રાજકોટ
News of Thursday, 17th May 2018

જંકશનમાં જમીનના સાટાખત રદ કરવાની ના પાડતા જમીન લે-વેચના ધંધાર્થી જીજ્ઞેશ પર હુમલો

ચાર માસ પહેલા આહીર યુવાને બરોડાના નિલેશ પટેલને ૬ લાખ ચુકવી જમીનના સાટાખત કર્યા'તાઃ ભીસ્તીવાડના ઇસ્માઇલ ઉર્ફે ભુદર, સબીર સહિત ચાર સામે ગુનો

રાજકોટ તા. ૧૭ : પોપટપરા રઘુનંદન સોસાયટમાં રહેતા જમીન લે-વેચના ધંધાર્થી આહીર યુવાને ચાર માસ પહેલા ૬ લાખ ચૂકવી જમીન લઇ તેના સાટાખત કર્યા હોઇ, તે સાટાખત રદ કરવાની ભીસ્તીવાડના ચાર શખ્સોએ ધમકી આપી મારમારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ પોપટપરા રઘુનંદન સોસાયટીમાં રહેતા જમીન લે-વેચના ધંધાર્થી  જીજ્ઞેશ કાનજીભાઇ લોખીલ (ઉ.ર૯) એ પ્રનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે રાત્રે માવો ખાવા માટે જંકશન મેઇન રોડ પર આવેલી એટુઝેડ પાનની દુકાને ગયો હતો ત્યારે પરસાણામાં રહેતો ઇસ્માઇલ ખીયાણી ઉર્ફે ભુદર તથા તેનો ભાઇ સબ્બીર ખીયાણી તથા બે અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. અને ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને ઇસ્માઇલે લાકડાના ધોકા વડે મારમારી હાથે-પગે ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોક એકઠા થતા ચારેય શખ્સો ભાગી ગયા હતા બાદ પોતે તેના ભાઇ નિલેશને ફોન કરી જાણ કરતા તે તથા તેના મિત્ર આવી ગીરીરાજ હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ બનાવમાં પોતે ચાર મહિના પહેલા બરોડાના રહેવાસી નિલેશ જશાભાઇ પટેલ સાથે જમીન લે-વેચનો ધંધો કરતો હોઇ, જેથી પોતે તેની પાસેથી જમીન લીધી હતી જે રજીસ્ટર સાટાખત કરાવી રૂ.૬ લાખ ચુકવી દીધી હતી અને બાકીની રકમ દસ્તાવેજ કરી આપે ત્યારે દેવાની  હતી બાદ આ જમીન બાબતે તેને કોઇ સારી પાર્ટી મળેલ હશે જેથી તેણે પોતાને કહ્યું હતું કે, 'તમે આ સાટાખત રદ કરી દયો' મારે આ જમીન નથી વેચવી પરંતુ પોતે તેને આ બાબતે ના પાડી બાકીની રકમ ચુકવી આપવાનૂં કહી નિલેશભાઇને દસ્તાવેજ કરી આપવા કહ્યું હતું. બાદ આ નિલેશ પટેલે સાટાખત રદ કરવા માટે ઇસ્માઇલ ઉર્ફે ભુદર ખીયાણીને ફોન દ્વારા વાત કરી હતી તેમ ઇસ્માઇલે જણાવ્યું હતું તેમજ આ શખ્સોએ આમાંથી ખસી જજો નહીતર જાનથી મારી નાખીશુ તેમ જતા જતા ધમકી આપી હતી આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે જીજ્ઞેશ લોખીલની ફરીયાદ પરથી ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. બી.જી.ડાંગરે તપાસ આદરી છ.ે

(4:13 pm IST)