રાજકોટ
News of Monday, 17th May 2021

વાવાઝોડા સામે તકેદારી રૂપે રાજકોટ એસટીની ગ્રામ્ય રૂટની સંખ્યાબંધ બસોની ટ્રીપોમાં મંગળવાર સુધી ઘટાડો

કોસ્ટલ હાઇવે તરફના રૂટોમાં ઘટાડોઃ લોધીકા-કોટડા-પડધરીની બસો આજે રાત્રે પરત આવી જશે : રવિવારે સાંજે તમામ બસોને સલામત સ્થળે મૂકી ડ્રાઇવર-કંડકટરોને પરત બોલાવાયા

રાજકોટ એસ.ટી. બસ પોર્ટ અને ડીવીઝનના દરિયાકાંઠાના બસ રૂટ આજથી બંધ કરાયાઃ વિભાગીય કચેરીમાં આપાતકાલીન કન્ટ્રોલ રૂમ શરૂ, બહારગામ નાઇટ હોલ્ટ કરતી બસો હેડ કવાર્ટરમાં પરત બોલાવાઇ, ડેપો મેનેજરોને સાવચેત રહેવા સુચના

રાજકોટ તા. ૧૭ :.. અરબી સમુદ્રમાં ઉભા થયેલા વિનાશકારી તૌકને વાવાઝોડા સંદર્ભે રાજકોટ એસ.ટી. તંત્રે તકેદારી રૂપે ગઇકાલે સાંજે પગલા લઇ ગ્રામ્ય રૂટની નાઇટ આઉટની સંખ્યાબંધ બસોની મંગળવાર સુધી ટ્રીપોમાં ઘટાડો કરી દેવાયો છે.

હાલ માત્ર ૪૦ ટકા મુસાફરો આવતા હોય, બસો ખાલી દોડી રહી હોય, નાઇટ આઉટ-ગ્રામ્યની બસો બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે, ગઇકાલે સાંજે તમામ બસોને સલામત સ્થળે મૂકી ડ્રાઇવર-કંડકટરોને પરત બોલાવી લેવાયા છે, આ ઉપરાંત કલેકટર તંત્ર માંગે તો તે માટે પણ બસો સ્પેરમાં રખાઇ છે, મોરબીમાં ૩૦ બસો સ્પેરમાં રખાઇ છે. અધિકારી સુત્રોના ઉમેર્યા ઉમેર્યા પ્રમાણે વાવાઝોડાને ધ્યાને લઇને કોસ્ટલ હાઇવેની રૂટની ટ્રીપોમાં ઘટાડો થયો છે. ખાસ કરીને દિવ-દ્વારકા તરફ રૂટો બંધ છે. આજે પણ લોધીકા-કોટડા-પડધરી પંથકની બસો સાંજ સુધીમાં મુસાફરોને પહોંચાડી રાત્રે પરત આવી જશે, હાલમાં જે ૪ર ગાડીનું સંચાલન છે, એમાંથી ૧ર જેટલા રૂટમાં અસર થશે, કોઇ તરફના રૂટ સંપૂર્ણ બંધ નથી, ટ્રીપોમાં ઘટાડો કરાયાનું સુત્રોએ કહયું હતું.

(3:15 pm IST)