રાજકોટ
News of Monday, 17th May 2021

મધ્યાહન ભોજન યોજનાના રસોઇઓને લઘુતમ વેતનની ગણતરીએ પગાર કરવા ચૂકાદો

ઉત્તર પ્રદેશના અરજદારની લડતથી તમામ કર્મચારીને ફાયદોઃ હસુભાઇ દવે

રાજકોટ તા. ૧૭ :.. અરજદાર ચંદ્રાવતી દેવીએ ઉત્તર પ્રદેશ હાઇકોર્ટમાં અરજી કરી કે તેણી 'બેસિક પ્રાઇમરી સ્કુલ' પીનેસાર બસ્તીમાં ર૦૦પ થી મધ્યાહન ભોજન યોજનામાં રસોઇયા તરીકે કાર્યરત છે અને જે મધ્યાહન ભોજન રસોઇયા મજદૂર સંઘના પણ સભ્ય છે. અરજદારે ન્યાયલયનો આશ્રય લીધેલ કે તેઓ ર૦૦પ થી કાર્યરત હોવા છતાં તેણીને કોઇ તક આપ્યા વગર તા. ૧-૮-ર૦૧૯ થી છૂટ્ટા કરાયા હતાં.

આ મહિલાને ૧૪ વર્ષ સુધી માત્ર માસિક રૂ. ૧૦૦૦ દરે વેતન આપવામાં આવ્યું છે તે પ્રત્યે ન્યાયાલયે પોતાની સખ્ત નારાજગી દર્શાવેલ છે, અને અરજદારનું આ રીતે થયેલું શોષણ જોતાં પ્રતિવાદીને હુકમ કર્યો કે કેવી રીતે આ અરજદારને લાંબા સમય સુધી માત્ર રૂ. ૧૦૦૦ નું વેતન આપી શોષણ કરેલ છે તે અંગે એક સોગંદનામું દાખલ કરવા આદેશ કરેલ હતો.

આ દેશના દરેક નાગરીકને ભારતીય બંધારણના ભાગ ૩ મુજબ પુરી સ્વતંત્રતાની બાંહેધરી આપવામાં આવેલ છે. વર્તમાન કેસ ભારતીય બંધારણના આર્ટીકલ ૧૪, ર૧ અને ર૩ સાથે સંલગ્ન છે અને વિશેષ કરીને આર્ટીકલ ર૩ સાથે વર્તમાન કેસની હકિકતોના સંદર્ભે એ જોવાનું રહે છે કે પ્રતિમાસ વેતન રૂ. ૧૦૦ ના દરેનું ચૂકવણું એ કોઇ ને કોઇ રીતે વેઠ હેઠળનું કોઇ અન્ય સ્વરૂપ છે કે કેમ જેને બંધારણના આર્ટીકલ ર૩ હેઠળ પ્રતિબંધીત કરેલ છે.

સુપ્રીમ કોર્ટે પણ ત્યારબાદ આવેલ મુળભુત અધિકારોના ઉલ્લંઘનની ફરીયાદ સામે રાજયની જવાબદારી વિષે અમલમાં રહેલ આર્ટીકલ ૧૭ અથવા આર્ટીકલ ર૩ અથવા આર્ટીકલ ર૪ સંદર્ભે નોંધ્યું કે, 'આ વિષય છોડતા પહેલા અમે અમારી પાસે રહેલ બધી સતાઓનાં આધારે ભારપૂર્વક જણાવીએ છીએ કે ખાનગી વ્યકિતઓ કે જેઓ આર્ટીકલ ૧૭ અથવા ર૩ અથવા ર૪ હેઠળ મુળભુત અધિકારોનું ઉલ્લંઘન કરતાં હોય ત્યારે એ રાજયની જવાબદારી બને છે કે આવા ખાનગી વ્યકિતઓને આવું કરતાં અટકાવવા માટે અને મુળભુત અધિકારોઓ સુરક્ષિત રહે તે માટે પગલાં ભરે. આ અન્યાયના ઉપાય તરીકે નામદાર ઉતર પ્રદેશ હાઇકોર્ટ એક સામાન્ય આદેશ દ્વારા રાજયને નિર્દેશ કરેલ કે સરકારી કે અર્ધ સરકારી સંસ્થાનોમાં રોકાયેલા મધ્યાહન ભોજન યોજનાના રસોઇયાઓને લઘુતમ વેતન ધારા હેઠળ મળવાપાત્ર વેતનની ગણતરી કરી તેમને વેતન એ રીતે ચૂકવાય તે સુનિશ્ચિત કરે. અરજદાર અને આવા બધા રસોઇયાઓને લઘુતમ વેતનની ગણતરી કરી ચૂકવાય તે ઉપરાંત ર૦૦પ થી તે અત્યાર સુધી આ વેતનની ગણતરી કરતાં ચૂકવાયેલ રૂ. ૧૦૦૦ ઉપરાંત જે તફાવતની રકમ હોય તે પણ ચૂકવવામાં આવે.

આ ચુકાદાને કારણે મધ્યાહન ભોજન યોજના (મીડ ડે મીલ) માં કામ કરતાં કરોડો કર્મચારીઓ માટે ઉપયોગી થશે. ગુજરાત રાજયમાં મધ્યાહન ભોજન યોજનામાં આશરે ૯૬ લાખ કર્મચારીઓ કામ કરે છે. પગાર વધારા માટે ઘણાં આંદોલનો કરેલ છે. આ ચુકાદો માર્ગદર્શક બનશે તેમ અંતમાં ભારતીય મઝદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવે (મો. ૯૪ર૬ર પ૪૦પ૩) એ જણાવેલ છે.

(3:32 pm IST)