રાજકોટ
News of Saturday, 18th January 2020

લોધીકાની જમીનના બોગસ સાટાખતના આધારે ખંડણી માંગવાના કેસમાં જામીન મંજુર

રાજકોટ તા.૧૮: રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના મોજે ગામ લોધીકામાં રહેતા પટેલ ખેડુતના નામે આવેલ ખેતીની જમીનમાં બોગસ કબજા રહીત સાટાખત ઉભું કરી સમાધાન માટે રૂપિયા બે કરોડની ખંડણી માંગવાની ફરીયાદ આ કામના ફરીયાદીએ રાજકોટના ડી.સી.બી.પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૬૫,૪૬૭,૪૬૮, ૪૭૧,૩૮૫, અને ૧૨૦ (બી) મુજબની ફરીયાદ ચકુભાઇ મેનપરાએ નોંધાવેલ હતી. જેના અનુસંધાને આરોપી નામે જયદીપ સુરેશભાઇ પરમારને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દીવસથી જેલ હવાલે કરવામાં આવેલા. જેને સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજુર થતા જેથી આરોપીએ જામીન અરજી કરતા ગુજરાત હાઇકોર્ટે આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ગત તા.૬-૫-૨૦૧૯ના રોજ રાજકોટના ડી.સી.બી.પોલીસ સ્ટેશનમાં આ કામના ફરીયાદીએ પોતાની માલીકીની ખેતીની જમીન કે જે લોધીકા ગામે આવેલ હોય તેની નોંધણી કરાવવા માટે મામલતદાર કચેરીમાં જતા ત્યાં ઉપરોકત આરોપીએ બોગસ કબજા રહીતનું સાટાખત ઉભું કરેલ હોય અને મામલતદાર કચેરીમાં નોંધ ન પડે તેવી વાંધા અરજીઓ આપેલ હોય જે હકીકત ફરીયાદીના ધ્યાનમાં આવતા ફરીયાદીને આરોપીએ સદરહું સાટાખત રદ કરવા માટે સમાધાન પેટે બે કરોડ રૂપિયાની ખંડણી માંગેલ હોય જેથી આ કામના ફરીયાદીએ રાજકોટના ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૩૮૫, અને ૧૨૦ (બી) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

આ ફરીયાદના આધારે તે જ દિવસે આ કામના આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરી જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ત્યારબાદ આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાં ગુજારેલ હતી જે અન્વયે ગુજરાત હાઇકોર્ટમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમા લઇ ગુજરાત હાઇકોર્ટે આ કામના આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમા આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી.મકવાણા, તથા એમ.એન.સિંધવ, તેમજ ગુજરાત હાઇકોર્ટમાં પ્રતિક વાય. જસાણી રોકાયેલા હતા.

(3:36 pm IST)