રાજકોટ
News of Monday, 17th December 2018

રાજકોટ સહિત રાજયભરના લેન્ડ રેકર્ડમાં વર્ગ-૩ના કર્મચારીઓ આંદોલનના માર્ગેઃ કાળીપટ્ટી ધારણ કરી

૩૧મીએ માત્ર સીએલઃ પ્રશ્નો નહિ ઉકેલાય તો ૧૬ જાન્યુથી બેમુદતી હડતાલ

રાજકોટ, તા.૧૭: ગુજરાત રાજય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળ દ્વારા જમીન દફતર ખાતાના વર્ગ-૩ના કર્મચારીઓની લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે. જેનો આજ દિન સુધી કોઇ ઉકેલ આવેલ નથી જેથી ગુજરાત રાજય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળ દ્વારા આજથી ગાંધી ચીંધ્યા માર્ગે કાળી પટ્ટી, પ્રતિક ઉપવાસ, માસ સી.એલ. તથા અચોકકસ મુદતની હડતાલ કરવા જેવા કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ છે, જે કાર્યક્રમમાં રાજકોટ જીલ્લાના લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ છે, જે કાર્યક્રમમાં રાજકોટ જીલ્લાના લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ પણ જોડાશે, અને આ બાબતે જમીન દફતરના નાયબ નિયામકને આવેદન પાઠવી જાણ કરી દેવાઇ છે.

આજથી તા.૨૧ સુધી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે, તા.૨૪થી ર૯ દરેક જીલ્લાના પાંચ કર્મચારીઓ પ્રતિક ઉપવાસ કરશે.

ત્યારબાદ ૩૧મીએ કર્મચારીઓ માત્ર સીએલ ઉપર જશે. અને માંગણીઓ ન સ્વીકારાય તો ૧૬ જાન્યુઆરીથી રાજયભરના લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ના કર્મચારીઓ બેમુદતી હડતાલ ઉપર ઉતરી જશે.

ફરજોમાં થતી હેરાનગતિ જેવી કે કામોના અશકય ટાર્ગેટ, રી-સર્વે કામગીરી માટે હંગામી ધોરણ જિલ્લા બહાર બદલી તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવાર નવાર નોટીસો આપવા સહિત જુદી-જુદી ૧૯ બાબતો અંગે સરકાર દ્વારા ઘણા સમયથી ધ્યાન અપાતું નથી તેમ વડોદરા યુનિટના પ્રમુખ વિનોદ ચૌધરી તેમજ મહામંત્રી બિપેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું. કર્મચારીઓએ જણાવ્યું હતું કે ખાણ ખનીજ સહિત અનેક ખાતાઓમાં સર્વયરોનું પગાર ધોરણ વધારે છે જયારે મહેસુલને લગતી મહત્વની કામગીરી કરતા હોવા છતા ઓછું વેતન નકકી કરાયું છે.

(4:05 pm IST)