રાજકોટ
News of Wednesday, 17th November 2021

પરેશ પટેલે પ્રેમિકાના દારૂડીયા પતિ મનોજને પતાવી દેવા માતાજીના ભુવા મેહુલને સોપારી આપી, કાવત્રામાં બીજા ત્રણ જોડાયા ને હત્યા થઇ

કોઠારીયા સોલવન્ટમાં ગાડીના પાટા પાસેથી ઘાયલ મળેલા કોળી યુવાન મનોજ વાઢેરનું મોત પડી જવાથી કે ટ્રેનની ટક્કરથી થયાનું જાહેર થયા પછી દારૂની કોથળી માટે હત્યા થયાની ફરિયાદ થઇ, પણ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખળભળાટ મચાવતી મર્ડર મિસ્ટ્રી ખુલી : પોલીસે પથ્થરના ઘા ફટકારી હત્યા કરનાર લોધીકા પારડીના રાજેશ પરમારને ઉઠાવ્યો પછી સોપારી આપનાર કાલાવડ રોડ અક્ષર માર્ગ ગ.હા. બોર્ડમાં રહેતાં પરેશ અકબરી, તેના મિત્ર ખોખડદડના વિમલ બાંભવા, હત્યાની સોપારી લેનારા લોધીકાના પારડીના મેલડી માતાજીના ભુવા મેહુલ પારઘી અને તેના મિત્ર પારડીના કિશન જેઠવાને પકડ્યા : મનોજને દારૂની ટેવ હોઇ દારૂમાં ઝેર ભેળવી પાઇ દઇ પતાવી દેવાનો પ્લાન કરાયો હતોઃ આ માટે બીજા નશાખોરોને મનોજ સાથે મિત્રતા કરાવવાનું પણ વિચારાયુ હતું: પણ છેલ્લે પથ્થરના ઘા મારી ભાડૂતી મારા રાજેશે પુરો કરી નાંખ્યો :પારડીના મજૂર રાજેશે ભાડૂતી મારા તરીકે કામ પાર પાડ્યું : પહેલા ભુવાએ હત્યા માટે ૧૦ લાખ માંગ્યા, પછી ૪ લાખમાં પાક્કુ થયું: હત્યા બાદ કોન્ટ્રાકટર પરેશે ૨ લાખ રોકડા દીધાઃ બીજા બે બાકી રાખ્યાઃ પણ પોલીસને ગંધ આવી ગયાનું લાગતાં પોતાનું નામ ન આવે એ માટે વધુ ૩ લાખ દીધા...છેલ્લે પાપ છાપરે ચડી ગયું ને પાંચેય પકડાયા : મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલની બાતમીઃ એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ. એમ. ઝાલા અને ટીમને સફળતા :કાલાવડ રોડ ગુ.હા. બોર્ડ સોસાયટીમાં રહેતાં બાંધકામ કોન્ટ્રાકટર પરેશ પટેલે ૨૦૧૪માં મનોજની પત્નિ ફાલ્ગુની સાથે પ્રેમ થયા બાદ ૨૦૧૭માં મૈત્રી કરાર કર્યા હતાં: આ કરાર તેને હત્યાનો આરોપી બનવા સુધી દોરી ગયા :પરેશે આઠ મહિના પહેલા જ મનોજને ઢાળી દેવાનું નક્કી કર્યુ હતું: મેલડી માના ભુવા મેહુલને મળીને કહ્યું-એવું કંઇક કરો કે એક ભાઇ થોડા દિવસમાં જ મરી જાય!...ત્યારે ભુવાએ કહેલું-માતાજી કોઇનો જીવ લેવાનું કામ ન કરેઃ પછી પૈસાની લાલચ મળતાં ભુવાએ કામ હાથમાં લઇ લીધું: મિત્ર કિશનને વાત કરી અને કિશને ભાડૂતી હત્યારા રાજેશને મનાવી તેની પાસે હત્યા કરાવડાવી : હત્યાના બીજા દિવસે હત્યારા સહિત ત્રણ ઘટના સ્થળે આવ્યાઃ પોલીસ અને ટોળુ જોઇ ભાગી ગયાઃ અકસ્માતે મોતની વિગતો પોલીસે પ્રાથમિક તબક્કે જાહેર કરતાં બધા બિન્દાસ્ત બની ગયા'તા

