રાજકોટ
News of Thursday, 17th May 2018

આરટીઇ પ્રવેશ ફોર્મ ભરનાર વાલીઓ કાલે કરણપરા શાળાએ ઉપસ્થિત રહે

ગુજરાત એજયુકેશન કમીટીના આગેવાનોની અપીલઃ ફોર્મ ભરાયેલ રાજયના ૧૨૨૦૦ અને રાજકોટના ૧૦૩૯૭ બાળકોને પ્રવેશ અપાવવા કાર્યવાહી

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મનીષભાઇ ઓડેદરા, મનીષભાઇ સાગઠીયા, નરેશભાઇ પરમાર અને અરવિંદભાઇ સરવૈયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧૭: આરટીઇ પ્રવેશ પ્રક્રિયા હેઠળ ફોર્મ ભરનાર તમામ બાળકોને પ્રવેશ મળી રહે તે માટે ગુજરાત એજયુકેશન કમીટીના આગેવાનોએ રજુઆતોનો દોર આગળ ચલાવવા કાલે તા. ૧૮ના કરણપરા શાળા નં. ૬૩ ખાતે વાલીઓની બેઠક બોલાવી છે.

આ અંગે વિગતો વર્ણવતા કમીટીના આગેવાનોએ જણાવ્યું છે કે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ની પ્રવેશ પ્રક્રિયા માટે જાહેર કરાયેલ લક્ષ્યાંક ૧૦૫૦૦૦ સામે સમગ્ર ગુજરાતમાં ૧૨૨૦૦ ફોર્મ ભરાયા છે. સરકારે કોર્ટમા જાહેર કરેલ ૨૫% પ્રવેશ લક્ષ્યાંક મુજબ ૧૨૫૦૦ બાળકોને પ્રવેશ આપી શકાય તેમ છે. ત્યારે આ ફોર્મ ભરાયેલ ૧૨૨૦૦૦ બાળકોને પ્રવેશ ઓર્ડર ઇશ્યુ કરી બધા જ બાળકોને શિક્ષણનો અધિકાર અપાવવા માંગણી દોહરાવાશે.

ગયા વર્ષે આવા બાળકોેને પ્રવેશ અપાવવામાં ગંભીર છબરડાઓ થયા હતા. ત્યારે આ વર્ષે એવું ન થાય તે માટે ધ્યાન દોરાશે. ગયા વર્ષે શહેરની ૩૩ શાળાઓ માંથી એકેયમાં પ્રવેશ આપેલ નથી. ૨૨ શાળાએ પ્રવેશ લક્ષ્યાંકના ૫૦ ટકા કરતા ઓછા વિદ્યાર્થીને પ્રવેશ આપેલ. ત્યારે આવી શાળાઓનું સોશ્યલ ઓડીટ કરાવી પગલા ભરવા માંગણી દોહરાવાય છે.

આરટીઇ પ્રવેશ પ્રક્રિયામાં આ વખતે રાજકોટ શહેરમાં ૧૦૦૦ થી વધુ ફોર્મ ભરાયા છે. ત્યારે આવા બાળકોને એડમીશન અપાવવાની લડતમાં વાલીઓએ સાથે જોડાવા કાલે સવારે ૧૦ વાગ્યે જરૂરી ડોકયુમેન્ટ સાથે કરણપરા શાળા નં. ૬૩ ખાતે ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે.

આરટીઇ પ્રવેશની લડત માટે ગુજરાત એજયુકેશન કમીટીના અધ્યક્ષ વિપુલભાઇ જાદવ (મો. ૭૩૭૪૧ ૧૩૪૦૩) કાર્યકારી અધ્યક્ષ મોહનભાઇ સોનેગ્રા, સીનીયર ઉપાધ્યક્ષ મનીષકુમાર ઓડેદરા, (મો. ૭૬૦૦૨ ૦૦૮૬૪) ઉપપ્રમુખ મેરામણભાઇ ગંભીર, મહામંત્રી ગફારભાઇ પતાણી (મો. ૯૮૭૯૬ ૪૦૨૨૪), મહામંત્રી મનીષભાઇ સાગઠીયા, મંત્રી પ્રવિણભાઇ વેગડ, અરવિંદભાઇ સરવૈયા, દિનેશભાઇ પ્રજાપતિ, નરેશભાઇ પરમાર, યુનુષભાઇ બેલીમ, સોમરાજભાઇ હેરભા, દિપકભાઇ કાપડીયાા વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(3:55 pm IST)