રાજકોટ
News of Thursday, 17th May 2018

સંયુકત વડીલોપાર્જીત મિલ્કતમાંથી પિતરાઇ ભાઇનો માલસામાન ચોરી રાતોરાત બુલડોઝર ફેરવી દીધું!

પિયુષ રસીકભાઇ વોરાની પિતરાઇ મહેશ વોરા અને રમેશ વોરા વિરૂધ્ધ પોલીસ : કમિશ્નર સમક્ષ ફરીયાદઃ વારસા સર્ટીફીકેટ મેળવવા કોર્ટને ગેરમાર્ગે દોર્યાનો પણ આક્ષેપ

રાજકોટ, તા., ૧૭: અમરનાથ પ્લોટ, શેરી નં. રમાં રહેતા પિયુષ રસીકભાઇ વોરાની સંયુકત વડીલોપાર્જીત મિલ્કતમાં રાતોરાત ગેરકાયદે કબ્જો જમાવી ઘરવખરીની ચોરી કરી બુલડોઝર ફેરવી દીધાની સનસનીખેજ ઘટના સંદર્ભે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત પાસે ફરીયાદ પહોંચતા તપાસના આદેશ અપાયા છે. મહેશ જયસુખ વોરા અને રમેશ જયસુખ વોરા નામના બે પિતરાઇ ભાઇઓએ આ ગેરકાયદે કૃત્યને અંજામ આપ્યાનું ફરીયાદમાં જણાવાયું છે.

ફરીયાદમાં જણાવાયા મુજબ પિયુષ વોરાના વયોવૃધ્ધ અને બિમારીથી પીડાતા પિતા રસીકભાઇ જમનાદાસ વોરા (ઉ.વ.૯૪) આ વડીલોપાર્જીત મિલ્કતના હક્કદાર જ નહિ પણ કબ્જેદાર પણ હતા. શિવા મહારાજની શેરી નં. ૧, સિલ્વર માર્કેટ પાસે આવેલા ભકિત નિવાસની કિંમતી જગ્યાના સંયુકત માલીકની રૂએ રસીકભાઇ વોરા બે રૂમ, રસોડુ, ઓસરી, કોઠારરૂમ, સંડાસ-બાથરૂમ અને સંયુકત ફળીયાનો આજના દિવસે પણ કબ્જો ધરાવે છે. આ મિલ્કતમાંથી તેમની ઘરવખરી, ફર્નિચર, પટારો, ખુરશી-ટેબલ પડેલા હતા આ મિલ્કતમાં તેઓ પોતાની અનુકુળતાએ સાફ-સફાઇ કરવા જતા હતા. છેલ્લા થોડા દિવસથી રસીકભાઇ બિમાર હોવાથી પુત્ર પિયુષ વોરાના રહેણાંક 'પુષ્પાંજલી' ર, અમરનાથ પ્લોટ, રાજકોટ ખાતે રહેવા ગયા હતા. આ મોકાનો લાભ ઉઠાવી બંન્ને પિતરાઇ ભાઇઓએ અન્ય લોકોના મેળાપીપણાથી ગેરકાયદે કબ્જો લઇ સામાનની ચોરી કરી મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું.

આરોપી મહેશ જયસુખભાઇ વોરા અને રમેશ જયસુખભાઇ વોરા (રહે. ભકિત નિવાસ, શિવા મહારાજની  શેરી, રાજકોટ) સામે ફરીયાદી અને તેમના પિતાને વારસા સર્ટીફીકેટ બારામાં કોર્ટમાં તકરાર ચાલી રહી છે. આ કામના આરોપી મહેશ વોરા અંશતઃ માનસીક તથા પાર્કીન્શનની બિમારીથી પીડાઇ રહયા છે. તેઓ પોતાની સહી પણ સારી રીતે કરી શકતા નથી. તેમ છતાં કોર્ટમાં તાજેતરમાં ૩૧-૩-ર૦૧૮ના મહેશ વોરાની સહીવાળુ સોગંધનામુ રજુ કરી તેના આધારે વારસા સર્ટીફીકેટનો હુકમ મેળવવા પ્રયત્ન થયો છે. મૂળ દિવાની અરજી સાથે રજુ રાખેલ ર૬-૧ર-ર૦૧રના વકિલાત નામામાં તેમજ તા.૩૧-૩-૧૮ના સોગંધનામાની સહિઓ અલગ-અલગ વ્યકિત દ્વારા કરવામાં આવ્યાનું સ્પષ્ટ જણાય છે. આ સંજોગોમાં આરોપીઓ દ્વારા અન્ય કોઇની મદદગારીથી કોર્ટ સાથે છેતરપીંડી કરવાના હેતુથી તેમજ મહેશ વોરા માનસીક બિમારીથી પીડાતા હોય તેની જગ્યાએ અન્ય કોઇ વ્યકિતને ઉભા રાખી ખોટા વારસા સર્ટીફીકેટ મેળવી કૌભાંડ આચર્યાનો પણ ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આમ રાતોરાત વડીલોપાર્જીત સંયુકત મિલ્કત અંકે કરવા અંગે પોલીસ કમિશ્નરને ફરીયાદ મળતા તપાસના આદેશો કરવામાં આવ્યા છે.

(4:36 pm IST)