રાજકોટ
News of Saturday, 16th November 2019

કોર્પોરેશનમાં ચીફ ફાયર ઓફીસરની ભરતી અંગે જનરલ બોર્ડમાં તંત્રનો ઉડાઉ જવાબઃ અતુલ રાજાણી

ફાયર એન.ઓ.સી.માં 'કટકી' નું દુષણઃ ભ્રષ્ટાચાર બંધ નહી થાય તો કાનુની જંગ મંડાશેઃ કોંગ્રેસનાં દંડકની ચિમકી

રાજકોટ તા. ૧૬ :.. મ્યુ. કોર્પોરેશનનાં ચીફ ફાયર ઓફીસરની ખાલી જગ્યાએ ભરતી કરવા બાબતે જનરલ બોર્ડમાં પુછવામાં આવેલા પ્રશ્નનો 'ભરતી પ્રક્રિયા ચાલુ છે' તેવા  ઉડાઉ જવાબ આપતાં હોવાનું અને ફાયર એન. ઓ. સી. માં 'કટકી' નું દુષણ હોવાનાં આક્ષેપો વિપક્ષ કોંગ્રેસનાં દંડક અતુલ રાજાણીએ કર્યા છે.

આ અંગે તેઓની એક યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા શહેરમં ફાયર સેફટીનું ચેકીંગ, નોટીસ આપવાની કામગીરી અને ફાયર બ્રિગેડમાં સ્ટાફની ભરતી પ્રક્રિયા બંધ કરી દઇને બેફામ કટકીબાજીનું તાંડવ શરૂ કરવામાં આવ્યુ હોવાના આક્ષેપ વિપક્ષના દંડક અતુલ રાજાણી દ્વારા કરવામાં આવ્યા છે. વિપક્ષ દંડક અતુલ રાજાણીએ વધુમાં જણાવ્યું કે ફાયર બ્રિગેડ શાખામાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર મામલે વિજીલન્સ તપાસ થવી જોઇએ આ માટે કોઇ ફરીયાદ આગળ ન આવે તો મ્યુનિસીપલ કમિશનરે ખુદ ફરીયાદી બનીને તપાસ કરાવવી જોઇએ. બીજી તરફ નવા સ્ટાફની ભરતી કરાતી નથી તેમજ ફાયર બ્રીગેડ સ્ટાફની આંતરીક બદલીઓ પણ વર્ષોથી કરાઇ નથી.

વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને ટયુશન કલાસીસ સંચાલકો પાસેથી ફાયર સેફટીના નામે ખુલ્લેઆમ રૂ. ૧૦,૦૦૦ થી લઇને રૂ. ૧ થી ૧.પ લાખ સુધી જેવો અરજદાર તે મુજબ નાણા પડાવવામાં આવી રહ્યા છે. સ્ટાફના નાના કર્મચારીઓનો વચેટીયા તરીકે ઉપયોગ કરાઇ રહ્યો હોવાનું પણ જાણવા મળ્યાનું વિપક્ષના દંડક અતુલ રાજાણીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં તેમણે ફાયર બ્રિગેડ શાખા અંગે જનરલ બોર્ડ મિટીંગમાં પુછેલા પ્રશ્નોના પણ અધુરા, ઉડાઉ, અસ્પષ્ટ અને ગેરમાર્ગે દોરનારા જવાબો અપાયા છે. જો પ્રશ્નકાળમાં પુછેલા સવાલોના સાચા જવાબો અપાય તો ભ્રષ્ટાચાર અને શાખામાં ચાલતી નિયમ વિરૂધ્ધની પ્રવૃતિઓનો પર્દાફાશ થાય તેમ હોય ઉડાઉ જવાબો અપાઇ છે.

આમ જો આગામી દિવસોમાં ફાયર બ્રિગેડ શાખા ભ્રષ્ટાચાર બંધ નહી કરે તો આર. ટી. આઇ. ઝૂંબેશ ચલાવી ભ્રષ્ટાચાર ખુલ્લો પડાશે તેમજ જરૂર પડયે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાશે. તેવી ચિમકી  અતુલ રાજાણીએ યાદીનાં અંતે ઉચ્ચારી છે.

(4:22 pm IST)