રાજકોટ
News of Monday, 17th December 2018

ભાગીદારને મરવા મજબૂર કર્યા બાદ જીણાએ જુનાગઢ જઇ બે વર્ષ સેવા કરી, પછી નાંધુ પીપળીયાના મંદિરમાં 'મનુબાપુ'બની ગયો!

ગંભીર ગુનામાં છ વર્ષથી ફરાર શખ્સને શહેર એસઓજીએ શોધી કાઢ્યોઃ ભાગીદાર પ્રવિણભાઇ દેસાણીને પાંચ લાખનો ધુંબો મારી આપઘાત માટે ફરજ પાડવાનો ગુનો થોરાળા પોલીસમાં દાખલ થયો'તોઃ ખાલી મંદિરમાં કબ્જો જમાવી પરિવારજનોને પણ બોલાવી લીધા'તાઃ પણ કાનૂનના લાં...બા હાથ અંતે તેના સુધી પહોંચી ગયા

રાજકોટ તા. ૧૭:  ભાગેડુ આરોપીઓને શોધી કાઢવાની પોલીસની ઝુંબેશ વેગવંતી બની છે. રાજકોટ એસઓજીએ આપઘાતની ફરજ પાડવાના ગુનામાં છ વર્ષથી ફરાર ગોંડલ રોડ શકિતનગર સોસાયટી પાછળ ૨૫ વારીયામાં રહેતાં જીણા રઘુરામ દુધરજીયા નામના પ્રોૈઢને લોધીકાના નાંધુ પીપળીયા ગામેથી ઝડપી લીધો છે. આ પ્રોૈઢ સાધુ બની 'મનુબાપુ'નું નામ ધારણ કરીને મંદિરમાં તેના પરિવારજનો સાથે રહેતો હતો. ભાગીદારને મરી જવા મજબુર કર્યા બાદ આ પ્રોૈઢ જુનાગઢ જતો રહ્યો હતો અને ત્યાં જુદા-જુદા આશ્રમોમાં બે વર્ષ રહી સેવા કર્યા બાદ નાંધુ પીપળીયા પહોંચી ખાલી મંદિરમાં કબ્જો જમાવી મનુબાપુ બની ગયો હતો.

વર્ષ ૨૦૧૨માં જય બાલાજી મશીન ટુલ્સ નામે કારખાનુ ધરાવતાં પ્રવિણભાઇ દેસાણીએ આપઘાત કરી લીધો હતો. જે તે વખતે તપાસમાં તેના ભાગીદાર જીણા રઘુરામભાઇ દુધરેજીયાએ ભાગીદારીવાળી પાંચ લાખની લોન ભરપાઇ ન કરી પ્રવિણભાઇને મરવા મજબુર કરતાં તેણે આપઘાત કરી લીધો હતો. આ અંગે થોરાળા પોલીસમાં ૧૯૬/૨૦૧૨ મુજબનો આઇપીસી ૩૦૬ હેઠળગુનો નોંધાયો હતો.

ત્યારથી જીણા દુધરેજીયા ફરાર હતો. દરમિયાન આ શખ્સ હાલમાં નાથુપીપળીયા ગામે મનુબાપુ નામ ધારણ કરી સાધુ બનીને રહેતો હોવાની બાતમી એસઓજીના હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. ગિરીરાજસિંહ જાડેજા અને ગિરીરાજસિંહ ઝાલાને મળતાં પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં આ ત્રણેય કર્મચારીઓ તથા પીએસઆઇ એચ. એમ. રાણા, ઓ.પી. સિસોદીયા, હેડકોન્સ. વિજયભાઇ શુકલ, આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. જયંતિગીરી, અનિલસિંહ, નિર્મળસિંહ, ચેતનસિંહ, વિજયસિંહ, હરદેવસિંહ, વિજેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ, બ્રિજરાજસિંહ, ફિરોઝભાઇ, યુવરાજસિંહ સહિતે જીણા ઉર્ફ મનુબાપુને પકડી લઇ થોરાળા પોલીસને સોંપ્યો છે.

જીણા ઉર્ફ મનુબાપુએ કબુલાત આપી હતી કે ભાગીદારના આપઘાતમાં પોતાના વિરૂધ્ધ ગુનો નોંધાતા પરિવારની જાણ બહાર તે જુનાગઢ ભાગી ગયેલ અને ત્યાં જુદા-જુદા આશ્રમો, ધાર્મિક જગ્યાઓમાં બે વર્ષ સુધી રહી સેવા કરી હતી. એ પછી છેલ્લા ચાર વર્ષથી નાંધુપીપળીયાના મંદિરમાં મનુબાપુ તરીકે રહેવા લાગ્યો હતો અને પરિવારજનોને પણ સાથે રહેવા બોલાવી લીધા હતાં. થોરાળા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૧૧)

 

(11:45 am IST)