ગૂડ વર્કઃ પડી જતાં ઇજા થવાથી કોળી યુવાન મનોજ વાઢેરનું મોત નિપજ્યાની જાહેર થયેલી ઘટનામાં ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમી પરથી આગળ વધેલી તપાસ એક મર્ડર મિસ્ટ્રી સુધી પહોંચી હતી. ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી આ મનોજની હત્યામાં તેની પત્નિ ફાલ્ગુનીના પ્રેમી કોન્ટ્રાકટર પરેશ અકબરી તથા પરેશે જેને સોપારી આપી હતી એ માતાજીના ભુવા મેહુલ પારઘી, ભુવાના મિત્ર કિશન  જેઠવા અને પરેશના મિત્ર વિમલ બાંભવા તથા મનોજને પથ્થર મારી પતાવી દેનારા ભાડૂતી મારા રાજેશ પરમારને  પકડી લીધા છે. આ અંગે માહિતી આપી રહેલા ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા તથા સાથે એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. એમ. ઝાલા અને ટીમના મહિપાલસિંહ, ચેતનસિંહ, પ્રદિપસિંહ તથા વિરેન્દ્રસિંહ જોઇ શકાય છે.

રાજકોટ તા. ૧૭: શહેરના કોઠારીયા સોલવન્ટમાં સિતારામ સોસાયટીમાં રહેતાં મનોજ પ્રતાપભાઇ વાઢેર (ઉ.વ.૪૦) નામનો કોળી યુવાન ૨૮/૧૦નાસવારે કોઠારીયા સોલવન્ટ રેલ્વે ફાટકથી આગળ સિગ્નલ સામે આવેલા રેલ્વે પાટા પાસે અવાવરૂ જગ્યાએથી મોઢા પર ડાબા નેણ પાસે ઇજા થયેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો. જે તે વખતે તે નશો કરેલી હાલતમાં પડી જતાં અથવા ટ્રેન સાથે અથડાતાં ઇજા થવાથી મોત થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. દરમિયાન આ યુવાનનું મોત આકસ્મિક નહિ પણ તેની હત્યા થયાનું અને દારૂની કોથળી આ હત્યા પાછળ કારણભુત હોવાનું ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા અને કોન્સ. ચેતનસિંહ ગોહિલની બાતમી પરથી ખુલતાં પથ્થરના ઘા ફટકારી હત્યા નિપજાવનાર આરોપી પારડીના શખ્સને દબોચી લેવાયો હતો. તેની વિસ્તૃત પુછતાછ થતાં ચોંકાવનારી મર્ડર મિસ્ટ્રી ખુલી હતી. મનોજની પત્નિના પ્રેમી કાલાવડ રોડ પર રહેતાં પટેલ કોન્ટ્રાકટરે  માતાજીના ભુવાને મનોજની હત્યાની સોપારી આપ્યાનું અને આ કાવત્રામાં બીજા ત્રણ મળી કુલ પાંચ સામેલ હોવાનું ખુલતાં તમામને દબોચી લેવાયા છે. રૂ. ૫ લાખ ૧૦ હજારની સોપારી આ હત્યા પાછળ પટેલ કોન્ટ્રાકટરે ચુકવી હોવાનું સામે આવ્યું છે.

