રાજકોટ
News of Monday, 17th May 2021

આંગણવાડીના બહેનો-શિક્ષકો પાસે કોવીડ-૧૯ની કામગીરીનું દબાણ ન કરી શકાયઃ મઝદુર સંઘ

મ્યુ. કમિશ્નરને પત્ર લખી તપાસની માંગ ઉઠાવાઇ

રાજકોટ, તા., ૧૭: આંગણવાડીના બહેનો તથા શિક્ષકો પાસેથી કોવીડ-૧૯ની કામગીરી ન લેવા અંગે ભારતીય મજદુર સંઘ રાજકોટ જીલ્લાના જીલ્લા મંત્રી મુસાભાઇ જોબણ તથા રાજકોટ જીલ્લા આંગણવાડી કર્મચારી સંઘ (બીએમએસ)ના અધ્યક્ષ શ્રીમતી ભાવીકાબેન ચાઉ અને જીલ્લા મંત્રી શ્રીમતી સરલાબેન રાઠોડે કમિશ્નરશ્રી અગ્રવાલે એક પત્ર લખી રજુઆત કરી છે.

સરકારના તા.૧પ-૬-ર૦૧૬ના પત્ર મુજબ આંગણવાડીના કર્મચારીઓ પાસેથી આઇસીડીએસ સિવાયની કઇ પણ કામગીરી ન લેવી તેવો સ્પષ્ટ આદેશ ગુજરાત સરકારનો છે તેમ છતા આ મહામારીમાં સમાજ અને સરકારને ઉપયોગી થઇ શકાય તે હેતુથી આંગણવાડી સ્ટાફ આ કામગીરી બજાવી રહયો છે આ સ્વૈચ્છીક બાબત છે. પરંતુ આ સંઘને જાણવા મળેલ છે કે નગર પાલીકાના અધિકારીઓ તથા જે તે આરોગ્ય કેન્દ્રના અધીકારીઓ આંગણવાડીના સગર્ભા અને કોવીડ-૧૯ પોઝીટીવ આવેલ બહેનોને માનવતા નેવે મુકી ફરજીયાત કામ કરાવવામાં આવે છે જે પગલુ ગેરકાયદેસરનું અને માનવતા વિહોણુ માની શકાય. આ અંગે તપાસ કરી જે તે અધિકારીઓ સામે પગલા લેવા માંગણી છે.

આવી જ હકીકત સ્કુલના શિક્ષકોની છે નામદાર સુપ્રીમ કોર્ટે સ્કુલની સાથે શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કોઇ પણ કામગીરી ન લઇ શકાય તેવો સ્પષ્ટ ચુકાદો આપેલ છે. પરંતુ આનો અમલ ન કરી ફરજીયાત પણે કામગીરી બજાવવા અધિકારીઓ જે દબાવણી કરી કામગીરી કરાવે છે તે પણ બંધ કરવી જોઇએ તેમ રજુઆતમાં મુસાભાઇ જોબણ, ભાવીકાબેન ચાંઉ અને સરલાબેન રાઠોડે જણાવેલ હોવાનું મઝદુર સંઘના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવે (મો. ૯૪૨૬૨ ૫૪૦૫૩)ની યાદીમાં જણાવાયું છે.

(4:34 pm IST)