રાજકોટ
News of Saturday, 17th November 2018

આર્થિક ભીંસને કારણે બેડલાના કોળી યુવાન મેહુલે જિંદગી ટૂંકાવી

લોનથી વાહન લીધું હોઇ તેમજ મકાન બનાવ્યા હોઇ ભીંસમાં હતોઃ સાત અને ચાર વર્ષની બે દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું: કુમારખાણીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૭: કુવાડવા તાબેના બેડલા ગામના મેહુલ નાથાભાઇ કુમારખાણીયા (ઉ.૩૦) નામના કોળી યુવાને આર્થિક સંકડામણને લીધે કંટાળી જઇ ઝેર પી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. તેના આ પગલાથી બે માસુમ દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.

મેહુલે સાંજે ચારેક વાગ્યે ઝેર પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. સિવિલ હોસ્પિટલના ડો. રીનાબેન પરીખે જાણ કરતાં કુવાડવાના પીએસઆઇ પી. સી. મોલીયા, હમીરભાઇ, કિશનભાઇ અને અંશુમનભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર મેહુલ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેના પરિવારજનોના કહેવા મુજબ મેહુલ ખેતી કામ કરવા ઉપરાંત દૂધની ડેરી ચલાવતો હતો. તેણે તાજેતરમાં દૂધની હેરફેર માટે લોનથી યુટીલીટી બોલેરો ખરીદી હતી. તેમજ અગાઉ જમીન પર લોન લઇ મકાન બનાવ્યા હતાં. આ કારણે હાલમાં આર્થિક સંકડામણમાં આવી ગયો હતો. કદાચ આ કારણોસર આપઘાત કર્યો હોય તેમ જણાય છે. મેહુલને સંતાનમાં સાત વર્ષ અને ચાર વર્ષની બે દિકરી છે. તેના પિતા નાથાભાઇ પણ ખેત મજૂરી કરી છે. પત્નિનું નામ હંસાબેન છે. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

(3:11 pm IST)