હત્યાની આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચે પથ્થરના ઘા મારી મનોજ વાઢેરને પતાવી દેનારા રાજેશ પુંજાભાઇ પરમાર (ઉ.વ.૨૫- રહે. પારડી તા. લોધીકા, ગોંડલ હાઇવે), અનુ. જાતિ), હત્યાની સોપારી આપનારા બાંધકામ કોન્ટ્રાકટર પરેશ પરષોત્તમભાઇ અકબરી (પટેલ) (ઉ.વ.૪૭-રહે. ગુજરાત હા. બોર્ડ શેરી નં. ૮, કાલાવડ બ્લોક નં. એલ-૮૮, અક્ષર માર્ગ રાજકોટ), હત્યાની સોપારી લેનાર મેલડી માતાજીના ભુવા મેહુલ રામજીભાઇ પારઘી (અનુ. જાતી) (ઉ.વ.૩૧-ધંધો કડીયા કામ, રહે. પારડી તા. લોધીકા), પરેશના મિત્ર વિમલ કિરીટભાઇ બાંભવા (ભરવાડ) (ઉ.વ.૨૮-ધંધો ચાની હોટેલ, રહે. ખોખડદડ, છીંડાવાળી શેરી રાજકોટ) તથા ભુવા મેહુલના મિત્ર કિશન મનસુખભાઇ જેઠવા (મોચી) (ઉ.વ.૨૭-ધંધો મજુરી, રહે. પારડી તા. લોધીકા)ની ધરપકડ કરી છે.

અકસ્માતે મોતની ઘટના જાહેર થયા પછી બાતમી મળી ને હત્યાનો ભેદ ખુલ્યો

ગત ૨૮/૧૦ના રોજ સિતારામ સોસાયટીનો મનોજ વાઢેર કોઠારીયા સોલવન્ટ પાસેથી લોહીલુહાણ મળતાં તેના માથામાં ઇજાઓ હોઇ તે નશાની હાલતમાં પડી જતાં અથવા તો ટ્રેન સાથે અથડાતાં તેનું મોત થયાનું જાહેર થયું હતું. આજીડેમ પોલીસે આકસ્મિક મોતની નોંધ કરી વિશેષ તપાસ યથાવત રાખી હતી. એ દરમિયાન ડીસીબીના મહિપાલસિંહ ઝાલા અને ચેતનસિંહ ગોહિલને બાતમી મળી હતી કે ૨૮મીએ મનોજની લાશ મળી તેની આગલી રાતે એટલે કે ૨૭/૧૦ના રાતે મનોજની સાથે પારડીનો રાજેશ પરમાર હાજર હતો. આ માહિતીને આધારે બે દિવસ પહેલા કાંગસીયાળી પાસેથી રાજેશ પરમારને પીએસઆઇ પી. એમ. ઝાલા અને ટીમે ઉઠાવી લઇ ઉંચો નીચો કર્યો હતો.

રાજેશે પ્રારંભે ગોળ ગોળ વાતો કર્યા પછી સમગ્ર કાવત્રુ ઉઘાડુ પાડ્યું

રાજેશ પરમારની પુછતાછ થતાં પહેલા તો તેણે ગોળગોળ વાતો કરી હતી. પણ પોલીસે આકરો મિજાજ દેખાડતાં જ તે પોપટ બની ગયો હતો અને કબુલ્યું હતું કે મને પારડીના મારા મિત્ર કિશન જેઠવાએ કહ્યું હતું કે ગામના માતાજીના ભુવા મેહુલ પારઘી પાસે રાજકોટના પરેશ પટેલેનું એક કામ આવ્યું છે. જેમાં પરેશ પટેલને નડતા એક ભાઇને દારૂ પીવાની ટેવ છે અને એ શખ્સ સાથે આપણે મિત્રતા કરી તેને દારૂમાં દવા કે ઝેરી પદાર્થ પાઇ મારી નાંખવાનો છે, આ કામમાં પૈસા મળશે. કિશનની આ વાત સાંભળી હું કામ કરવા તૈયાર થયો હતો અને ૨૭મીએ સાંજે પોતે કિશન જેઠવા તથા મેહુલ પારઘી સાથે જેની હત્યા કરવાની હતી તેને કોઠારીયા સોલવન્ટ નજીક ચાની કેબીન ધરાવતાં પરેશ પટેલના મિત્ર વિમલ બાંભવા મારફત જેને પતાવવાનો હતો તે મનોજની ઓળખ કરી હતી અને બાદમાં મનોજ કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે ચાલીને જતો હોઇ હું તેની પાછળ પાછળ ગયો હતો અને તેની સાથે વાતચીત કરી પછાડી દઇ પથ્થર ઉપાડી મોઢા પર બે ત્રણ ઘા ફટકારી ભાગી ગયો હતો. રાજેશે આગળ કહ્યું હતું કે આ ખૂન કરવા બદલ મને કિશન અને મેહુલ મારફત અગાઉ ૫૦૦૦ રૂપિયા મળ્યા હતાં, હત્યાના દિવસે રૂ. ૫૦૦ અને બાદમાં ૧૧/૧૧ના રોજ બીજા ૭૦ હજાર મળ્યા હતાં.

