રાજકોટ
News of Thursday, 17th May 2018

આજે પુણ્યતિથિએ સ્મરણાંજલી

જેના ઘરે બારાક્ષરી ખુદ પાણી ભરવા આવે એટલા ઉંચા ગજાના કવિ એટલે રમેશ પારેખ

રાજકોટ : કવિ રમેશ પારેખની આજે તા.૧૭-૫-૧૮ના રોજ પુણ્યતિથી છે. તેમનો જન્મ તા. ૨૭-૧૧-૧૯૪૦ના રોજ થયો હતો અને તા.૧૭-૫-૨૦૦૬ના રોજ તેમનો દેહવિલય થયો હતો.

''દેહ ઓળંગવાની એ કોશિશ હશે,

ફૂલ ખુશ્બુ વિશે શું ખુલાસા કરે ?!''

''ગોરમાને પાંચે આંગળીએ પૂજયાં,

ને નાગલા ઓછા પડયા રે લોલ

કે કમખે દોથો ભરીને ટાંકયાં ને

તારલા ઓછા પડયા રે લોલ...''

કવિ રમેશ પારેખ એટલે ગુજરાતી સાહિત્યની શકવર્તી ઘટના, પૂ.મોરારીબાપુના શબ્દોમાં કહું તો રમેશ પારેખ એટલે કાંઇક ભાળી ગયેલો કવિ અને સ્વ. સુરેશ દલાલના શબ્દોમાં રમેશ પારેખ વિશે કહુ તો ''જેમના ઘરે બારાક્ષરી ખુદ પાણી ભરવા આવે એટલા ઉંચા ગજાના કવિ'' માત્ર અમરેલી માટે જ નહી, પણ સમગ્ર ગુજરાત અને દરેક ગુજરાતી માટે ધરોહર સ્વરૂપ કવિ.  સાહિત્ય જગતનું માઇલસ્ટોન શિખર અને સ્વયં ઇશ્વરે જાણે પોતાની જ અભિવ્યકિતને વ્યકત કરવાનું માધ્યમ બનાવેલ હોય એવી ઝળાહળા કિર્તી, સામર્થ્ય, લાગણીઓ અને સંવેદનોનો ઘુઘવતો મહાસાગર એટલે જ રમેશ પારેખ. આટલા મહાન અને યશસ્વી કવિશ્રીના શહેરનું નાગરિક હોવું એ મારા અને તમામ અમરેલીવાસીઓ માટે ખૂબ ખૂબ ગૌરવની વાત છે.

કવિ રમેશ પારેખનું સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખૂબ જ મોટુ અને અજોડ પ્રદાન છે. કાવ્ય ગીત, નવલિકા, ગઝલ, સોનેટ, બાળવાર્તાઓ, નાટક વગેરે અનેક અનેક ક્ષેત્રમાં તેઓ ખૂબ જ ધોધમાર વરસ્યા છે અને વધાવાયા છે. તેમના સંગ્રહો કયાં, ખડિંગ, ત્વ, હાઉક, દેતાલ્લી, ચી સન્નન, મીરા સામે પાર, વિતાનસુદ, બીજ, ખમ્મા આલા બાપુને, ચશ્માના કાંચ પર, લે તિમીરા સુર્ય, થી લઇને છેલ્લે કાળ સાંચવે પગલા સુધીના સંગ્રહો તેમના સંવેદનોના શીલાલેખ છે. મેટ્રીક પાસ આ કવિની રચનાઓ કોલેજના અભ્યાસક્રમમાં સમાયેલી છે. તે તેમની મહત્તા સાબિત કરે છે. આટલી અપાર સફળતાના સ્વામી એવા રમેશ પારેખની એક ગીતકાર તરીકેની વાત જયારે લખવાની છે. ત્યારે મનમાં અનેક સંવેદનો સળવળવા માંડે છે. રમેશ પારેખ નજરે તરે છે.

કવિ રમેશ પારેખે અનેક વિષયો ઉપર ખૂબ જ સરસ ગીતો લખ્યા છે. સાહિત્ય જગતમાં રમેશ પારેખને લયના સ્વામી ગણવામાં આવે છે. લયના કામતુર રાજવી ગણવામાં આવે છે. રમેશ પારેખના ગીતોમાં રસની પ્રચુરતા, લય, નું સૌદર્ય, માત્રાનો સુમેળ, છંદોનું વૈવિધ્ય અને ભાવ પ્રવાહના વહેતા ધોધની પંચમુખી ગંગા જ તેને સૌથી અલગ અને શ્રેષ્ઠ સ્થાને બેસાડે છે. વિષયોનું અપાર વૈવિધ્ય તેમના ગીતોમાં પ્રગટ થયું છે. તેમણે અનેક અનેક વિષયોને પસંદ કરી ગીતો લખ્યા છે. તેમાંથી થોડા જ ઉત્કૃષ્ટ નમુના જોઇએ તો... ગોરમાને પાંચે આંગળીએ પૂજયા, કુવારી છોકરીનું ગીત (આંખોને કાળમીંઢ કોણે ઘડી છે ?) સમુહગીત (વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ), વાવણીનું ગીત (મોર પાળ્યા મે કંઠમાં) તુટેલા પાંદડાનું ગીત, (કાલે આવ્યા ને આજે ચાલ્યા રે ભાઇ (ખલાસીનું ગીત), કૌતુક ગીત, ૯૯ વર્ષના રજપુતનું ઉર્મીગીત, (ઢોલીયો અંદરના ઓરડામાં ઢાળજો), ઉનાળાના કભાવનું ગીત (ઉનાળો ફેલાતો જાય), જયોતિષીનું ગીત (લાવ મારો હાથ), નમાયા બાળકનું ગીત (દરિયાની છાંયડીમાં માછલીનું ગામ), ચીર પ્રવાસીનું ગીત (રસ્તાની બે બાજુ લસલસતું ઘાંસ હોય), મઘરીનું પ્રણયગીત (મારી છાતીના રાફડામાં ચાહવું બનીને એક ગોઢગોટ પોઢેલો નાગ છે) રેતીને છંછેડનાર મુરખનું ગીત (મને રેતીમાં આંગળીઓ ફેરવતો જોઇને), વરસાદનું ગીત (રવજી મોહન નામનો ખેડુત કે પછી આકળ વિકળ ભાન આજ વરસાદ ભીંજશે), કેટલા કેટલો વિવિધ, અવનવા અને કલ્પના બહારના વિષયો ઉપર તેમણે ગીતો લખ્યા છે. વિષયોની આટલી વિવિધતા, વિશાળતા, વિપુલતા છતા દરેક રચના સો ટચના સોના જેવી હોય તે બાબત જ માતા સરસ્વતીની તેમના ઉપર કેટલી અપાર કૃપા ઉતરી હશે તે દર્શાવે છે ! હાડ ચામના જ અને સૌની સમાન બંધારણ ધરાવતા એક માણસમાં આટલી બધી પ્રેરણા, સ્ફૂરણા અને અનુભૂતિ કેવી રીતે પ્રગટી હશે ? તેના જવાબ માત્ર ઇશ્વર કૃપા, કોઇ મોટો આર્શિવાદ કે પૂર્વ જન્મના સદકર્મો જ હોય શકે, કે જેના ફળ સ્વરૂપ તેઓ પોતાનું અવતારકાર્ય કરી શકયા.

