રાજકોટ
News of Monday, 17th May 2021

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રૂ. ૬૦ લાખના ખર્ચે નિર્મિત ૩ ઓકિસજન પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

રાજકોટ : શ્રી વલ્લભ ભૂષણ વૈષ્ણવાચાર્યશ્રી વ્રજરાજકુમાર પ્રેરિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાજકોટ ખાતે રૂ. ૬૦ લાખના ખર્ચે ઉભા કરાયેલા ત્રણ ઓકસીજન પ્લાન્ટનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતુ. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના સમયમાં કરેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને અભિનંદનિય ગણાવી હતી. હાલ કોરોનાના કેઈસ ઘટી રહ્યાનું જણાવતા વિજયભાઈએ કહ્યું હતું કે, બીજી લહેરમાં માત્ર બે માસના ટૂંકા ગાળામાં આપણે ૪૧ હજાર બેડમાંથી એક લાખ બેડ તેમજ ઓકિસજન સાથેના ૧૮ હજાર બેડમાંથી આપણે ૫૮ હજાર બેડ ઉભા કરી દર્દીઓની સારવાર કરી રહ્યા છીએ. આવનારી સંભવિત ત્રીજી લહેર સામે આગવા આયોજન સાથે ઓકિસજનની કંઈ ઘટ ન પડે તે માટે હવામાંથી ઓકિસજન ઉત્પન્ન કરી શકે તેવા પ્લાન્ટનું નિર્માણ રાજય સરકાર દ્વારા હાથ ધરાયુ હોવાનું અને જે રોજના ૩૦૦ ટન ઓકિસજન ઉત્પન્ન કરી શકાશે તેમ મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું હતું. કોરોના, મ્યુકરમાઇકોસિસ અને વાવાઝોડા સામે રાજય સરકાર હાલ ત્રિ-પાખ્યો જંગ લડી રહી હોવાની વિગતો પણ તેમણે જાહેર કરી હતી. શ્રી વલ્લભ ભૂષણ વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજીએ પ્રાસંગીક ઉદબોધનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈનો આભાર વ્યકત કરેલ. હાલમાં જ મુખ્યમંત્રીશ્રી એ કોરોના સામેની લડાઈમાં ધર્મગુરુઓ સાથે  વિચાર વિમર્શ કરી સહયોગ અને આશીર્વાદ મેળવ્યા હતા જે  તેમની ધર્મ સત્તા પરની આસ્થા દર્શાવે છે તેમ શ્રી વ્રજરાજકુમારજીએ ઉમેર્યું હતું.  વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાજકોટ ખાતે પ્રતિ મિનિટ ૩ ટનના ઉત્પાદન ક્ષમતા સાથેના ૩ પ્લાન્ટ સિવિલ હોસ્પિટલ, એન.આઈ.સી.યુ. વોર્ડ તેમજ કેન્સર હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરાયા છે, તેમજ રાજયના અન્ય શહેરોમાં કુલ ૧૯ પ્લાન્ટ તેઓ દ્વારા સ્થાપિત કરાશે. રાજકોટ ખાતે નિર્મિત આ પ્લાન્ટ અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ રાખોલીયા, શ્રી પુનિતભાઈ ચોટલીયા, તેમજ વી.વાય.ઓ. યુ.કે. પરિવાર દ્વારા દાનમાં અપાયા છે. સંસ્થાના શ્રી મૌલેશભાઇ ઉકાણીએ સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવા પ્રવૃત્તિનો ચિતાર સ્વાગત પ્રવચનમાં આપ્યો હતો.  કાર્યક્રમના પ્રારંભે સંસ્થાની કામગીરી અંગે વિડીયો ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આભારવિધિ જગદીશભાઈ કોટડીયાએ કરી હતી. આ કાર્યક્રમમાં મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન  ધનસુખભાઈ ભંડેરી, મેયર પ્રદીપ ડવ, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ,  લાખાભાઇ સાગઠીયા, સ્ટે. કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ તેમજ    વી.વાય. ઓ. પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(3:30 pm IST)