રાજકોટ
News of Wednesday, 17th November 2021

કાલે મનપાનું જનરલ બોર્ડ : ભાજપના જુથવાદને વિપક્ષ આડે હાથ લેવા તૈયાર

મ.ન.પા.ની સંકલનમાં કોર્પોરેટરોનો અસંતોષ : સ્થાનિક નેતાઓનો આંતરકલહ સહિતની બાબતોને ઉજાગર કરવા કોંગ્રેસની તૈયારી : ભાજપના ૧૪ કોર્પોરેટરોએ ૨૮ પ્રશ્નો અને કોંગ્રેસના ૪ કોર્પોરેટરોએ ૧૨ પ્રશ્નો રજૂ કર્યાઃ રસ્તા, લાઇટ, મોબાઇલ ટાવરનો વેરો, કોરોનાની ત્રીજી લહેરની તૈયારી, ફરિયાદ નિકાલ સહિત ૪૦ પ્રશ્નો પૂછાયા પરંતુ રાજકિય આક્ષેપબાજીઓનું યુધ્ધ ખેલાવાના ભણકારા

રાજકોટ તા. ૧૭ : આવતીકાલે મ.ન.પા.નું જનરલ બોર્ડ મળનાર છે ત્યારે શાસકપક્ષ ભાજપના શહેર સંગઠનમાં વર્તમાન સંજોગોમાં જુથવાદ - તું..તું.. મૈં..મૈં..ની પરિસ્થિતિ અને મ.ન.પા.માં પણ ભાજપ સંકલનમાં પડેલા તડા સહિતની બાબતોએ વિપક્ષ કોંગ્રેસ શાસકો પર તૂટી પડવાના મૂડમાં છે.

સામાન્ય સંજોગોમાં જનરલ બોર્ડમાં શાસક પક્ષ વિપક્ષ ઉપર અશિસ્તના આક્ષેપો લગાવી વિપક્ષી કોર્પોરેટરોને 'ચુપ' કરી દેતા હોવાનું જોવા મળતું હતું પરંતુ આ વખતના બોર્ડમાં વિપક્ષને સૌ પ્રથમ એવો મોકો મળ્યો છે કે તેઓ શિસ્તબધ્ધ ગણાતા ભાજપ સામે અશિસ્ત બાબતે આંગણી ચિંધી શકે તેમ છે. 'કેમ કે સ્નેહમિલનમાં પૂર્વ મુખ્યમંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય - સાંસદ સાથે મંચ ઉપર થયેલ બોલાચાલી, ગઇકાલે સ્ટેન્ડીંગ કમિટિમાં ભાજપના કોર્પોરેટરે વર્તમાન શાસન પધ્ધતિ સામે વ્યકત કરેલો અસંતોષ વગેરે બાબતો જગજાહેર થતાં શાસક પક્ષમાં સોંપો પડી ગયો છે. ત્યારે કાલના જનરલ બોર્ડમાં આ બાબતે વિપક્ષ ભાજપ સામે રાજકીય આક્ષેપોની ઝડી વરસાવે તેવી પૂરી સંભાવનાઓ છે.'

