રાજકોટ
News of Wednesday, 17th November 2021

ચાવીનો કારીગર સત્યસિંઘ મોબાઇલમાં ગેમ રમવામાં મશગૂલ હતો ને પિત્રાઇ તથા ભત્રીજાએ દૂકાનમાં ઘુસી રહેંસી નાંખ્યો

આઠ મહિના પહેલા હત્યાનો ભોગ બનનારની ભત્રીજાવહૂની હત્યારા ફરજસિંઘે ઘરમાં ઘુસી છેડતી કરી'તીઃ ત્યારે અરજી કરતાં મનદુઃખ ચાલતુ હતું: એ કારણે હત્યા થયાની શકયતા : ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં સત્યસિંઘ રાજુની (ઉ.૩૫) જંકશન પ્લોટમાં પોતાની વાહેગુરૂ કી સેન્ટર નામની દૂકાનમાં હતો ત્યારે જ બાજુમાં રહેતાં કુટુંબી કાકાના દિકરા ફરજસિંઘ અને ફરજસિંઘના ભત્રીજા તરજીતસિંઘ છરીઓ સાથે ધસી આવ્યા ને તૂટી પડ્યાઃ પીએસઆઇ બી. વી. બોરીસાગર સહિતે સત્યસિંઘને હોસ્પિટલે ખસેડ્યો પણ જીવ ન બચ્યો : મરનાર-મારનાર બંને મુળ મથુરાનાઃ આજે સવારે જામનગરથી મથુરાની ટ્રેન હોઇ પોલીસની એક ટૂકડીએ આરોપીઓ તેમાં હોવાની શંકાએ આખી ટ્રેન ચેક કરી : હત્યાનો ભોગ બનનારનો ભાઇ પ્રદિપસિંઘ જીલ્લા પંચાયત ચોકમાં બેસી ચાવી બનાવે છેઃ આરોપી ફરજસિંઘ કિસાનપરા ચોકમાં બેસતો હતો : પેટ, હાથ, માથા, છાતી, શરીરે છરીના ૧૦ ઘા ઝીંકાયા : રાજકોટમાં સમીસાંજે થયેલી હત્યામાં આરોપીઓ ફરાર

ઘરના જ ઘાતકી-ક્રુર હત્યાઃ તસ્વીરમાં જ્યાં હત્યા થઇ તે વાહેગુરૂ કી સેન્ટર નામની દૂકાન, સત્યસિંઘને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે લઇ જવામાં આવ્યો તે દ્રશ્ય અને તેનો મૃતદેહ તથા ફાઇલ ફોટો જોઇ શકાય છે  : આ છે બંને હત્યારાઃ રાજકોટમાં સત્યસિંઘની હત્યા કરી ભાગી ગયેલા તેના પિત્રાઇ ભાઇ ફરજસિંઘ રાજુની અને ભત્રીજા તરજીતસિંઘ રાજુની કયાંય જોવા મળે તો પોલીસને જાણ કરવા હત્યાનો ભોગ બનનારના ભાઇ પ્રદિપસિંઘે અપીલ કરી છે અને આ તસ્વીરો પણ તેણે જ આપી છે

રાજકોટ તા. ૧૭: શહેરમાં હત્યાની વધુ એક ઘટના ગમ સમી સાંજે બની હતી. જંકશન પ્લોટ ગાયકવાડી મેઇન રોડ આંબલીયા હનુમાનજી મંદિર પાસે વાહે ગુરૂ કી સેન્ટર નામે તાળાની ચાવીઓ બનાવવાની દૂકાન ચલાવતાં ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતાં મુળ મથુરાના સત્યસિંઘ રઘુનાથસિંઘ રાજુની (ઉ.વ.૩૫) પર તેના જ કુટુંબી ભાઇ ફરજસિંઘ શ્યામસિંઘ રાજુની અને તેનો ભત્રીજો તરજીતસિંઘ હરદેવસિંઘ રાજુની છરીઓ સાથે ધસી આવ્યા હતાં ખચાખચ દસ જેટલા ઘા ઝીંકી ભાગી ગયા હતાં. હુમલો થયો એ વખતે સત્યસિંઘ મોબાઇલ ફોનમાં ગેમ રમવામાં વ્યસ્ત હતો અને ઓચીંતા ઘા થતાં જિંદગીની ગેમ ખતમ થઇ ગઇ હતી. આઠેક મહિના પહેલા સત્યસિંઘની ભત્રીજાવહૂની ઘરમાં ઘુસી ફરજસિંઘે છેડતી કરી હતી. ત્યારનું મનદુઃખ હત્યા પાછળ કારણભુત હોવાનું સામે આવ્યું છે. તો ચાવી બનાવવાનો ધંધાખાર પણ કારણભુત હોવાનું કહેવાય છે. હત્યારા પોત પોતાની પત્નિઓને લઇને ફરાર થઇ ગયા છે.

