રાજકોટ
News of Saturday, 17th April 2021

લાલપરી વિસ્તારનાં સ્મશાનમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરોઃ કોંગ્રેસ

આ સ્મશાન ગૃહમાં ખાટલા વધારવા, પાણીની વ્યવસ્થા સહિતની વ્યવસ્થા કરોઃ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા કોંગી અગ્રણી ઠાકરશીભાઇ ગજેરા દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૧૭ :.. કોવીડ મહામારીનો ધ્યાને લઇ ક્રાન્તી માનવ સેવા સંચાલિત ૮૦ ફુટના રોડ પર લાલપરી પાસે આવેલ સ્મશાનમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા તથા ઠાકરશીભાઇએ મ્યુ. કમિ. ને રજૂઆત કરી હતી.

આ અંગે ગાયત્રીબા તથા ઠાકરશીભાઇ એ મ્યુ. કમિ. ને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. રાજકોટ શહેરમાં પણ આ મહામારીએ ભરડો લીધો છે. શહેરમાં દર ૧ કલાકે બે થી ત્રણ દર્દીઓના મોત થતા હોવાના આંકડાઓ જાહેર થતા રહે છે. ત્યારે આ કોરોના મૃત્યુના ડેડ બોડીનો યોગ્ય રીતે નિકાલ કરવાની વ્યવસ્થા ખૂબ જ જટીલ બની છે. શહેરના રામનાથપરા સ્મશાન, મોટામવા સ્મશાન, મવડી સ્મશાન તેમજ સ્થિતીને ગંભીરતાને ધ્યાને લઇ નવા શરૂ કરાયેલ થોરાળા અને રૂખડીયા સહિતના અન્ય સ્મશાનોમાં લાંબી લાઇન લાગે છે ત્યારે શહેરનાં ૮૦ ફુટના રોડ પર સામે કાંઠે સેટેલાઇટ ચોક, લાલપરીના કાંઠે, જય જવાન મફતીયાપરાની બાજુમાં આવેલ ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ, સંચાલીત સ્મશાનમાં પણ દરરોજના ૬ થી ૭ મૃતકો અંતિમ ક્રિયા માટે આવે છે ત્યારે આ મૃતકોનો આ નિકાલ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો શહેરના અન્ય સ્મશાનો પરનું ભારણ પણ ઓછું થઇ શકે તેમ અંતમાં શ્રી ગાયત્રીબા તથા ઠાકરસીભાઇએ જણાવ્યું હતું કે, હાલ આ સ્મશાનમાં એક જ ખાટલાની વ્યવસ્થા છે. ત્યાં અગ્નિદાહ માટેના વધારાના ખાટલાની વ્યવસ્થા કરવામાં આવે તેમજ પર્યાપ્ત માત્રામાં લાકડાનો જથ્થો પૂરો પાડવામાં આવે, પાણીની સુવિધા અને પાણીની લાઇન નાખી જુદા જુદા સ્ટેન્ડ પોસ્ટમાં નળ ફીટ  કરી સુવિધા પૂરી પાડવામાં આવે તેમજ સ્મશાનની જગ્યાની સાફ-સફાઇ કરી અંતિમ ક્રિયા માટે આવેલા લોકોને ઉભા રહેવા તથા બેસવાની સુવિધા મળી રહે તે પ્રકારની કામગીરી, છાંયડો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેમજ અસ્થી રાખવાની વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી હતી.

(3:53 pm IST)