રાજકોટ
News of Saturday, 17th November 2018

પાટણથી નહી હવે રાજકોટથી પટોળા લાવજો રે...

રાજકોટ જિલ્લામાં પટોળાનું સર્જન પુર બહારમાં : સત્તાવાર મંજુરી સાથે પટોળા વ્યવસાયને વેગ : કારીગર વર્ગ ખુશ ખુશાલ

રાજકોટ તા. ૧૭ : પટોળાની વાત આવે એટલે સૌના હોઠ ઉપર પાટણનું નામ રમવા લાગે. પણ હવે પાટણની જેમ જ રાજકોટે પણ પટોળાની બજાર સર કરી હોય તેમ 'રાજકોટના પટોળા' નામને ભારત સરકાર દ્વારા જી.આઇ. ટેગ આપવામાં આવેલ છે.

રાજકોટ ડીસ્ટ્રીકટ વીવર્સ એસો.ના પ્રમુખ ધનજીભાઇ વાઢેર અને દિનેશભાઇ મકવાણાએ સંયુકત યાદીમાં જણાવેલ છે કે આમ તો સદીઓથી રાજકોટ શહેર અને જિલ્લામાં પટોળાનું સર્જન થતુ આવ્યુ છે. પરંતુ રાજકોટ જિલ્લામાં તૈયાર થતા પટોળાને હવે ભારત સરકારના જીઓગ્રાફીકસ ઇન્ડીકેશન રજીસ્ટ્રી વિભાગ દ્વારા નોંધણી કરી જીઆઇ ટેગ રજી. કરી પ્રમાણપત્ર એનાયત કરાયુ છે.

જેથી રાજકોટના પટોળા હવે વિશ્વભરમાં રાજકોટના નામથી જ ઓળખ ઉભી કરશે. આ વિસ્તારના કારીગરો માટે ગર્વની વાત બની છે. તેમની કલાની હવે ખરી કદર થવા જઇ રહી છે. આ વ્યવસાયને હવે સાચો વેગ મળશે.

હાલ રાજકોટમાં વિરાણી હાઇસ્કુલ પાછળ, સર્વોદય સોસાયટી તેમજ પેડક વિસ્તાર, ગ્રામલક્ષ્મી વિસ્તારમાં પટોળા તૈયાર થઇ રહ્યા છે.

આમ રાજકોટ શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાના આશરે ૫૦૦ થી ૧૦૦૦ થી પણ વધારે રોજી વેપાર  અને સ્કીલ ડેવલપમેન્ટની વિશેષ તક સાંપડશે. વ્યવસાયને વેગ મળશે.

ટ્રેડીશ્નલ પટોળા સાથે ફેન્સી પટોળા પણ બની રહ્યા છે. અગાઉ કેમીબલ કલરની સાથે આધુનિક ડાયરેકટ કલરનો પણ ઉપયોગ થઇ રહ્યો છે. સાંસ્કૃતિક વારસા સાથે આધુનિક અને વિકસિત પણ બન્યુ છે. જે આજની માંગછે.

ડીઝાઇન, કલરકામ, જરી વર્કના આધારે પટોળાની કિંમત અંદાજવામાં આવતી હોય છ.ે તેમ ધનજીભાઇ વાઢેર (મો.૯૮૨૫૩ ૭૫૮૮૩ અને દિનેશભાઇ મકવાણા (મો.૯૮૨૫૪ ૧૮૪૯૪) ની યાદીમાં જણાવાયુ છે.

(1:41 pm IST)