રાજકોટ
News of Friday, 18th January 2019

મેટોડાનો દેવગામ વીજ ફીડર સૂર્યશકિત કિસાન યોજના હેઠળ આવરી લેવાયોઃ ૬૬ ખેડૂતોને ડાયરેકટ લાભ મળશે

ખેડૂતોએ માત્ર પ ટકા ભરવાનાં: ૬૦ ટકા કેન્દ્ર-રાજ્યની સબસીડીઃ ૩૫ ટકાની સરકાર પોતે લોન અપાવશે : સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રથમ ફીડર શરૃઃ ખેડૂતોને પોતાને મળતી વીજળી વેચી પણ શકશેઃ જબરી યોજના

રાજકોટ તા.૧૮: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અભુતપૂર્વ નિર્ણય લઇ સૂર્યશકિત કિસાન યોજના (સ્કાય) અમલમાં મુકેલ છે. આ યોજના થકી ખેડૂત પોતાના ખેતરમાં સૌર પેનલ દ્વારા વિજળી ઉત્પાદન કરી જરૂરીયાત મુજબ વીજવપરાશ કરી અને બાકીની વધારાની વીજળી વહેંચી અને વધારાની આવક મેળવશે. જેના અનુસંધાને પીજીવીસીએલના કાર્યક્ષેત્રમાં આવેલ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સૌપ્રથમ ખેતીવાડી ફીડર રાજકોટ જિલ્લાના મેટોડા વિભાગીય કચેરી હેઠળના દેવગામ ફીડરને સ્કાય યોજના હેઠળ આવરીને તારીખ ૩૧-૧૨-૧૮ના રોજ કામગીરી પુર્ણ કરી ચાલુ કરેલ છે. આ ફીડરના સમાવિષ્ટ કુલ ૬૬ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધેલ છે.

આ યોજનામાં ખેડૂતે ઓછામાં ઓછી કુલ ખર્ચની પ % રકમ ભરપાઇ કરવાની રહેશે બાકીની ૩૦ % રકમ કેન્દ્ર સરકાર, ૩૦% રાજ્ય સરકાર (ઇબીઆઇ) દ્વારા સબસીડી આપવામાં આવે છે. અને ૩૫% રકમ ખેડૂતો વતી સરકાર દ્વારા સસ્તા દરની લોન લેવામાં આવે છે. આ યોજનામાં પ્રથમ સાત વર્ષ માટે ગેરંટી તથા મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે. તથા વીમો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે.સૂર્યશકિત કિસાન યોજનામાં જોડાયેલા ખેતી વિષયક ગ્રાહકોને નીચે મુજબના લાભો થશે.વીજ બીલમાં રાહત મળશે. ગ્રીડમાં વધારાની વિજળી વેચવાથી કાયમી આવક મળશે, દિવસ દરમ્યાન ૧૨ કલાક વીજ પુરવઠો, લોન ભરપાઇ થાય બાદ સોલાર સ્ીસ્ટમની માલિકી ખેડૂતની થશે, સોલાર સીસ્ટમનો વીમો રાજ્ય સરકાર લેશે, સાત વર્ષ માટે ગેરંટી તથા મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે.

(3:30 pm IST)