રાજકોટ
News of Saturday, 17th November 2018

મવડી ૪૦ ફુટ રોડ પર ‘હિટ એન્‍ડ રન': ઘરકામ કરવા જતી નેપાળી યુવતિનું મોત

ટ્રેકટરનો ચાલક સ્‍કૂટીને ઉલાળીને ભાગી ગયોઃ ૨૦ વર્ષિય અસ્‍મિતાનું ઘટના સ્‍થળે જ મોત

રાજકોટ તા. ૧૭: મવડીમાં ૪૦ ફુટ રોડ પર સંસ્‍કાર સીટીનજીક નંદનવન સોસાયટી તરફ જવાના રસ્‍તે ‘હિટ એન્‍ડ રન'ની ઘટનામાં ૨૦ વર્ષની નેપાળી યુવતિનું મોત નિપજ્‍યું છે. ટ્રેકટરનો ચાલક સ્‍કૂટીને ઉલાળીને ભાગી જતાં સ્‍કૂટીસ્‍વાર નેપાળી યુવતિનો ભોગ લેવાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મવડી રીંગ રોડ આસ્‍થા ગેઇટ નજીક ભવાનીનગર-૧૫માં ૨૫ વારીયામાં રહેતી અસ્‍મિતા કબીરાજ વિશ્વકર્મા (ઉ.૨૦) પોતાનું સ્‍કૂટી જીજે૫ઇબી-૨૦૬ હંકારીને ઘરેથી પારકા ઘરના કામ કરવા નંદનવન સોસાયટી તરફ જઇ રહી હતી ત્‍યારે રસ્‍તામાં ટ્રકેટરના ચાલકે સ્‍કૂટી સહિત ઉલાળી દીધી હતી અને બાદમાં ટ્રેકટર લઇ ભાગી ગયો હતો.

ગંભીર ઇજા થતાં અસ્‍મિતાનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. તાલુકા પોલીસને જાણ થતાં પીએસઆઇ એમ. ટી. રબારી સહિતે ઘટના સ્‍થળે પહોંચી મૃતક યુવતિના પિતા કબીરાજ નાકીયો વિશ્વકર્મા (નેપાળી) (ઉ.૪૫)ની ફરિયાદ પરથી ગુનો નોંધી ભાગી ગયેલા ટ્રેકટર ચાલકની શોધખોળ આદરી છે. અસ્‍મિતા પાંચ બહેન અને એક ભાઇમાં વચેટ હતી. તેના પિતા ચોકીદારી કરે છે. પોતે ઘરકામ કરી પરિવારને મદદરૂપ થતી હતી. કામે જવા નીકળી હતી અને કાળ ભેટી ગયો હતો. બનાવથી સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(10:58 am IST)