બનાવની વિગત મુજબ ઘંટેશ્વર ૨૫ કવાર્ટર નં. ૧૫૨૫માં રહેતો સત્યસિંઘ રાજુની સાંજે પાંચેક વાગ્યે પોતાની જંકશન પ્લોટ ગાયકવાડી મેઇન રોડ પર આંબલીયા

હનુમાન પાસે આવેલી ચાવી બનાવવાની દૂકાને હતો ત્યારે બે શખ્સો છરીથી હુમલો કરી આઠ દસ ઘા ઝીંકી ભાગી જતાં જંકશન ચોકીના પીએસઆઇ બી. વી. બોરીસાગર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને અને તુરત જ સત્યસિંઘને હોસ્પિટલે ખસેડ્યો હતો. ઘટનાની જાણ જીલ્લા પંચાયત ચોકમાં ચાવી બનાવવાનું કામ કરવા બેસતાં સત્યસિંઘના ભાઇ પ્રદિપસિંઘ રાજુનીને તેના ભાણેજ અમિતસિંઘ મારફત થતાં તે પણ હોસ્પિટલે પહોંચ્યો હતો.

તે વખતે સત્યસિંઘની સારવાર ચાલુ હતી. પ્રદિપસિંઘે તેને કોણે હુમલો કર્યો? તે અંગે પુછતાં સત્યસિંઘે પોતાના પર કોૈટુંબીક કાકાના દિકરા ઘંટેશ્વર ૨૫ વારીયામાં જ રહેતાં ફરજસિંઘ શ્યામસિંઘ રાજુની અને ફરજસિંઘના ભત્રીજા તરજીતસિંઘ હરવિંદસિંઘ રાજુનીએ છરીથી હુમલો કર્યાનું કહ્યું હતું.

સત્યસિંઘે એમ પણ જણાવ્યું હતું કે સાંજે પાંચેક વાગ્યે તે પોતાની દૂકાનમાં બેસી મોબાઇલ ફોનમાં ગેમ રમતો હતો. બાજુની ડુંગળી બટેટાની દૂકાનવાળા નિલેષભાઇ પણ મોબાઇલમાં ગેમ રમી રહ્યા હતાં. આ વખતે ફરજસિંઘ અને તરજીતસિંઘ છરીઓ સાથે આવતાં નિલેષભાઇ ગભરાઇને બહાર ભાગી ગયેેલ. એ પછી  આ બંનેએ ગાળો દઇ છરીઓના ઘા ઝીંકી દીધા હતાં. જેમાં પોતાને બંને હાથ, છાતી, પેટ, શરીર, માથામાં ઇજાઓ થઇ હતી.

સત્યસિંઘે પોતાના ભાઇ પ્રદિપસિંઘને ઉપરોકત વાત કરતાં પોલીસને આરોપીઓના નામ મળી જતાં અને આરોપીઓ ઘંટેશ્વર ૨૫ વારીયામાં જ રહેતાં હોવાની જાણ થતાં તુરત જ ટીમ ત્યાં પહોંચી હતી. પરંતુ બંને આરોપી પોતાની પત્નિઓને લઇને ફરાર થઇ ગયાનું જણાતાં પોલીસે બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ તપાસ કરી હતી. પરંતુ હાથમાં આવ્યા નહોતાં. પોલીસને માહિતી મળી હતી કે આરોપીઓ સત્યસિંઘની દૂકાને એકટીવા પર આવ્યા હતાં. એકટીવા દૂકાનથી થોડે દૂર રાખ્યું હતું. હુમલો કર્યા પછી ફરાર થઇ ગયા હતાં. આ એકટીવા પણ મળ્યું નથી.   

પ્રદિપસિંઘની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે બંને શખ્સો ફરજસિંઘ અને તેના ભત્રીજા તરજીતસિંઘ સામે હત્યાનો ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. પ્રદિપસિંઘે જણાવ્યું હતું કે અમે પાંચ ભાઇઓ અને બે બહેનો છીએ. માતા પિતા પણ અમારી સાથે રહે છે. અમે મુળ મથુરાના વતની છીએ. પણ વર્ષોથી રાજકોટ રહી ચાવી બનાવવાનો ધંધો કરીએ છીએ. મારા બીજા ભાઇઓના નામ સમશેરસિંઘ, શકિતસિંઘ, સત્યસિંઘ અને અજયસિંઘ છે. અજયસિંઘ સંતોષીનગરમાં રહે છે. અમે ચાર ભાઇઓ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહીએ છીએ અને બધા ચાવીઓ બનાવવાનું કામ કરીએ છીએ.

થોડા  મહિના પહેલા મારા મોટા ભાઇ  સમશેરસિંઘના પુત્ર મોહનસિંઘની પત્નિ એટલે કે મારી ભત્રીજાવહૂ બપોરે ઘરમાં એકલી હતી ત્યારે ફરજસિંઘે ઘરમાં ઘુસી તેના હાથ પકડી લઇ છેડતી કરી હતી. તે વખતે અમે પોલીસમાં અરજી કરતાં કાર્યવાહી થઇ હતી. આ કારણે ફરજસિંઘને અમારા બધા ભાઇઓ પર ખાર હતો. એ મનદુઃખને લીધે હત્યા થઇ હોવાની શકયતા છે.

