રાજકોટ
News of Friday, 17th May 2019

કાજલને શોધવા પોલીસ પૂર્ણપણે સક્રિયઃ મીણા

શંકાસ્પદ લોકોની આકરી પૂછપરછ થઇ છેઃ નાલામાં પડી ગયાની શંકામાં પુરૃં નાલું સાફ કરાવ્યું: આ કેસ માટે ટીમ સતત સક્રિય છે.: બલરામ મીણાએ ખૂદે ત્રણ વખત સ્થળ તપાસ કરી છે સીપીઆઇ સહિત ૪ સભ્યોની પોલીસ ટીમને તપાસ સુપ્રતઃ મુખ્યમંત્રી ખુદ ભારે ચિંતીત

રાજકોટ તા. ૧૬ :.. પરપ્રાંતીય પરિવારની છ વર્ષીય બાળકી કાજલ ગુમ થવાની ઘટના અંગે રાજકોટ રૂરલ એસ. પી. શ્રી બલરામ મીણાજીએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાર મહિના પૂર્વેના આ કેસમાં પોલીસ તંત્રએ ખૂબ પ્રયાસો કર્યા છે અને હજુ પૂર્ણપણે સક્રિય છે, તંત્રે આ બાબતે કોઇ ખામી રાખી નથી.

શ્રી મીણાએ કહયું હતું આ કેસમાં મેં ખુદે ત્રણ વખત સ્થળ મુલાકાત કરી છે અને કાજલને શોધવા વિશેષ ટીમ બનાવી છે, આ ટીમ સતત સક્રિય છે.

કાજલના કેસમાં જે શંકાસ્પદ લોકો હતા તેની પોલીસે આકરી પુછપરછ કરી છે. એક સંભાવના એવી હતી કે  કાજલ કદાચ નાલામાં પડી ગઇ હોય... આ માટે નાલું આખું સાફ કરાવ્યું હતું. આસપાસના ફેકટરી વિસ્તારો પણ ચેક કરાવ્યા હતાં. ઉપરાંત કાજલનો પરિવાર જયાં રહે છે ત્યાં અન્ય ર૦ ભાડુઆતો રહે છે. આ દરેકનો રેકોર્ડ કાઢીને પોલીસ તંત્રએ તપાસ કરી છે.

શ્રી મીણા કહે છે કે, કમનસીબે કોઇ કડી મળેલ નથી. જો કે પોલીસ ટીમ સતત પ્રયાસો કરી રહી છે. સીપીઆઇ સહિત ચાર પોલીસની ટીમની રચના કરી છે અને આ ટીમ સતત તપાસ કરી જ રહી છે.

કાજલના કેસમાં કોઇ ગેંગની સંડોવણી હોવા અંગે પણ પોલીસ તંત્રએ તપાસ કરી છે.

જોકે કાજલના માતા-પિતાએ પોલીસ તંત્રને જણાવ્યા પ્રમાણે કાજલ ખૂબ ચંચળ બાળકી છે. ચંચળતાના કારણે ગુમ થઇ હોઇ શકે, પરંતુ પોલીસ દરેક એંગલથી આ કેસમાં શકયતાઓ તપાસીને આગળ વધી રહી છે.

શ્રી મીણાએ અંતમાં જણાવ્યું હતું કે, કમનસીબે હજુ સુધી કાજલ અંગે માહિતી મળી નથી. આ સ્થિતિમાં તેમના મા-બાપની કેવી લાગણી-મનોદશા હોય એ પોલીસ તંત્ર જાણે છે. કાજલની ભાળ મેળવવા પોલીસ પૂરતા પ્રયાસો કરે છે.

શાપર-વેરાવળના આ કેસમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ ખૂબ ચિંતિત છે.

(4:06 pm IST)