રાજકોટ
News of Saturday, 17th April 2021

કોઠારીયા સોલવન્ટના ફરિદાબેનનું પતિના બાઇક પાછળથી પડી જતાં મોત

શાદી પ્રસંગમાં રાજકોટથી ભીંગરાળ જતી વખતે બનાવ

રાજકોટ તા. ૧૭: લાઠીના કોટડા ગામ નજીક પતિના બાઇક પાછળથી પડી જતાં રાજકોટ કોઠારીયા સોલવન્ટના ફરિદાબેન હબીબભાઇ મીઠાણી (ઉ.વ.૪૦)નું મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ ફરીદાબેન તા. ૩/૪ના રોજ લાઠીના ભીંગરાળ ગામે શાદી પ્રસંગમાં હાજરી આપવા પોતાના પતિ હબીબભાઇ સુલેમાનભાઇ મીઠાણીના બાઇક પાછળ બેસીને જઇ રહ્યા હતાં ત્યારે લાઠીના કોટડા નજીક અચાનક બેલેન્સ ગુમાવતાં બાઇક પાછળથી પડી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. ગત મોડી રાતે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી લાઠી પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનારના પતિ કારખાનામાં મજૂરી કરે છે. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

(11:47 am IST)