રાજકોટ
News of Thursday, 17th October 2019

ઇકબાલ ગમે ત્યારે પૈસા પડાવતો...એ દિવસે પણ પૈસા માટે માથાકુટ કરતાં છરી ભોંકી દીધી'તીઃ રૂડીનું રટણ

હત્યા કરી સંજય ઉર્ફ રૂડી સરીયા દોશી હોસ્પિટલ પાસે સુઇ રહ્યો'તોઃ વધુ બે શખ્સ રાણો અને કિશોરની શોધખોળઃ થોરાળાના આશિષભાઇ, ધર્મેન્દ્રસિંહ, વિજયભાઇ અને રોહિત કછોટની બાતમી પરથી પકડી કુવાડવા સોંપાયો

રાજકોટઃ દૂધ સાગર રોડ પર ફારૂકી સોસાયટી-૧માં રહેતાં રિક્ષાચાલક ઇકબાલભાઇ બાબુભાઇ કંડીયા (ઉ.૪૫)ની હત્યા કરાયેલી લાશ કાગદડીની સીમમાંથી ૧૪મીએ સાંજે મળી આવી હતી. આ હત્યામાં તેના જ મિત્ર હાલ રખડતું જીવન જીવતા સંજય ઉર્ફ રૂડી જીવરાજભાઇ સરીયા નામના ૩૫ વર્ષના કોળી શખ્સે કર્યાનું ખુલતાં તેને થોરાળાના કોન્સ. આશિષભાઇ દવે, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિજયભાઇ મેતા અને રોહિતભાઇ કછોટની બાતમી પરથી પકડી લઇ કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવ્યો છે.

ઝડપાયેલા સંજય ઉર્ફ રૂડીએ એવું રટણ કર્યુ છે કે ઇકબાલભાઇ આમ તો મારો ભાઇબંધ જ હતો અને સાથે ખાતા-પીતા હતાં. પણ તે હમણાં-હમણાંથી જ્યારે મળે ત્યારે મારી પાસેથી પૈસા માંગતો હતો અને પૈસા પરાણે લઇ પણ લેતો હતો. ૧૪મીએ સાંજે પણ અમે ચુનારાવાડ ચોક મેલડી માતાના મંદિર નજીક રાજમોતી મીલ સામે હતાં ત્યારે ઇકબાલભાઇએ પૈસા માંગતા મારી પાસે ન હોઇ મેં ના પાડતાં તેણે બોલાચાલી કરતાં મને ગુસ્સો આવતાં મેં છરીનો ઘા ઝીંકી દીધો હતો અને હું ભાગી ગયો હતો.

એ પછી તેની લાશ કાગદડી પાસેથી મળી હતી. મેં છરી ઝીંકી ત્યારે સાથે બીજા બે મિત્રો કિશોર અને રાણો હતાં. એ બંને લાશ નાંખી આવ્યા હશે. પોલીસ હવે આ બંનેને શોધી રહી છે. હત્યા બાદ સંજય ઉર્ફ રૂડી દોશી હોસ્પિટલ તરફ ભાગી ગયો હતો અને એક રાત ત્યાં સુઇ રહ્યો હતો. તેની વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

પી.આઇ. બી. ટી. વાઢીયા, પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ પી. ડી. જાદવ, એ.એલ. બારસીયા, એમ. એમ. ઝાલા, આર. એલ. ખટાણા, હેડકોન્સ. ભુપતભાઇ, કોન્સ. નરસંગભાઇ, આનંદભાઇ પરમાર, કનુભાઇ ઘેડ, વિજયભાઇ મેતા, દિપકભાઇ ડાંગર, રોહિતભાઇ કછોટ, ધર્મેન્દ્રસિંહ, આશિષભાઇ, સહદેવસિંહ તથા બી-ડિવીઝન, કુવાડવા પોલીસની ટીમોએ આ કામગીરી કરી હતી. કુવાડવા પી.આઇ. પી.આર. પરમાર, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારડીયા  સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(1:23 pm IST)