રાજકોટ
News of Thursday, 17th May 2018

વેકેશન ચાલુ છે અને ત્રાસવાદ વિરોધી દિવસ ઉજવવા આદેશઃ ૨૧મીએ ચર્ચા કોણ સાંભળશે !!

શાળાઓ - કોલેજો - યુનિવર્સિટીઓમાં ચર્ચા - સેમિનાર - પ્રવચનો યોજવા શિક્ષણ તંત્રનો આદેશ

રાજકોટ તા. ૧૭ : હાલમાં સ્કૂલ અને કોલેજોમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આંતકવાદ વિરોધી દિવસની ઉજવણી કરવા ફરમાન જારી કરવામાં આવ્યું છે. ૨૧મી મેનાં રોજ આંતકવાદ વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓમાં ચર્ચાઓ યોજવાની સૂચના અપાઈ છે પરંતુ સવાલ એ ઊઠે છે કે, ચર્ચાઓ યોજવા પરિપત્ર તો કરી દેવાયો છે પરંતુ આ ચર્ચાઓ સાંભળશે કોણ ? શું વેકેશનમાં બહાર ફરવા ગયેલા વિદ્યાર્થીઓ ચર્ચાઓમાં ભાગ લેવા આવશે ? કે પછી કાર્યક્રમમાં ભીડભેગી કરવા માટે શિક્ષકો પર હાજર રહેવાનું દબાણ કરવામાં આવશે ? તેવા પ્રશ્નો આ પરિપત્રને લઈ ઊઠી રહ્યાં છે.નિયામક કચેરી દ્વારા પરિપત્ર કરી જણાવ્યું છે કે, રાજયનું ગૃહવિભાગ દર વર્ષે ૨૧ મેનાં આંતકવાદ વિરોધી દિવસ ઊજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેથી શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ચર્ચા યોજવી. આંતકવાદ અને હિંસાના જોખમો પર સેમિનારો યોજવા. સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ પ્રવચનો, વાટાઘાટો, ચર્ચાઓ, સંગીત અને પઠન કાર્યક્રમો કરે છે તેને આતંકવાદ વિરોધની જાગ્રતિ માટે સામેલ કરવી. તેમજ રાજયના તમામ જિલ્લા હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આતંકવાદ વિરોધી દિનની ઉજવણી કરવા માટે સૂચના આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, જિલ્લા હસ્તકની પ્રાથમિક શાળાઓને આ કાર્યક્રમ ઊજવવા માટે સૂચના આપી દેવાતાં શિક્ષકોમાં પણ ભારે રોષ ફેલાયો છે. કારણ કે, ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન તો આખું વર્ષ માત્ર કાર્યક્રમો અને ઉજવણીઓ જ થયા કરે છે અને હવે વળી વેકેશનમાં પણ ઉજવણી માટે ફરમાન કરાય છે.

(4:18 pm IST)