રાજેશ કેટલુ સાચુ બોલે છે? એ જાણવા પરેશ, વિમલ, મેહુલ અને કિશનને ઉઠાવાયા

રાજેશે પૈસા લઇને હત્યા કર્યાની કબુલાત આપી તેમાં કેટલું તથ્ય? શા માટે હત્યા થઇ? એ સહિતના સવાલો ઉકેલવા પોલીસે રાજેશની તપાસમાં સામે આવેલા નામો મુજબના કોન્ટ્રાકટર પરેશ પટેલ, તેના મિત્ર વિમલ ભરવાડ, માતાજીના ભુવા મેહુલ પારઘી અને મેહુલના મિત્ર કિશન જેઠવાને ઉઠાવી લઇ ચારેયની ક્રોસ પુછતાછ શરૂ કરી હતી. તે સાથે જ મર્ડર મિસ્ટ્રીનો ચોંકાવનારો અને વિસ્તૃત ઘટનાક્રમ સામે આવ્યો હતો. જે આ મુજબ છે.

પરેશનો પારકી પરણેતર સાથેનો પ્રેમસંબંધ અને મૈત્રીકરાર બન્યા મનોજની હત્યાનું મુખ્ય કારણ

. પરેશ અકબરી (પટેલ) જે કાલાવડ રોડ અક્ષર માર્ગ પર ગુ.હા. બોર્ડ સોસાયટી જેવા પોશ એરિયામાં રહે છે. વર્ષ ૨૦૧૪માં પરેશે હત્યાનો ભોગ બનનાર મનોજ જ્યાં રહે છે તે સિતારામ સોસાયટીમાં બાંધકામની સાઇટ ચાલુ કરી હતી. એ વખતે તેને મનોજની પત્નિ ફાલ્ગુની સાથે પરિચય થયો હતો. ફાલ્ગુનીને તેનો પતિ મનોજ દારૂ પી હેરાન કરતો હોઇ જેથી તેના પ્રત્યે પરેશે કુણી લાગણી દાખવી હતી અને બંને વચ્ચેનો પરિચય ગાઢ બની ગયો હતો. આ પ્રેમને બાદમાં પરેશ અને ફાલ્ગુનીએ ૨૦૧૭માં મૈત્રીકરારનું રૂપ આપ્યું હતું. ફાલ્ગુની વારંવાર પરેશને કહેતી કે તેને પતિ મનોજ દારૂ પી મારકુટ કરે છે. આ પછી ફાલ્ગુનીએ પતિ સાથે છુટાછેડા લઇ લીધા હતાં. પણ સાસુ પથારીવશ હોઇ જેથી તે પરેશ સાથે મૈત્રીકરાર ચાલુ રાખી ફરીથી પતિ મનોજ સાથે રહેવા ગઇ હતી.    પરેશ કોઇપણ ભોગે ફાલ્ગુનીને તેના પતિના ત્રાસમાંથી છોડાવવા ઇચ્છતો હતો. તેની આ ઝંખના મનોજની હત્યા સુધી પહોંચી હતી.

