રાજકોટ
News of Thursday, 17th May 2018

આરોગ્યનો રેકોર્ડ બ્રેક દરોડો

અ..ધ..ધ.. ૫ ટન કેરી ઝડપાઇ

જૂના માર્કેટ યાર્ડના ગોડાઉન નં. ૭માં મોમાઇ ફ્રુટવાળા લક્ષ્મણભાઇ દ્વારા કેલ્શિયમ કાર્બાઇટથી કેરી પકાવવામાં આવતી હતીઃ ગોડાઉનમાંથી ૨II લાખની કેરી અને રૂ. ૧૦,૫૦૦નું ૧૫ કિલો કેલ્શિયમ કાર્બાઇડ જપ્તઃ ટન મોઢે કેરી નાશ કરવા તંત્ર ધંધે લાગ્યું

રાજકોટ તા. ૧૭ : મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા કેલ્શિયમ કાર્બાઇડથી પકાવવામાં આવતી હાનિકારક કેરી ઝડપી લેવા દરોડાનો દોર શરૂ થયો છે જે અંતર્ગત આજે પાંચ ટન એટલે કે ૫ હજાર કિલો અખાદ્ય કેરીનો જથ્થો તથા ૧૫ કિલો કાર્બાઇડનો જથ્થો ઝડપી લેતા કેરીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જાહેર કરેલ સત્તાવાર વિગતો મુજબ આજે સવારે ફુડ ઇન્સ્પેકટરોની ટુકડીએ શહેરના ભાવનગર હાઇ-વે ઉપર આવેલ જુના માર્કેટ યાર્ડના ગોડાઉન નં. એફ-૭માં મોમાઇ ફ્રુટના સંચાલક

લક્ષ્મણભાઇ સરવૈયા દ્વારા રાખવામાં આવેલ કેરીના જથ્થાનું ચેકીંગ કરવામાં આવતા આ સ્થળે રાખવામાં આવેલ. અંદાજે ૪૫૦૦થી ૫૦૦૦ કિલો એટલે કે ૪II થી ૫ ટન કેરીનો જથ્થો કેલ્શિયમ કાર્બાઇડ અને ચાઇનીસ કેમિકલની પડીકીથી પકાવવામાં આવતું હોવાનું રંગે હાથ ઝડપાયું હતું.

આમ, આ સ્થળેથી મળી આવેલ અંદાજે રૂ. ૨II લાખની કિંમતનો ૫ ટન અખાદ્ય કેરીનો જથ્થો તથા ચાઇનીઝ કેમિકલ અને કાર્બાઇડની અંદાજે રૂ. ૧૦,૫૦૦ની કિંમતની ૪૬૦૦ નંગ પડીકી આ તમામ અખાદ્ય જથ્થાઓને સીઝ કર્યો હતો અને હજારો ટન અખાદ્ય કેરીનો નાશ તથા કાર્બાઇડના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉપરોકત દરોડાની કાર્યવાહી નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડ, ડેઝિગ્નેટેડ ઓફિસર એ.એન.પંચાલ, ફુડ ઇન્સ્પેકટરો એચ.જી.મોલિયા, સી.ડી.વાઘેલા, કે.એમ.રાઠોડ, કે.જે.સરવૈયા, આર.આર. પરમાર વગેરે દ્વારા હાથ ધરાઇ હતી.

(3:17 pm IST)