નોંધનિય છે કે, આવતીકાલે તા.૧૮નાં  મ.ન.પા.નું જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્યે સ્વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં યોજાશે. જેમાં ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૪ કોર્પોરેટરો સહિત કુલ ૪૦ પ્રશ્નો રજૂ કરાયા છે. જેમાં સૌ પ્રથમ પ્રશ્ન વોર્ડ નં. ૩ના ભાજપના કોર્પોરેટર કુસુમબેન સુનીલભાઇ ટેકવાણીએ પૂછેલો. વેરા વસુલાત અંગેના પ્રશ્નની ચર્ચા થશે. જેમાં ૧ ઓકટોબરથી અત્યાર સુધીમાં મિલ્કત વેરાના કેટલા બાકીદારોને નોટીસો અપાઇ ? અને તેની સામે શું કાર્યવાહી કરી ? તેની વોર્ડ વાઇઝ વિગતો આપવા તેઓએ માંગણી કરી છે.          આ ઉપરાંત કુસુમબેન ટેકવાણીએ મ.ન.પા. દ્વારા કયા - કયા જાહેર સ્થળોએ ફ્રી વાઇ-ફાઇ છે ? તે પ્રશ્ન પૂછયો છે. જ્યારે વોર્ડ નં. ૫નાં હાર્દિક ગોહિલે શહેરમાં રોડ - રસ્તા રિપેરીંગ બાબતે તેમજ કેટલા સ્થળે ફોગીંગ કરાયુ ? એ બે પ્રશ્નો રજૂ કર્યા છે તેમજ વોર્ડ નં. ૧૮ના ભાજપના કોર્પોરેટર સંજયસિંહ રાણાએ સ્ટ્રીટ લાઇટની ફરિયાદોનો નિકાલ કેટલો થજ્ઞે ? તે પ્રશ્ન પૂછાયો છે તેમજ નવા સ્વીમીંગ પુલ બનાવવા શું આયોજન છે ? તે પ્રશ્ન રજૂ કર્યો છે.

જ્યારે વિપક્ષી નેતા ભાનુબેન પ્રવિણભાઇ સોરાણીએ તંત્રએ કોરોનાની ત્રીજી લહેર માટે શું તૈયારી કરી છે ? રસીકરણની કામગીરી કેટલે પહોંચી ? ડેંગ્યુ - ચીકનગુનીયાના રોગચાળાના આંકડાઓ કેમ જાહેર નથી થતાં, ટ્રાફિક સમસ્યા નિવારવા બ્રિજનું કામ વહેલુ પુરૃં કયારે થશે ? વગેરે પ્રશ્નો પૂછાયા છે.

જ્યારે કોંગ્રેસના મકબુલ દાઉદાણીએ શહેરમાં મોબાઇલ ટાવરોને કેટલી મંજુરી ? તેનો કેટલો વેરો બાકી છે ? કેટલી મીલ્કતોનો વેરો બાકી છે ? વગેરે પ્રશ્નો પૂછયા છે. ઉપરાંત કોંગ્રેસના કોમલબેન ભારાઇએ સ્માર્ટ સીટીના પ્રોજેકટોના ખર્ચની વિગતો તેમજ મ.ન.પા.નું છ માસિક નફા-નુકસાનનું સરવૈયુ માંગ્યું છે.

તેમજ પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાએ ફરિયાદ નિકાલની વ્યવસ્થા અને બેદરકારી દાખવનાર કર્મચારી સામે શું પગલા લેવાયા ? તથા આવાસ યોજનાના કવાર્ટરોમાં ઘુસણખોરી વગેરે બાબતોના પ્રશ્નો રજૂ કર્યા છે. જોકે આ પ્રશ્નોની ચર્ચા વચ્ચે રાજકીય આક્ષેપબાજીઓનો મારો વધુ રહેશે.

પાંચ દરખાસ્તોનો નિર્ણય થશે

આવતીકાલે યોજાનાર જનરલ બોર્ડના એજન્ડા મુજબ કુલ ૫ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાશે.  જેમાં ઘંટેશ્વરમાં ૨૪ મી ડી.પી. રોડની કપાતના અસરગ્રસ્તોને વૈકલ્પિક જમીન ફાળવવા, વોર્ડ નં. ૩માં બાવાજીરાજ સ્કુલ બાજુમાં આવેલ જાહેર યુરિનલ દુર કરવા, શહેરમાં નવી પાર્કિંગ પોલીસી મંજુર કરવા અને અરવિંદભાઇ મણિયાર પુસ્તકાલય (લેંગ લાઇબ્રેરી)માં કોર્પોરેટરની સભ્યપદે નિમણૂંક કરવા અને શિક્ષણ સમિતિનું રોજકામ મંજુર કરવા સહિતની દરખાસ્તોનો નિર્ણય લેવાશે.

(3:11 pm IST)