રાજકોટ
News of Saturday, 17th November 2018

'રૂડા' દ્વારા નિર્માણ થનાર ૧૦૬૧ ફલેટની યોજનાનાં પ્રોજેકટને સરકારની લીલી ઝંડીઃ ટુંક સમયમાં કામગીરી થશે

કુલ ૪૩પ૦ ફલેટોના ડી.પી.આર તૈયાર થયેલઃ ૧૫૬૮ ફલેટનું નિર્માણ કાર્ય પ્રગતિમાં : બે-બે સ્થળે સરકારી યોજનાનાં ફલેટ મેળવનારા ૧૭ લાભાર્થીઓને ફાળવણી રદઃ પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી ગૃહ યોજનાની વિગતો રજુ કરાશે કારોબારી અધિકારી પી.વી.સંગાણી

રાજકોટ, તા.૧૭: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અગાઉ સરકાર દ્વારા મુંજકા ખાતેના મંજુર EWS-1 નાં અને  EWS-2 કેટેગરીનાં કુલ ૧પ૬૮ આવાસોનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે.

રાજકોટ શહેરની આવાસની જરૂરીયાતને ધ્યાનમાં રાખી કુલ ૧૦ અલગ અલગ સાઇટ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજનાનાં અંતર્ગત કુલ ૪૩પ૦ અલગ અલગ કેટેગરીનાં આવાસો નિર્માણ કરવા ડીપીઆર તૈયાર કરવામાં આવેલ જેને સરકારની મંજુરી મળી ગયેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે વ્યકિત પાસે પોતાનાં માલીકીની જમીન છે. તેમને મકાનનાં ચણતર માટે સરકાર તરફથી બી.એલ.સી યોજનાં હેઠળ રૂ.૩.પ૦ લાખની સહાય આપવામાં આવે છે. રૂડા દ્વારા સરકાર તરફથી મળેલ ટાર્ગેટ સફળતાપુર્વક પૂર્ણ કરી કુલ ૧૦૬૧ બી.એલ.સી લાભાર્થીઓનાં ડી.પી.આરને સરકાર તરફથી મંજુરી મળેલ છે. જેથી હવે આ યોજનાનાં લાભાર્થીઓ પોતાનાં ઘરનુ ઘરનો સંકલ્પ પૂર્ણ કરી શકશે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત આવાસોનું નિર્માણ કરેલ છે. જેમાં પોતાના નામે કે કુટુંબનાં નામે કોઇ મકાન/આવાસ/પ્લોટ નથી તેમને જ આવાસ યોજનાનો લાભ મળી શકે છે. રૂડા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા તેમજ ગુજરાત હાઉસીંગ બોર્ડની આવાસ ફાળવણીની યાદીઓ મેળવી જે આવાસ ધારકોએ બે જગ્યાએ આવાસોનો લાભ લીધેલ છે. તેમની સામે કાર્યવાહી કરી ફાળવણી રદ કરવા બાબતે નોટીસ આપવામાં આવેલ હતી જે પૈકી કુલ ૧૭ આવાસોની ફાળવણી રદ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે જે પરત આવેલા આવાસો યોજનામાં જ વેઇટીંગ લીસ્ટમાં રહેલ ખરેખર જરૂરીયાતવાળા લાભાર્થીઓને તેનો લાભ મળી શકશે. તેજ રીતે આવાસ યોજનાનાં જે લાભાર્થીઓએ ફાળવેલ આવાસ પેટા ભાડે આપેલ છે તેમને ફાળવેલ આવાસોને રદ કરવાની કામગીરી પણ ગતિમાં છે.

(2:56 pm IST)