રાજકોટ
News of Saturday, 17th April 2021

લોકડાઉન બાદ કામધંધો ન મળતા શાસ્ત્રીનગરમાં નીલેશભાઇ સીંગડીયાએ ફાંસો ખાઇ જીવ દીધો

માતા-પિતા નાનાભાઇના ઘરે ગયા બાદ યુવાને પગલુ ભર્યુઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ, તા., ૧૭: લોકડાઉન બાદ કામ ધંધો ન મળતા ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર શેરી નં.૬ માં રહેતા નીલેશભાઇ શાંતીલાલભાઇ સીંગડીયા (ઉ.વ.૩૭) એ ગઇકાલે પોતાના ઘરે સીડીની લોખંડની ગ્રીલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. તેના માતા-પિતા ઘરની પાછળની શેરીમાં રહેતા નાના પુત્રના ઘરેથી આવ્યા ત્યારે દરવાજો ખોલતા પુત્રને લટકતી હાલતમાં જોઇ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. અજયસિંહ ચુડાસમા તથા રાઇટર રકેશભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક નીલેશભાઇ મિસ્ત્રીકામ કરતા હતા તે બે ભાઇ એક બહેનમાં મોટા હતા. ઘણા સમય પહેલા તેના છુટાછેડા થયા બાદ તે માતા-પિતા સાથે રહેતા હતા. લોકડાઉન બાદ કામ ધંધો ન મળતા આર્થીકભીંસના કારણે તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું છે.

ગાંધીગ્રામ કિસ્મતનગર નાગરીક બેંકની પાછળ રહેતા લાલભાઇ ખેંગારભાઇ પરમાર (ઉ.વ.૩૦)એ રાત્રે રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે બાકડા પર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે. તે અપરણીત છે. તે ડ્રાઇવીંગ કરતા હતા તેણે બેકારીથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ. ઘેલુભાઇ તથા રાઇટર અર્જુનભાઇએ તપાસ હાથ ધરી છે.

(12:48 pm IST)