રાજકોટ
News of Friday, 17th September 2021

નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનને યાદગાર બનાવતા રાજકોટિયનો : અડધા દિ'માં ૨૧ હજારનું રસીકરણ

વેકિસનેશન મહાઅભિયાનનો પ્રારંભ ગત રાત્રીના ૧૨ વાગ્યાથી બસ પોર્ટ, રેસકોર્સ રીંગ રોડ પર મેયર પ્રદિપ ડવ તથા મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ કરાવ્યો : આજે મોડી રાત સુધી શહેરજનો રસી લઇ શકશે : તંત્રનો અનુરોધ

રાજકોટ તા. ૧૭ : આજે તા.૧૭ના રોજ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને મહાનગરપાલિકા દ્વારા કોરોના વેકિસનેશન મહાઅભિયાનનો ધમધમાટ તા.૧૬ની રાત્રીથી જ વેકિસનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મેયર પ્રદિપ ડવ, મ્યુ.કમિશ્નર અકિત અરોરા ની ઉપસ્થિતીમાં બસ પોર્ટ, રેસકોર્સ રીંગ રોડ ખાતે રાત્રે વેકિસનની કામગીરી હાથ ધરવામાં આવતા આજ બપોરનાં ૧ વાગ્યા સુધીમાં શહેરનાં વિવિધ આરોગ્ય કેન્દ્ર, વિવિધ સ્થળોએ બપોર સુધીમાં ૨૧ હજારથી વધુ લોકોએ રસી મુકાવી હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેકિસનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવેલ છે. જેમાં ગત તા.૧૬ની રાત્રિએ એસ.ટી. બસ પોર્ટ અને રેસકોર્ષ રીંગ રોડ ખાતે માન.મેયરશ્રી ડો.પ્રદિપ ડવ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં વેકિસનેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વેકિસનેશનની કામગીરી આજે તા.૧૭ની મધ્યરાત્રિ સુધી કરવામાં આવશે.

આજે તા.૧૭ના રોજ મોડી રાત્રિ સુધી વેકસીનેશનની કામગીરી ચાલુ રહેવાની છે ત્યારે વેકસીન લેવામાં બાકી હોય તે લોકો અચૂક વેકિસન લઈ લ્યે તેવી અપીલ ડો. પ્રદિપ ડવ,ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન,પુષ્કરભાઇ પટેલ,મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા,શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા દ્વારા કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થયેલા આયોજન મુજબ મનપાની ઈસ્ટ અને વેસ્ટ ઝોન ઓફિસ અને સેન્ટ્રલ ઝોન માટે મેસોનિક હોલ,એસ.ટી. બસ સ્ટેન્ડની બાજુમાં,ઢેબરભાઈ રોડ ખાતે તેમજ શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રો, દરેક વોર્ડ ઓફિસ,બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે  ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો,  સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ મોબાઈલ વાહન દ્વારા વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. 

(3:59 pm IST)