પરેશે મનોજ મરી જાય એવું કંઇક કરવા ભુવા મેહુલ પારઘીને કહ્યું!:આઠ મહિનામાં ત્રણ-ત્રણ વખત પ્લાન ઘડાયો

પોતાની પ્રેમિકા ફાલ્ગુની પતિ મનોજથી કંટાળી હોઇ પરેશે મનોજનો કાંટો કાઢવા પારડી રહેતાં પોતાના ઓળખીતા મેલડી માતાજીના ભુવા મેહુલ પારઘી પાસે જઇ આજથી છએક મહિના પહેલા જઇને વાત કરી હતી કે એક ભાઇ છે તેને એવું કઇંક કરી આપો કે તેનું મોત થઇ જાય. પરંતુ ત્યારે ભુવા મેહુલે માતાજી કોઇનો જીવ ન લેવાનું કામ ન કરે...તેમ કહી વાત ટાળી દીધી હતી.

એ પછી આજથી ત્રણ મહિના પહેલા પરેશ પટેલ અને તેનો મિત્ર ચાવાળો વિમલ બાંભવા ફરીથી માતાજીના ભુવા મેહુલને મળ્યા હતાં અને વાત કરી હતી કે એક ભાઇને દારૂ પીવાની ટેવ છે. તેની સાથે બીજા કોઇ દારૂની ટેવવાળા મિત્રતા કરી એ ભાઇને દારૂમાં ઝેર કે એવો કોઇ પદાર્થ ભેળવી પીવડાવીને મારી નાંખે તેવું કંઇ થઇ શકે? ત્યારે ભુવા મેહુલે પોતાના મિત્ર કિશન જેઠવાને આ વાત કરી હતી.

ત્યારબાદ આજથી એક મહિના પહેલા ફરી એક વખત પરેશ અને વિમલ માતાજીના ભુવા મેહુલને મળ્યા હતાં અને એક વ્યકિતને દારૂમાં દવા ભેળવીને કે બીજી કોઇ રીતે મારી નાંખવામાં આવે તેવું કામ કરી આપવા અને પોતે પૈસા આપશે તેમ કહેતાં ભુવા મેહુલની દાઢ ડળકી હતી અને તેણે આ કામ કરવાના પોતે રૂ. ૧૦ લાખ લેશે તેવું કહ્યું હતું. આમ આઠ મહિનામાં ત્રણ ત્રણ વખત પ્લાન ઘડાયો હતો.

ભુવા મેહુલે ૧૦ લાખમાં કામ રાખી મિત્ર કિશનને હત્યા કરી શકે તેવા કોઇને શોધી કાઢવા કહ્યું

પરેશ પટેલ પૈસા આપશે તેવી વાતમાં મડાઇ જતાં ભુવા મેહુલે હવે પરેશને નડતર રૂપ વ્યકિતની હત્યા કરી શકે તેવા કોઇ માણસને શોધી કાઢવાનું કામ પોતાના મિત્ર કિશન જેઠવાને સોંપ્યું હતું. એ પછી કિશને પોતાના જ ગામના રાજેશ પરમારને મળીને કહ્યું હતું કે એક હત્યાનું કામ છે તે કરવાના પૈસા મળે તેમ છે. આથી રાજેશ કામ કરવા રાજી થઇ ગયો હતો.

પરેશે ૧૦ નહિ ૪ લાખમાં કામ કરવા કહ્યું

હત્યા કરવા માટે માણસ મળી ગયાની જાણ થતાં પરેશ પટેલ ફરીથી મેહુલને પારડી ગામે નવા બની રહેલા મેલડી માતાજીના મંદિર પાસે મળ્યો હતો. ત્યારે ત્યાં કિશન પણ હતો. પરેશ પટેલે પોતે કામ માટે ૧૦ લાખ નહિ પણ ૪ લાખ ચુકવશે તેવું કહેતાં મેહુલ અને કિશને હા પાડી દીધી હતી.

