રાજકોટ
News of Wednesday, 17th November 2021

ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદ તરફ જવા માટેનો રસ્તો પખવાડિયા પછી ખૂલ્લો મૂકાશે

૭II મીટર પહોળાઈનો પૂલ ૧૨ મીટર બનાવવાનું કામ પૂર્ણતાના આરેઃ વાહન ચાલકોની યાતનાનો અંત આવશે

રાજકોટ, તા. ૧૭ :. રાજ્ય સરકાર દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટીના માધ્યમથી રાજકોટ-અમદાવાદ રોડ ૬ માર્ગિય કરવાનું ચાલી રહ્યુ છે. તે અંતર્ગત રાજકોટ શહેરના દરવાજે ગ્રીનલેન્ડ ચોકડી પાસેનો બેઠો પૂલ પહોળો કરવાનું કામ પૂર્ણતાના આરે છે. પખવાડીયા પછી રાજકોટથી કુવાડવા-અમદાવાદ તરફ જવાનો રસ્તો ખુલ્લો મુકવામાં આવશે તેમ સરકારી વર્તુળો જણાવે છે. કામ પૂર્ણ કરીને રસ્તો ખૂલ્લો કરવા માટે ૫ ડીસેમ્બરની ડેડલાઈન અંદાજવામાં આવી છે.

ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદ સુધીનો રોડ ૬-માર્ગીય થઈ રહ્યો છે. ચોકડી પાસેનો પૂલ ૭ મીટરનો હતો તે ૧૨ મીટર પહોળાઈનો કરવામાં આવ્યો છે. આ પૂલનું અંતિમ તબક્કાનું કામ ચાલુ છે. તે આવતા ૧૫ દિવસમાં પૂર્ણ કરી ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદ જવા તરફનો રસ્તો પૂર્વવત કરવાનું આયોજન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણેક મહિનાથી ગ્રીનલેન્ડ ચોકડીના એસ.ટી. બસ સ્ટોપ પાસે પૂલનું કામ ચાલતુ હોવાથી રાજકોટથી કુવાડવા, ચોટીલા, અમદાવાદ તરફ જવા માંગતા કાર અને તેથી મોટા વાહનો માટે રસ્તો બંધ છે. હાલ બેડી ચોકડીથી માલીયાસણ થઈને અમદાવાદ જઈ શકાય છે. અમદાવાદ તરફથી રાજકોટ આવવા માટેનો રસ્તો રાબેતા મુજબ ખુલ્લો છે. હવે પૂલનું કામ પૂર્ણ થતા રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદ તરફ જવા માટેનો રસ્તો પણ ખૂલ્લો થઈ જશે. જેનાથી સમય, શકિત અને ઈંધણની બચત થશે.

(3:10 pm IST)