પ્રદિપસિંઘે એવું પણ કહ્યું હતું કે અમારો ચાવીનો ધંધો વધુ સારો ચાલતો હતો. જ્યારે ફરજસિંઘનો ધંધો બહુ ખાસ ચાલતો નહિ. આથી તેને ધંધાખાર પણ હતો. છેડતી મામલે થયેલી અરજીમાં તો અમારે ઘરમેળે સમાધાન પણ થઇ ગયું હતું. આમ છતાં ગઇકાલે અચાનક ફરજસિંઘ અને તરજીતસિંઘે જંકશનમાં મારા ભાઇ સત્યસિંઘની દૂકાનમાં ઘુસી તેના પર હુમલો કરી દીધો હતો.

હત્યાના આરોપીઓ મથુરાની ટ્રેન જે આજે સવારે જામનગરથી ઉપડે છે તેમાં બેસી વતન ભાગી જાય તેવી શકયતા હોઇ પોલીસની ટૂકડી રાતભર જામનગર રેલ્વે સ્ટેશને રહી હતી અને ટ્રેન આવતાં આખી ટ્રેનમાં તપાસ કરી હતી. પરંતુ આરોપીઓ મળ્યા નહોતાં.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, બી. વી. બોરીસાગર, સંજયભાઇ દવે, દેવશીભાઇ ખાંભલા સહિતની ટીમે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા દોડધામ આદરી છે. ક્રાઇમ બ્રાંચપીએસઆઇ વી. જે. જાડેજા, શકિતસિંહ ગોહિલ સહિતે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી.

બાજુની દૂકાનવાળો પણ ગેમ રમતો'તોઃ બે જણાને છરી સાથે આવેલા જોતાં ગભરાઇને ભાગ્યો

. સત્યસિંઘ સાથે તેની બાજુમાં ડુંગળી બટાટાની દૂકાન ધરાવતો નિલેષભાઇ પણ મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો. ફરજસિંઘ અને તરજીતસિંઘ બંને છરીઓ સાથે દૂકાનમાં ધસી આવ્યા ત્યારે નિલેષભાઇ ગભરાઇ ગયો હતો અને ભાગી ગયો હતો. એ સાથે જ બંને સત્યસિંઘ પર છરીથી તૂટી પડ્યા હતાં.

સત્યસિંઘની હત્યાથી પત્નિ-પુત્ર નોધારા

હત્યાનો ભોગ બનનારના પત્નિનું નામ કરનકોૈર છે અને પુત્રનું નામ અમરજીત છે. જે ચોૈદ વર્ષનો છે. સત્યસિંઘની હત્યાથી આ બંને નોધારા થઇ ગયા છે

બંને હત્યારા કાકા-ભત્રીજા પત્નિઓ સાથે ફરાર થઇ ગયા

હત્યામાં વપરાયેલુ એકટીવા પણ ગૂમ

. સત્યસિંઘને ક્રુરતાપુર્વક દૂકાનમાં ઘુસી છરીના દસેક ઘા ઝીંકી હત્યા કર્યા બાદ બંને આરોપી ફરજસિંઘ અને તેનો ભત્રીજો તરજીતસિંઘ ઘરેથી પોતાની પત્નિઓને લઇને ફરાર થઇ ગયા છે. હત્યા કરવા બંને એકટીવા પર જંકશન પ્લોટમાં આવ્યા હતાં. એકટીવા સત્યસિંઘની દૂકાનથી થોડે દૂર અન્ય શેરીમાં રાખીને પગપાળા છરી લઇને આવ્યા હતાં અને આડેધડ ઘા કરી ભાગી ગયા હતાં. આ એકટીવા પણ પોલીસને હાથ આવ્યું નથી. બંને આરોપીઓ તેની પત્નિઓ સાથે ફરાર થઇ ગયા હોઇ શોધી કાઢવા દોડધામ થઇ રહી છે. (૧૪.૫)

ધંધાખાર હત્યા પાછળ નિમિત બન્યાનું હત્યાનો ભોગ બનનારના ભાઇ પ્રદિપસિંઘનું કથન

. હત્યાનો ભોગ બનનાર સત્યસિંઘના મોટા ભાઇ પ્રદિપસિંઘ રાજુનીએ કહ્યું હતું કે અમારા ભત્રીજાવહૂની ફરજસિંઘે ઘરમાં ઘુસી હાથ પકડી છેડતી કરી હતી. તે વખતે અમે પોલીસમાં અરજી કરતાં તેના વિરૂધ્ધ પગલા લેવાયા હતાં. ત્યારથી મનદુઃખ ઉભુ થતાં અમે સમાજમાં ભેગા થઇ સમાધાન કરી લીધું હતું. એ પછી અમારે પાંચેય ભાઇઓને ચાવી બનાવવાનો ધંધો વધુ સારો ચાલતો હોઇ તે પણ ફરજસિંઘને ગમતું નહોતું. આ કારણ પણ હત્યા પાછળ હોઇ શકે છે. જો કે ફરજસિંઘ અને તેનો ભત્રીજો તરજીતસિંઘ હાથમાં આવ્યા બાદ જ ખરેખર સાચુ કારણ શું? તે બહાર આવશે.

(3:09 pm IST)