૧૮: તાજેતરમાં અમેઝોન પ્રાઇમ પર રિલીઝ થયેલી નિર્દેશક અલી અબ્બાસ જફરની વેબ સિરીઝ 'તાંડવ'માં ધાર્મિક લાગણી દુભાવી ધર્મનું અપમાન થાય એ રીતે શિવ ભગવાનને અપમાનજનક રીતે પ્રદર્શિત કરી બંધારણના સિંધ્ધાંત સેકયુલારિઝમ અને રિલીજીયસનો ભંગ કરવા બદલ એમેઝોન પ્રાઇમ વિડીયો (ઇન્ડિયા) (બેંગ્લોર), નિર્દેશક અલી અબ્બાસ જબર, અભિનેતા સૈફ અલી ખાન, મોહમ્મદ જીશાન અયુબ અને ડીનો મારીયો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથેની લેખિત ફરિયાદ ગાંધીગ્રામ ભારતીનગર-૩ ઉદય નિવાસમાં રહેતાં પ્રતિપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાએ પોલીસ કમિશનર કચેરીમાં કરી છે.

પ્રતિપાલસિંહ ઝાલાએ તા. ૧૬-૦૧-૨૧ના રોજ પોલીસ કમિશનરશ્રીની કચેરીમાં ઇન્વર્ડ કરાવેલી લેખિત અરજી-ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને વેપાર કરી ગુજરાન ચલાવું છું. ભગવાન શિવ અમારા આરાધ્ય દેવ છે, જેમના પ્રત્યે અમોને અપાર શ્રધ્ધા છે. આરોપીઓમાં એમેઝોન પ્રાઇમ વિડીયો મલ્ટીનેશનલ એન્ટરટેઇનમેન્ટ રજૂ કરતી કંપની છે અને તેણે તાંડવ નામની વેબ સિરીઝ બનાવી ઓટીટી પ્લેટફોર્મ પર વિશ્વસ્તરે પ્રસારીત કરી છે.

આ સિરીઝના નિર્દેશક અલી અબ્બાસ જફર છે અને બાકીના ત્રણ સૈફ અલી ખાન, મો. જીશાન અયુબ અને ડીનો મારીયો અભિનેતા છે. સિરીઝના પ્રથમ એપિસોડમાં કોલેજ ફંકશનમાં સ્ટેજ શોનું દ્રશ્ય છે. જેમાં શિવ ભગવાનને વિકૃત રીતે રજૂ કરી ધર્મનું અને ફરિયાદી સહિત ભારતભરના હિન્દુઓનું અપમાન કરાયું છે. આ દ્રશ્યમાં 'રામજી કે ફોલોઅર્સ સોશિયલ મિડીયામેં બઢતે હી જા રહે હૈ' એવું એક પાત્ર બોલે છે, સામે હાથમાં ત્રિશુલ સાથે ઉભેલો અભિનેતા કે જેણે ભગવાન શિવનું રૂપ ધર્યુ છે તે કહે છે કે- તો કયા કરુ ફોટો લગાઉ? એવો ડાયલોગ વિકૃત રીતે બોલે છે. આમ ભગવાન શિવ સાથે ભગવાન રામને પણ અપમાનીત કરાયા છે.

સિરીઝના સ્ક્રિપ્ટ રાઇટરે આ લખાણથી પોતાની હિન્દુ વિરોધી માનસિકતા સ્પષ્ટ કરતું દ્રશ્ય રજૂ કરાવ્યું છે. અભિનેતા મો. જીશાન અયુબે ડાયલોગ ડિલીવરી કરીને પોતાની કટ્ટરતા દર્શાવ્ી છે. સૈફ અલી ખાનએ પણ વિવાદાસ્પદ રોલ ભજવી માનસિકતાનો પરિચય કરાવ્યો છે. આ ઉપરાંત ડીનો મારીયોએ પણ જ્ઞાતિ વિષયક ડાયલોગ બોલ્યા છે. જે.એન. યુ. યુનિવર્સિટીને ભળતું નામ વી.એન. યુ. રાખીને વિવાદાસ્પદ દ્રશ્યો દ્વારા હિન્દુ વિરોધી રજૂઆત કરવામાં આવી છે. તેમજ આ ધર્મને લગતાં જ્ઞાતિ-સમાજના દ્રશ્યો વિકૃત રીતે રજૂ કરાયા છે.  ગંભીરતા ધ્યાને લઇ કાર્યવાહી કરવા પ્રતિપાલસિંહે લેખિત રજૂઆતના અંતમાં જણાવ્યું છે.

(3:31 pm IST)