રાજકોટ
News of Thursday, 17th May 2018

કાલે સ્વ.રામદેવસિંહજી જાડેજાની પૂણ્યતિથિઃ મહારકતદાન કેમ્પ

સ્કોડાના શોરૂમ ખાતે સવારે ૬ થી બપોરે ૨ કલાક સુધી આયોજનઃ જરૂરીયાતમંદ- થેલેસેમીયાના દર્દીઓને વિનામૂલ્યે રકતની સુવિધા : રીબડાના માજી સરપંચ જગતસિંહ જાડેજા દ્વારા આયોજન

રાજકોટ, તા., ૧૪ :  રકતદાન મહાદાન આ અભિયાનને સૌરાષ્ટ્રભરમાં અસરકારક રીતે સાર્થક કરનાર રીબડાના  માજી સરપંચ શ્રી જગતસિંહ જાડેજા દ્વારા તેમના મોટાભાઇ સ્વ. રામદેવસિંહજી જાડેજાની પૂણ્ય સ્મૃતિમાં ૧૮મીએ સ્કોડાના  શો રૂમ  ખાતે મહા રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૧૮ને શુક્રવાર સવારે ૬ થી બપોરે ૨ કલાક સુધી ''સ્કોડા શોરૂમ'' રાજકોટ-ગોંડલ રોડ, કિશાન પેટ્રોલ પંપની બાજુમાં, મહા રકતદાન કેમ્પનું મહા આયોજન કરવામાં આવેલ છે.

રકતદાનના પ્રણેતા રીબડાના માજી સરપંચ જગતસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,  નાના હોય કે મોટા ગરીબ હોય કે સાહુકાર સૌને રકતની જરૂર છે. અત્યારના ઝડપી અને ખર્ચાળ સમયમાં દર્દીને રકતની જરૂરીયાત વખતે વારંવાર મુશ્કેલી અને ખર્ચ ભોગવવો પડે છે. ત્યારે આવા સમયે અમો ઝડપી અને મફત લોહીની સગવડતા સાથે નાતજાતના ભેદભાવ વિના સેવા આપીએ છીએ. ગીતા બોધમાં શ્રી કૃષ્ણ ભગવાને કહેલ છે કે સમય બળવાન છે સત્યની સાથે ચાલવુ જોઇએ અને સતત પરીશ્રમ કરવો જોઇએ. સાચા અર્થથી માનવ સેવા કરવી આપણી ફરજ છે. આવા સદવિચારથી અમો એ સ્વ. શ્રી રામદેવસિંહજી એમ.જાડેજાની પુણ્ય સ્મૃતિ પ્રસંગે વર્ષમાં બે વખત મહા રકતદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. અમારી અપીલ છે કે માનવ જીંદગી બચાવવાના માનવ સેવાના કાર્યમાં સાથ સહકાર આપો અને રકતદાન કરીને બીજાને જીવનદાન આપી ધન્યતા અને ગૌરવ અનુભવો તમારી શરીરની તંદુરસ્તી માટે અને સાથે સાથે ઇશ્વરના આશીર્વાદ મેળવી જીવનમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ ભોગવો સાથે સાથે આવા માનવ સેવાના કામ કરો તેવો અનુરોધ છે.

જગતસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું છે કે, અત્યાર સુધી અમારા દ્વારા ૯૧૮૭૮  યુનીટથી વધુ રકત  એકત્ર કરેલ છે. તા.૧૮-પ-ર૦૧૮ને શુક્રવારે સ્વ. શ્રી રામદેવસિંહજી એમ.જાડેજાની પુણ્યસ્મૃતિમાં ચોત્રીસમો રકતદાન કેમ્પ છે. રકત આપનારની પુર્ણ મેડીકલ તપાસણી કરવામાં આવે છે. રકત આપનારના આગમન સમયે તેમનું સ્વાગત કરવામાં આવે છે. રકત આપનારને ચા, કોફી, બિસ્કીટ સાથે પેટ ભરીને ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. રકત આપનારને કિંમતી અને લાંબો સમય દિન પ્રતિદિન ઉપયોગમાં આવે તેવી ભેટ સોગાદ આપવામાં આવે છે. રકત આપનારને લોહી ગ્રુપ કાર્ડ, નોંધણી રજીસ્ટ્રર નંબર, સર્ટીફીકેટ સાથે આઇકાર્ડ, સન્માન પ્રમાણપત્રથી સન્માનીત કરવામાં આવે છે. રકત આપનાર સ્વયંભુ આવે જ છે. છતા સમુહ જુથમાં આવવા-જવા માટે વાહનની પુરી સગવડતા કરવામાં આવે છે. રકત આપનાર તંદુરસ્ત, સુંદર અને સ્વચ્છ વાતાવરણમાં રકતદાન કરી શકે તે માટે વિશાળ જગ્યામાં આરામદાયક વ્યવસ્થા એસી પંખા સાથે અદ્યતન સગવડતા આપવામાં આવશે.

રકત આપનાર વધુમાં વધુ નજીક આવે, તેમના રકતથી રકતદાનથી બીજાની મહામુલી જીંદગી બચી જાય તે માટે રકતદાન આપનાર કે તેમના સંબંધીની ફોન ઉપરની જાણથી દર્દીઓને મફત લોહી આપવાની તુરંત વ્યવસ્થા કરવામાં આવે છે. હોસ્પીટલમાં દર્દીને લોહીની જરૂરીયાત વખતે માર્ગદર્શન સાથે રકત સંપુર્ણ મફત આપવામાં આવે છે. દતક લીધેલ થેલેસેમીયા દર્દીઓને મફત રકત આપવામાં આવે છે. ડાયાલીસીસના દર્દીઓને રકત તથા બોન્ડ મફત આપવામાં આવે છે.

(11:31 am IST)