રાજકોટ
News of Monday, 17th September 2018

વોર્ડ નં. ૧૧ની ધોરી નસ સમાન ત્રણ-ત્રણ પૂલનું કામ અત્યંત ધીમુ

જીવરાજ પાર્કથી જામવાડી, જીવરાજ પાર્કથી હેમાન્દ્રી સોસાયટી અને જીવરાજ પાર્કમાં વચ્ચે એમ ત્રણ ત્રણ પૂલનુ કામ ગોકળ ગાયની ગતિએ ચાલતુ હોવાથી ૧૦ હજારની વસ્તીને ભયંકર મુશ્કેલીઃ કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા આંદોલનની ચિમકી

રાજકોટ, તા. ૧૭ :. શહેરના વોર્ડ નં. ૧૧માં વિસ્તારવાસીઓ માટે ધોરી નસ સમાન ત્રણ-ત્રણ પૂલનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલુ હોય આ પૂલના કામ ટાઈમથી પૂર્ણ કરવાની માંગ સાથે કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાએ આ મુદ્દે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે ઘનશ્યામસિંહે એક યાદીમાં જણાવ્યુ છે કે, વોર્ડ નં. ૧૧માં સમાવેશ થતો વિસ્તાર આજે વિકાસની હરણફાળ ભરી રહેલ છે. તેમા વિકાસ પામતા જીવરાજ પાર્ક સોસાયટી આવેલ છે. આ વિસ્તારને જોડતા પૂલ જેવા કે જીવરાજપાર્કથી અવધ વચ્ચેનો પૂલ, જીવરાજપાર્કથી હેમાન્દ્રી સોસા.ને જોડતો પૂલ તેમજ જીવરાજપાર્કથી મોવડીને જોડતો પૂલ આ ત્રણેય પૂલની કામગીરી ખૂબજ ગોકળ ગાયની ગતિએ ચાલે છે. તેમાય જીવરાજપાર્કની ધોરી નસ સમાન જીવરાજ પાર્કથી મોવડીને જોડતો પૂલ પર ડાઈવર્જન કરવામાં આવ્યુ છે. આ ડાઈવર્જનમા મોટુ વાહન તો ઠીક પણ સ્કૂટર પર ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી. આ વિસ્તારના લોકો આ અણઘણ પરિસ્થિતિને કારણે આશરે બે કિ.મી. ફરવાની ફરજ પડે છે.શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યુ છે કે, આ વિસ્તારની આશરે ૯ કે ૧૦ હજારની વસ્તી ધરાવે છે. આ પરિસ્થિતિના કારણે મોંઘવારીના દોરમાં પિસાય છે. આ બાબતે વારંવાર રજુઆત કરવા છતા પણ અધિકારીશ્રીઓના પેટમાં પાણી હલતુ નથી.

આથી હવે આ બાબતે જો આગામી દિવસોમાં ઉકેલ લાવવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવીને અધિકારીશ્રીઓને ખુલ્લા પાડવામાં આવશે તેવી ચિમકી ઘનશ્યામસિંહે યાદીના અંતે ઉચ્ચારી છે.

(4:17 pm IST)