કવિ રમેશ પારેખની લોકહૃદયમાં કાયમ વસેલી અન્ય થોડી રચનાઓ જોઇએ તો, 'આ મન પાંચમના મેળામાં','ડેલીએથી પાછા મ વળજો હો શ્યામ',' ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં','મારા - સપનામાં આવ્યા હરિ','મોગરાની કળી મને બગીચામાં મળી','ગીરધર ગુનો અમારો માફ, તારો મેવાડ મીરા છોડશે'ને કોણ ભૂલી શકે ? રમેશ પારેખના લોકગીતો બાળલીલાના ગીતો (આખુ અમરેલી ગામ મારી ફઇ), બાળગીતો (હું ને ચંદુ છાનામાના - અને બા મને ચપટી વગાડતા આવડી ગઇ) વ્હાલ બાંવરીનું ગીત (સાંવરીયો રે મારો સાંવરીયો) તેમની શબ્દ અને ભાવયાત્રાના, ગીત પ્રવાહની વહેલી ભગીરથી ના જ વિવિધ પડાવો છે. મુકામો છે. આટલી મેઘાવી પ્રતિભાના સ્વામી રમેશ પારેખ કેટલી સરળતા અને સહજતાથી લખી શકે છે.

'કાગળ હરિ લખે તો બને અવર લખે તો એકે અક્ષર નથી ઉકલતા મને...' અનેક સન્માન અને ચંદ્રકો મેળવનાર રમેશ પારેખને એટલે જ તો ગુજરાત રાજય ફિલ્મ એવોર્ડ  તરફથી ૧૯૮૨-૮૩માં ફિલ્મ 'નસીબની બલિહારી' માટે ૧૯૯૩-૯૪માં ફિલ્મ માનવીની ભવાઇ માટે શ્રેષ્ઠ ગીતકાર તરીકેના એવોર્ડથી નવાજેલ છે.

આચાર્ય હેમચંદ્રકૃત વ્યાકરણ ગ્રંથ સિધ્ધહેમ પછીના આપણા ભારતવર્ષના ઇતિહાસમાં જો કોઇ કવિના કાવ્ય સંગ્રહની હાથીની અંભાળી ઉપર જાહેરમાર્ગો ઉપર ધામધૂમપૂર્વક શોભાયાત્રા નિકળી હોય તો તે એક માત્ર ને માત્ર આપણા કવિશ્રી રમેશ પારેખના સમગ્ર કાવ્ય સંગ્રહ, 'છ અક્ષરનું નામ' ગ્રંથને આ ભવ્ય સન્માન (તા.૨૭ નવે ૧૯૯૧) મળેલ છે. ગુજરાતી ભાષાને માંજી માંજીને વધારે રૂડી, ચમકતી કરનાર આ યુગ કવિની કથાઓ અને ગાથાઓ કાયમ ગવાતી રહેશે. ગુજરાત અને સર્વે ગુજરાતીઓ હંમેશ માટે આ મહાન કવિના ઋણી અને આભારી રહેશે કે જેણે આપણી પોતાની માતૃભાષાના, ગુજરાતી ભાષાના માધ્યમથી આપણને સાહિત્યનો આટલો મોટો અણમોલ, દિવ્ય અને ભવ્ય વારસો પ્રદાન કર્યો. ડો.વિનોદ જોષી રમેશ પારેખને હૃદયથી યાદ કરતા કહે છે કે...

''રમેશ નામનો ખારવો ડૂબ્યો ત્યારે ખબર પડી

કે કેટલા દરિયા રમેશની અંદર હતા''

અંતમાં આ યુગ પુરૂષ અને ઋષિ કવિને લાખ લાખ વંદન કરી સમાપન તેમનાં જ શબ્દોમાં કરૂ તો

'આમ તો માત્ર ટહેલવા જ અહિં આવ્યા તા' 'રમેશ'

ને ચરણ ચોટી ગયાં ઇતિહાસમાં'

યોગેશ ભટ્ટ

(બી.એ.એલ.એલ.બી.) મો.૯૯૨૪૦ ૧૩૪૬૪

(11:56 am IST)