રાજકોટ
News of Thursday, 17th May 2018

કિશાન ગૌશાળાના લાભાર્થે મવડીમાં ભાગવત કથા

તા. ૨૨ થી સોરઠીયા ગ્રાઉન્ડમાં પ્રારંભ : શાસ્ત્રી ભાર્ગવદાદા જ્ઞાનવાણી વહાવશે : વિવિધ પ્રસંગો આવરી કરાશે ઉજવણીઃ ૨૫ મીએ રકતદાન કેમ્પ : ગૌ આધારીતી ખેતી અંગે પ્રચાર પ્રસાર કરાશે : ૨૮ મીએ સમાપન

રાજકોટ તા. ૧૭ : આજીડેમ પાસે આવેલ કિશાન ગૌશાળામાં ૧૬૫૦ થી વધુ ગૌમાતાને આશરો અપાયો છે. આ ગાયોના લાભાર્થે આગામી તા. ૨૨ થી ૨૮ સુધી સોરઠીયા મેદાન મવડી ખાતે શ્રીભદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ છે.

આયોજનની વિગતો વર્ણવતા આયોજક આગેવાનોએ જણાવેલ કે તા. ૨૨ મીના મંગળવારે કથાની પોથીયાત્રા જીથરીયા હનુમાન મંદિરેથી નિકળી બપોરે ૩ વાગ્યે કથા સ્થળે પહોંચશે. કથાના વ્યાસાસને ભોરીંગડાવાળા ર્ભાર્ગવદાદા બિરાજી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૪ થી ૭ કથામૃતનું રસપાન કરાવશે.

કથા દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો કપીલ જન્મ, વામન અવતાર, રામ જન્મ, કૃષ્ણ જન્મ, કુંવરબાઇનું મામેરૂ, રૂક્ષ્મણી વિવાહની ભાવભેર ઉજવણી કરાશે.

એજ રીતે દરરોજ રાત્રે પણ વિવિધ કાર્યક્રમો થશે. જેમાં તા. ૨૨ ના મંગળવારે રાત્રે ૮ વાગયે રાસ ગરબા, તા. ૨૩ ના બુધવારે રાત્રે ૮ વાગ્યે ખીમજીભાઇ ભરવાડ, દાનાભાઇ ભરવાડ, જતીન પટેલનો ડાયરો, તા. ૨૪ ના ગુરૂવારે  રાત્રે અશ્વિનભાઇ જોષીનો મા બાપને ભુલશો નહીં કાર્યક્રમ, તા. ૨૫ ના શુક્રવારે રાત્રે  અલ્પાબેન પટેલ અને મનસુખભાઇ ખીલોરીવાળાનો ડાયરો, તા. ૨૬ ના શનિવારે કાન ગોપી ગૃપ સેવંત્રા દ્વારા નાટક, તા. ૨૭ ના રવિવારે રાત્રે રામામંડળ અને તા. ૨૫ ના ખેતી શીબીર યોજાશે. કથા દરમિયાન દરરોજ ગાય આધારીત ખેતીની માહીતી તેમજ ગૌ મુત્ર અને છાણીયા ખાતરનું વિતરણ કરાશે.

સાધુ સંતો પધારી આશીર્વચનો આપશે. દરમિયાન તા. તા. ૨૫ ના શુક્રવારે સાંજે ૪ વાગ્યે રકતદાન કેમ્પ યોજેલ છે. સમગ્ર કથાનું સદ્દવિદ્યા ચેનલ પર લાવ પ્રસારણ થશે.

ધર્મપ્રેમીજનો ગૌપ્રેમીઓએ કથા શ્રવણનો લાભ લેવા કિશાન ગૌશાળા (મો.૯૪૨૬૨ ૧૬૧૭૨) દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં કથા આયોજનની વિગતો વર્ણવતા ચંદ્રેશભાઇ પટેલ, મયુરભાઇ પાદરીયા, ગોરધનભાઇ ચૌધરી, દેવશીભાઇ બુસા, પ્રવિણભાઇ વસોયા, કિરીટભાઇ સુદાણી, યશ પટેલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:17 pm IST)