રાજકોટ
News of Thursday, 17th May 2018

રેવન્યુ કર્મચારીઓની હડતાલ મોકુફ

પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા મહેસુલ સચિવે ખાત્રી આપી

રાજકોટ તા. ૧૭ : રેવન્યુ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માંગણી સાથે આવતીકાલે તા. ૧૮ થી હડતાલ ઉપર જનાર હતા. પરંતુ આ પ્રશ્નો ઉકેલવા મહેસુલ સચિવે ખાત્રી આપતા હવે હડતાલ મોકુફ રખાયાનું રેવન્યું કર્મચારી મહામંડળના પ્રમુખ  દેવેશ પટેલની યાદીમાં જણાવાયું છે.

આ યાદીમાં જણાવાયું છે કે, ગુજરાત રાજય રેવન્યુ કર્મચારી મહામંડળના તમામ સભ્યોને જણાવવાનું કે, ગુજરાત રાજય રેવન્યુ કર્મચારીઓના કેટલાક પડતર પ્રશ્નોનું જેવા કે, ભરતી ચાર્જશીટ, જોબ વર્ક, લાયકાત પરિક્ષા વગેરેનું નિરાકરણ ન આવતા ગુજરાત રાજય રેવન્યુ કર્મચારી મહામંડળના જાવક નં. ૩૯/૨૦૧૮ તા. ૮-૫-૨૦૧૮ થી મહેસુલ મંત્રીએ તથા અગ્રસચિવ (મહેસુલ) તથા મુખ્યમંત્રીશ્રીને લેખીત જાણ કરી તા. ૧૮ એ તબકકાવાર હડતાલનો કાર્યક્રમ આપવા જાણ કરેલ હતી.

જેના અનુસંધાને અધિક મુખ્ય સચિવ (મહેસુલ) દ્વારા તા.૧૫મેના રોજ મંડળના હોદ્દેદારો તથા હડતાલ કમિટી સાથે બેઠક યોજી રેવન્યું કર્મચારીઓના તમામ પડતર પ્રશ્નોની ચર્ચા કરેલ છે અને તમામ પડતર પ્રશ્નોનો ટુંક સમયમાં હકારાત્મક નિકાલ કરવા ખાત્રી આપતા હવે કાલે તા. ૧૮ થી આપવામાં આવેલ તબકકાવાર હડતાલનો કાર્યક્રમ હાલ પુરતો મોકુફ રાખવામાં આવે છે. જેની સર્વે કર્મચારીઓએ નોંધ લેવા વિનંતી છે.

(3:14 pm IST)