૨૬/૧૦એ પરેશે ભુવા મેહુલને એડવાન્સમાં ૧૦ હજાર આપ્યા કર્યુ

વાત નક્કી થઇ ગયા પછી ૨૬/૧૦ના રોજ મેહુલને પરેશનો ફોન આવતાં મેહુલ, કિશન એ સાંજે કોઠારીયા સોલવન્ટ પાસે પરેશના મિત્ર વિમલ બાંભવાની ચાની કેબીને ભેગા થયા હતાં અને ત્યાંથી નજીકના શેડમાં ગયા હતાં. પૈસાની વાત થતાં મેહુલે કામ ચાલુ થાય એટલે ૨ લાખ અને પુરૂ થાય એટલે બીજા ૨ લાખ આપવાના તેમ કહેતાં પરેશે એડવાન્સમાં રૂ. ૧૦ હજાર આપ્યા હતાં.

૨૭મીએ સવારે રાજેશ જેને મારવાનો હતો એ મનોજને જોવા આવ્યોઃ પણ તે ન આવ્યો

સોદા પેટે મેહુલે ૧૦ હજાર લઇ લીધા બાદ ૨૭/૧૦ના સવારે મેહુલ અને કિશન  ભાડૂતી હત્યારા રાજેશ પરમારને લઇને કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે પરેશના મિત્ર વિમલ પટેલની ચાની કેબીને આવ્યા હતાં. અહિ મનોજ આવ જા કરતો હોઇ તેને દૂરથી રાજેશે જોઇ લેવાનો હતો અને બાદમાં મોકો મળ્યે પતાવી દેવાનો હતો. પરંતુ સવારે મનોજ ન આવતાં બધા છુટા પડી ગયા હતાં.

સાંજે પરેશે ફોન કર્યો ને મેહુલ, કિશન, રાજેશ ફરી સોલવન્ટ આવ્યાઃ પરેશે દૂરથી મનોજને દેખાડ્યો

પરેશ પટેલે ૨૭મીએ સાંજે ફરીથી મેહુલને ફોન કર્યો હતો. જેથી મેહુલ, કિશન, રાજેશ સાંજે વિમલની ચાની હોટેલ પાસે આવી ગયા હતાંઉ આ વખતે વિમલ અને પરેશે ત્યાંથી મનોજ વાઢેર નીકળતાં તેને દૂરથી રાજેશને બતાવ્યો હતો. એ પછી મેહુલ અને કિશને ભાડૂતી હત્યારા રાજેશને રૂ. ૫૦૦ આપ્યા હતાં અને પોતે આગળ નીકળી ગયા હતાં.

મનોજ વાઢેર ચાલીને વિમલની હોટેલથી આગળ ગયો અને હત્યારો રાજેશ પાછળ ગયોઃ મેહુલ-કિશન સાથે ફોનમાં વાત કરી પુરું કરી નાંખ્યું

વોચ રાખીને રાજેશ સહિતના ઉભા હતાં. એ પછી હત્યાનો ભોગ બનનાર મનોજ વાઢેર વિમલની ચાની હોટેલથી ચાલીને રેલ્વે ફાટક તરફ આગળ જતાં રાજેશ પણ તેની પાછળ પાછળ ગયો હતો. મનોજ રેલ્વેના પાટા પાસે બેસી જતાં રાજેશ તેની પાસે બેસી ગયો હતો. ત્યારબાદ રાજેશે ફોન કરી કિશનને કહેલું કે હવે તે બેસી ગયો છે. ત્યારબાદ ફરીથી મેહુલ અને કિશન સાથે રાજેશે ફોનમાં વાત કરી હતી કે હવે મનોજ મારી બાજુમાં જ છે પુરૂ કરી નાંખુ ને? હા પડાતાં જ રાજેશે મનોજ તેની બાજુમાં બેઠો હોઇ પછાડી દીધા બાદ ત્યાં પડેલો મોટો પથ્થર ઉપાડી બે ત્રણ ઘા મારી તેને પતાવી દીધો હતો અને નીકળી ગયો હતો. એ પછી કિશને રાજેશને ફોન કરી કામ પતી ગયું કે નહિ તેની ખાતરી કરી હતી.

