રાજકોટ
News of Thursday, 17th October 2019

જિલ્લા પંચાયતમાં વાઘ બારસે (૨૪મીએ) પ્રગટશે તાકાતના દીવડા

રાજકીય ઈચ્છા શકિતની રંગોળીમાં પૂરાય છે પ્રલોભનના રંગઃ નવા ઈતિહાસના તોરણ બંધાશે : અવિશ્વાસ દરખાસ્તના મતદાન માટે ખાસ સામાન્ય સભાઃ ભાજપ-કોંગી બન્ને જુથ સભ્યોને 'સલામત' સ્થળે ખસેડવાની તૈયારીમાં

રાજકોટ, તા. ૧૭ :. જિલ્લા પંચાયતમાં પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયા અને ઉપપ્રમુખ સુભાષ માંકડીયા સામે આવેલ અવિશ્વાસ દરખાસ્તના ફેંસલા માટે તા. ૨૪મીએ ગુરૂવારે વાઘ બારસના દિવસે કલેકટરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજવા માટે વિકાસ કમિશનરે આદેશ આપ્યો છે. સામાન્ય સભાનો એજન્ડા પ્રસિદ્ધ થતા રાજકીય ગતિવિધિ તેજ બની છે. કોંગ્રેસ અને ભાજપ બન્નેના જુથોએ સભ્યોને ટકાવવા અને ખેડવવા પ્રયાસો શરૂ કર્યા છે. પંચાયતના આંગણે તે દિવસે નવા રાજકીય ઈતિહાસના તોરણ બંધાશે. જેની તાકાત વધુ હશે તેની સફળતાના દીપ ઝળહળશે. અત્યારથી જ રાજકીય ઈચ્છા શકિતની રંગોળીમાં પ્રલોભનોના રંગ પુરાવા લાગ્યા છે. દિવાળી પૂર્વે જ પંચાયતનું રાજકારણ નવા ધડાકાની દિશામાં છે.

અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવા માટે ઓછામાં ઓછા ૨૪ સભ્યોની સહીની જરૂર છે. તે માટે સમગ્ર પ્રકરણનું સંચાલન કરી રહેલા ભાજપના ગોંડલ તરફના જુથે તાકાત કામે લગાડી છે. જિલ્લા ભાજપ મુકપ્રેક્ષકની ભૂમિકામાં છે. કોંગ્રેસમા પણ રાબેતા મુજબ વ્યકિત આધારીત (અર્જુન ખાટરિયા) લડાઈ થઈ ચૂકી છે. ભાજપે પોતાની પાસે ૨૪ સભ્યો હોવાનો દાવો કર્યો છે. ખાટરિયાનો દાવો ૧૪ સભ્યોનો છે. ભાજપે ઓછામાં ઓછા ૨૪ સભ્યો જાળવવા જરૂરી છે. ખાટરિયાને પોતાના ૧૨ સભ્યો ઉપરાંત માત્ર સામેથી એક જ સભ્ય ખેડવીને સફળતા મેળવવાની તક છે.

જિલ્લા પંચાયતમાં એક વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવી રહી છે. ૨૦૧૫ કરતા અત્યારે રાજકીય સ્થિતિ જુદી છે. કોંગ્રેસના ૩૪ સભ્યો ચૂંટાયેલા પરંતુ અત્યારે સત્તા ટકાવવી મુશ્કેલ બની છે. બીજી તરફ ભાજપ ૨ સભ્યોથી અવિશ્વાસ દરખાસ્ત મુકવા સુધીની તાકાતે પહોંચ્યો છે. જો અવિશ્વાસ દરખાસ્ત પસાર થઈ જાય તો તૂર્ત ડી.ડી.ઓ.ના અહેવાલના આધારે વિકાસ કમિશનર નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે એજન્ડા પ્રસિદ્ધ કરશે. લાભ પાંચમ આસપાસના સમયમાં નવા સુકાનીઓની ચૂંટણી થઈ જાય તે સંભવ છે. ભૂતકાળમાં અવિશ્વાસ દરખાસ્તમાં હાર દેખાતી હોય ત્યારે શાસકનું રાજીનામુ પડયાના દાખલા છે. આ વખતે બન્ને જુથ જીતના વિશ્વાસમાં છે. રાજકીય સલામતીના ભાગરૂપે એકદમ ટૂંક સમયમાં સભ્યોને સહેલગાહે મોકલી દેવામાં આવે તેવી તૈયારી છે. તા. ૨૪મીની અવિશ્વાસ દરખાસ્તનું પરિણામ ગમે તે આવે પરંતુ તે દિવસે પંચાયતના રાજકારણમાં નવો ઈતિહાસ સર્જાશે તે નિશ્ચિત છે.

આંકડાકીય યોગાનુયોગ ૨૪ તારીખ,૨૪ સભ્યોનો ટેકો જરૂરી

રાજકોટઃ અવિશ્વાસ દરખાસ્ત સંદર્ભે જોગાનુજોગ આંકડાકીય સમીકરણ રચાયુ છે. દરખાસ્ત મંજુર કરાવવા માટે ઓછામાં ઓછા ૨૪ સભ્યોના ટેકાની જરૂર છે અને બળાબળના પારખાના દિવસે પણ તારીખ ૨૪ છે

(1:20 pm IST)