રાજકોટ
News of Wednesday, 17th November 2021

ભારતીય કિસાન સંઘ અને આત્મીય સમાજના લક્ષ્મણભાઈ પટોળિયાનું નિધન

પ્રભુમય જીવન લક્ષ્મણભાઈની વિશેષતાઃ ત્યાગસ્વામી *શુક્રવારે યોગીધામમાં પ્રાર્થનાસભા

રાજકોટઃ  કિસાન સંઘના પાયા મજબૂત કરનારા અગ્રણીઓમાંના એક એવા લક્ષ્મણભાઈ નાથાભાઇ પટોળિયાનું ૭૧ વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાંક સમયથી બીમાર હતા. 

જામનગર જીલ્લાનાં લાવડીયાના વતની એવા લક્ષ્મણભાઈ પટોળિયાએ રાજકોટમાં માજી મેયર સ્વ. અરવિંદભાઇ મણિયારની સાથે કરવેરા સલાહકાર તરીકેની પ્રેકિટસ શરૂ કરી હતી. બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હોવાને કારણે ભારતીય કિસાન સંઘમાં સક્રિય થયા હતા.  તત્કાલિન સરકારો સામે ખેડૂતોના  પ્રશ્ને આંદોલનોમાં તેમણે નિર્ણાયક નેતૃત્વ પુરૃં પાડયું હતું. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન અમલી બનેલી લોકપ્રિય ગોકુળ ગ્રામ યોજના તૈયાર કરવામાં સ્વ. લક્ષ્મણભાઈએ મહત્વનું યોગદાન આપ્યું હતું.  આત્મીય સમાજ વતી પૂ. ત્યાગવલ્લભ સ્વામીએ સ્વ. લક્ષ્મણભાઈ પટોળિયાને શ્રધ્ધાંજલિ આપતાં કહ્યું કે પૂજા કર્યા પછી જ ઘરની બહાર નીકળવું, 'શિક્ષાપત્રી' પ્રમાણે આહારવિહારની શુધ્ધિ જાળવવી, સત્સંગના કાર્યક્રમોમાં નિયમિત હાજરી આપવી જેવા ક્રિયાયોગો તેમની વિશેષતા રહી છે.  પરમ પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આત્મીયતા અને સુહૃદભાવના ઉપદેશને લક્ષ્મણભાઈએ પચાવી જાણ્યો હતો.  જાહેરજીવનમાં રહ્યા હોવા છતાં ક્યારેય કોઇએ તેમને ગુસ્સો કરતા જોયા નથી.         બે વર્ષના સમયગાળામાં બે યુવાનપુત્રોનું બીમારીને કારણે અવસાન થયું ત્યારે પણ સ્વસ્થતા જાળવી રાખીને તેમણે પ્રભુનિષ્ઠા અને પ્રભુમય જીવનનો પરિચય આપ્યો હતો. સદ્દગત જ પ્રાર્થનાસભા તા.૧૮ શુક્રવારે સાંજે ૪ થી ૬  યોગીધામ પ્રાર્થના હૉલ, આત્મીય યુનિ. પરિસર, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે.

(3:52 pm IST)