હત્યાના બીજા દિવસે મેહુલ, કિશન અને રાજેશ લાશ જોવા આવ્યાઃ પોલીસને જોઇ નીકળી ગયા

હત્યાના બીજા દિવસે એટલે કે ૨૮/૧૦ના સવારે ભુવો મેહુલ પારઘી, તેનો મિત્ર કિશન જેઠવા અને હત્યા કરનાર રાજેશ પરમાર એમ ત્રણેય હત્યા સ્થળે આવ્યા હતાં. આ વખતે પોલીસ હતી અને લોકોનું ટોળુ પણ હતું. આ જોઇ ત્રણેય ત્યાંથી પારડી જતાં રહ્યા હતાં.

હત્યાના ચાર દિવસ પછી પરેશ પટેલે બે લાખ મેહુલ અને કિશનને દીધા

હત્યાના ચાર દિવસ પછી પરેશ પટેલ ભુવા મેહુલ અને કિશનને મળ્યો હતો. મેહુલે કામના પૈસા માંગતા પરેશે તેને રૂ. બે લાખ આપશે તેમ કહી બીજા દિવસે કિશાન પેટ્રોલ પંપ પાસે કિશનને બોલાવી રૂ. બે લાખ આપ્યા હતાં.

પરેશને ગંધ આવી જતાં પોતાનું નામ ન ખુલે એ માટે રાજેશને હાજર કરાવી દેવાનું અને બીજા ત્રણ લાખ ચુકવવાનું નક્કી કર્યુ

હત્યા થઇ ગયા બાદ બનાવ આકસ્મિક મૃત્યુનો છે એવું પોલીસે પ્રાથમિક રીતે જાહેર કરી દેતાં હત્યારા સહિતના બિન્દાસ્તબની ગયા હતાં. પરંતુ ડીસીબીના જવાનોને બાતમી મળી હોઇ અને સાચી વિગતો ગમે ત્યારે સામે આવી જશે તેવી ભનક આવી જતાં તે મેહુલ અને કિશનને ફરીથી મળ્યો હતો અને કહ્યું હતું કે આ કાવત્રામાં મારું કયાંય નામ ન આવે તે માટે રાજેશને પોલીસમાં હાજર કરી દેવો અને એ માટે પોતે બીજા ત્રણ લાખ આપવા તૈયાર છે. આ સાંભળી મેહુલ અને કિશન લાલચમાં આવ્યા હતાં અને બીજા દિવસે પાળના રસ્તે પરેશને મળી તેની પાસેથી ૩ લાખ મેળવી લીધા હતાં. આ રીતે ભુવા મેહુલ અને કિશને કુલ ૫,૧૦,૦૦૦ પરેશ પટેલ પાસેથી મનોજની હત્યા પેટે મેળવી લીધા હતાં.

મનોજે મકાન વેંચ્યું હોઇ તેની રકમ પડી હતીઃ તેમાંથી ચુકવણું કર્યુ

હત્યાના કાવત્રામાં સામેલ તમામને રોકડ ચુકવવા પરેશ પટેલે નાગરિક બેંકના પોતાના લોકરમાંથી ત્રણ લાખ કાઢીને આપ્યા હતાં. અગાઉ મકાન વેંચ્યું હોઇ તેના છ લાખ પત્નિના એકાઉન્ટમાં હતાં અને બીજા ૫.૬૦ લાખ કટકે કટકે ભેગા કર્યા હતાં. આમ આ રકમમાંથી મનોજે ૫.૧૦ સોપારી પેટે ચુકવ્યા હતાં.

