રાજકોટ
News of Saturday, 17th November 2018

સોની વેપારીને ફોજદારે પોલીસ કમિશ્નર ઓફિસમાં બોલાવી ફડાકા મારી કાનનો પડદો ફાડી નાખ્યો !

સવા લાખના ચાંદીના ઘરેણા લઈ બદલામાં ચાંદીના ચોરસા આપી વજન બાબતે માથાકુટ ઉભી કરી મારમાર્યો :ભોગ બનનાર જીજ્ઞેશભાઈ મહેતાની સોની વેપારીઓ અને પરિવારજનો સાથે પોલીસ કમિશ્નર સમક્ષ ન્યાય માટે માંગણી

વેપારી સાથે ફોજદારની તાનાશાહીઃ   માંડવીચોકમાં નિલકંઠ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા સોની વેપારી પાસેથી માલ ખરીદી ફોજદાર દ્વારા વજન બાબતે માથાકુટ કરી માર મારવામાં આવતા વેપારીનો કાનનો પડદો ફાટી ગયો હતો જે અંગે ન્યાય માંગવા આજે ભોગ બનનાર વેપારી, પરિવાર અને અન્ય વેપારીઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે દોડી આવ્યા હતા (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૭ :. ગુન્હેગારો સાથે પોલીસ કડકહાથે કામ લ્યે તે જરૂરી હોય છે, પરંતુ નિર્દોષ વેપારીઓ સાથે વિનાકારણ ગુન્હેગાર જેવુ વર્તન કરી માર મારી કાનના પડદા ફાડી નાખે તો એ કૃત્ય પોલીસ માટે પણ 'ચોરી ઉપર સે સીના જોરી' જેવુ જ ગણવું રહ્યું. ગઈકાલે સોની બજારમાં નિલકંઠ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા વેપારી જીજ્ઞેશભાઈ પ્રવીણચંદ્ર મહેતા સાથે આવું જ બન્યું. જેમાં મહત્વની બ્રાંચના ફોજદાર વિલનરૂપ ભૂમિકામાં રહ્યા હતા. આજે આ બારામાં પોલીસ કમિશ્નર ઓફિસ ખાતે ભોગ બનનાર વેપારી, તેના પરિવારજનો તેમજ સોની અગ્રણીઓએ રજૂઆત કરી હતી.

લેખીત રજૂઆતમાં જણાવાયુ છે કે તા. ૧૫મીના સાંજે ૭ વાગ્યા આસપાસ હું મારી દુકાન ઉપર હતો ત્યારે ચાંદીના છત્તર અને મુગટ જેની અંદાજે કિંમત સવા લાખ થવા જાય છે તે પોલીસમેન આવીને ખરીદી ગયા હતા. ત્યાર બાદ આ પેટે મને ઓફિસે બોલાવી ચાંદીના માલ સામે ચાંદી આપી હતી. ત્યાર બાદ આશરે અડધા કલાક પછી પોલીસમેનનો ફોન આવ્યો હતો અને મને કહ્યુ હતુ કે, 'અમારા સાહેબે કહ્યુ છે કે તમને આપેલા ચાંદીના ચોરસાના વજનમાં ભૂલ છે, તેથી તે ચોરસા લઈ પરત ક્રાઈમ બ્રાંચની ઓફિસે આવો.' આવો ફોન આવતા મેં મારા માણસ ધવલને ચાંદી લઈને ક્રાઈમ બ્રાંચની ઓફિસે રવાના કર્યો હતો. રાત્રે સવા નવ વાગ્યા સુધી મારા માણસને ઓફિસે બેસાડી દેવાતા હું રૂબરૂ ક્રાઈમ બ્રાંચની ઓફિસે ગયો હતો ત્યારે સંબંધીત પોલીસમેન અને ફોજદારી મને બેફામ ગાળો આપી, અભદ્ર વર્તન કરી માર માર્યો હતો. જાણે હું ચોર હોય તે રીતે મારા ડાબા કાન પર ફડાકા મારવામાં આવતા કાનનો પડદો ફાટી ગયેલ. જેની સારવાર સીવીલ હોસ્પીટલમાં લીધી હતી. સારવારમાં ડો. મહાપતિ સીયારામ રોય દ્વારા પડદો ફાટી ગયાનુ નિદાન કરી દવાઓ લખી આપવામાં આવી હતી. જેના પુરાવા પણ રજૂઆત સાથે જોડવામાં આવ્યા છે.

આ મામલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ યોગ્ય અને ન્યાયીક તપાસ કરી પગલા લે તેવી માંગણી ભોગ બનનાર જીજ્ઞેશ મહેતા દ્વારા કરવામાં આવી છે.

(3:53 pm IST)