રાજકોટ
News of Monday, 17th June 2019

'ગુઢાર્થતત્વલોક'એ માનવ જીવનના રહસ્યો ઉપર પ્રકાશ પાડતો ગ્રંથઃ રાજારામ શુકલ

વિશ્વના સૌથી વિશાળ વ્યાખ્યા ગ્રંથ યશોલતા પરના ૧૪ દિવસીય નેશનલ વર્કશોપનો સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે પ્રારંભ

રાજકોટઃ તા.૧૭, ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા શ્રી જાગનાથ શ્વે. મૂ. જેન સંઘ, દિવ્યદર્શન ટ્રસ્ટ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી 'યશોલતા'ગ્રંથ પર ૧૪ દિવસીય વર્કશોપનો તા.૧૬ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રજી ભવનના વ્યાસ હોલમાં સવારે ૧૦  કલાકે કુલપતિશ્રી નીતીનભાઈ પેથાણી,  સિન્ડીકેટ સભ્ય મેહુલભાઈ રૂપાણી, કલાધરભાઈ આર્ય,  કાશીના મહામહોપાઘ્યાય, રાષ્ટ્રપતિ સન્માનિત વશિષ્ઠ ત્રિપાઠીજી, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય, કુલપતિ શ્રી રાજારામ શુકલજી, સંધ કાર્યકર શ્રી જયંતીભાઈ ભાડેસીયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતીમાં દીપ પ્રાગટ્ય વડે પ્રારંભ થયો હતો.

બે વખત રાષ્ટ્રપતિ સન્માન મેળવી ચુકેલા વશિષ્ઠ ત્રિપાઠીજીએ ભારતીય શાસ્ત્રોમાં રહેલા ઊંડાણભર્યા જ્ઞાનને લોકો સુધી પહોંચાડવા અને તેના દ્વારા જ્ઞાનગંગા લોકો સુધી પહોંચાડવા પર ભાર મુકયો હતો. શ્રી રાજારામ શુકલજીએ  ગુઢાર્થ તત્વ લોકનો અર્થ સમજાવતા કહ્યું હતું કે જે સમજવામાં જટિલ છે એ ગુઢ , તત્વ એટલે પદાર્થ અથવા આત્મા અને આલોક એટલે પ્રકાશ. આ ગુઢાર્થ તત્વલોક  એ માનવજીવનના રહસ્યો પર પ્રકાશ પાડતો ગ્રંથ છે. ભારતીય દાર્શનિક અનુસંધાન પરિષદ (ICPR)ના ડાયરેકટર ડો. ઉપેન્દ્ર્કુમારે જણાવ્યું હતું કે આ સંસ્થા ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયના નેજા હેઠળ ચાલી રહી છે તેનું મુખ્ય કાર્ય શૈક્ષણિક ક્ષેત્રે રીસર્ચ માટે ના સ્રેત પુરા પાડવાનું છે. આ સંસ્થાના પૂર્વ ડાયરેકટર એસ.આર.ભટ્ટનું સ્વપ્ન હતું કે યશોલતા ગ્રંથ પર નેશનલ વર્કશોપ યોજાય. તેથી 'દસ લાખ રૂપિયાનું ભંડોળ આ વર્કશોપ માટે ફાળવવામાં આવ્યું છે. જેમાં દેશભરના વિદ્વાનો હાજર ' રહીને જ્ઞાનનું આદાન પ્રદાન કરશે.

આ.ભ.પ.પુ. યશોવિજયસુરીશ્વરજીએ કહ્યું હતું કે , ભકિતયશ વિજયની જ્ઞાન પિપાસા અને આતુરતા જોઈ અને તેમને વારંવાર કહ્યું હતું કે જો ગુઢાર્થ તત્વ લોક નથી વાંચ્યું તો કંઈ નથી વાંચ્યું. ત્યારથી તેમણે રાત દિવસ એ ગ્રંથ વિષે જ વિચાર્યું અને ગુજરાતીમાં ગ્રંથ તૈયાર કર્યો. પછી કહ્યું કે માત્ર ગુજરાતીમાં હોય તેનાથી વધુ સારું એ આ ગ્રંથ કે સંસ્કૃત 'ભાષામાં હોય .તેથી તેમણે સંસ્કૃતમાં પણ લખવાનું શરુ કર્યું. જો શિષ્ય આજ્ઞાંકિત હોય તો તે ધાર્યું પરિણામ મેળવી શકે'. ગ્રંથના રચયિતા ભકિતયશ વિજયજીએ તર્ક શાસ્ત્ર સંબંધી વિવિધ ઉદાહરણો આપ્યા હતા. પોતાના વકતવ્યમાં તેમણે દોર સાથે બંધાયેલી પતંગનું ઉદાહરણ આપી સ્વત્રંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજાવ્યો હતો.

તા. ૧૬ જૂન થી શરુ થયેલો આ વર્કશોપ  તા.૨૯ સુધી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના યુજીસી એચઆરડીસી ભવનમાં સવારે ૧૦ થી સાંજે ૬ સુધી યોજાશે.રસ ધરાવતા સૌને ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવાયું  છે.

(4:31 pm IST)