જે પૈકી પ્રથમ ૧૦ હજાર પરેશે તા. ૨૬/૧૦/૨૧ના રોજ મેહુલ અને કિશનને આપ્યા હતાં. જેમાંથી આ બંનેએ જે તે વખતે ૫૦૦૦ રાજેશને આપ્યા હતાં. બીજા ૫૦૦૦ મેહુલે પોતાની પાસે રાખ્યા હતાં.  ત્યારબાદ પરેશે હત્યા થયા પછી ૨ લાખ મેહુલ અને કિશનને આપ્યા હતાં. તેમાંથી આ બંનેએ ૧૦ હજાર રાજેશને આપ્યા હતાં. બાકીના ૧ લાખ ૯૦ હજાર પોતે રાખ્યા હતાં. છેલ્લે પરેશ પટેલે હત્યા થયા બાદ ૧૦/૧૧ કે ૧૧/૧૧ના રોજ મેહુલ અને કિશનને મળી પોતાનું નામ આમા ન ખુલે તે માટે વધુ ૩ લાખ આપી રાજેશને હાજર કરી દેવા કહ્યું હતું. તે વખતે આ મેહુલે ૨,૧૨,૦૦૦ પોતાની પાસે રાખી બાકીના ૭૦ હજાર રાજેશને અને ૧૮ હજાર મેહુલ પારઘીને આપ્યા હતાં.

આડાસંબંધોએ પરેશને બરબાદીમાં ધકેલ્યો

કોન્ટ્રાકટર પરેશ અકબરી પટેલ બાંધકામના નાના મોટા કોન્ટ્રાકટ રાખે છે અને તેને પત્નિ તથા સંતાનો પણ છે. પરિવાર ધરાવતાં પરેશને પારકી પરણેતર સાથેના આડાસંબંધો બરબાદી તરફ લઇ ગયાનું પોલીસે ડિટેકશન કરતાં સામે આવ્યું છે.

કામગીરી કરનાર ટીમ

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાના માર્ગર્દશન અને રાહબરીમાં એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાના માર્ગદર્શનમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. એમ. ઝાલા, હેડકોન્સ. મહિપાલસિંહ ડી. ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેાજ, યોગેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ. ચેતનસિંહ ગોહિલે આ ડિટેકશન કર્યુ હતું.

વિમલ ભરવાડે માત્ર પરેશ સાથેની મિત્રતા નિભાવી

. હત્યાના આ કાવત્રામાં મેહુલ, કિશન અને રાજેશને કોન્ટ્રાકટર પરેશ પટેલે રકમ ચુકવી હતી. વિમલ ભરવાડ ચાવાળાને બીજો કોઇ આર્થિક લાભ થયો નહોતો. તેણે પરેશ પટેલ સાથેની મિત્રતા નિભાવવા માટે મૃતક મનોજને ભાડૂતી મારા રાજેશને બતાવવામાં ભાગ ભજવ્યો હતો. ગુનાના આવા કામમાં તેને મિત્રતા મોંઘી પડી ગઇ છે.

પાંચ પૈકી ચાર આરોપીઓ અગાઉ ગુનાઓમાં સામેલ

. ચાર આરોપીઓ પૈકી રાજેશ અગાઉ માલવીયાનગર પોલીસમાં અપહરણના  ગુનામાં, કિશન મારામારીના બે ગુનામાં, મેહુલ દારૂના ગુનામાં અને વિમલ વાહન અકસ્માતના ગુનામાં પકડાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પથ્થરના ઘા મારી હત્યા કરનાર ભાડૂતી હત્યારા રાજેશને પાંચ લાખમાંથી  ૮૫ હજાર મળ્યા'તા

હત્યા કરી એ સમયે માત્ર રૂ. ૫૦૦ અપાયા હતાં

. પથ્થરના ઘા ફટકારી મનોજની હત્યા કરવા બદલ ભુવા મેહુલ, તેના મિત્ર કિશને રૂ. ૫,૧૦,૦૦૦ પરેશ પટેલ પાસેથી લીધા હતાં. તે પૈકી રાજેશને માત્ર ૮૫ હજાર મળ્યા હતાં. બાકીની રકમ ભુવા મેહુલ અને તેના મિત્ર કિશને પોતાની પાસે રાખી લીધી હતી.

(3:26 pm IST)