રાજકોટ
News of Wednesday, 17th April 2019

ભૌતિકશાસ્ત્રના સંશોધકોનો ઇતિહાસઃ ૧૧ સંશોધન પત્રો પ્રસિધ્ધ

પ્રો.નિકેશ શાહ, ડો.પિયુષ સોલંકી, ડો.ધીરેન પંડ્યા, ડો.રૂપલ ત્રિવેદીનું ટીમ વર્ક... ર માસમાં ૧૧ સંશોધનો આંતરરાષ્ટ્રીય સામાયિકોમાં પ્રસિદ્ધ... સિરામિક ઉદ્યોગોમાં ક્રાંતિ આવે તેવા 'નેનો કંમ્પોઝાઇટ'ના સંશોધનને અમેરિકાનાં 'એલ્સવેર' વૈજ્ઞાનિકોની ટીમ પ્રભાવિત... કેન્સર થેરાપીમાં 'ડાયરેકટ ડ્રગ ડીલવરી' લેટેસ્ટ ટેકનિકનાં ઉપયોગી કોર-સેલ નેનો મટીરીયલ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લેબોરેટરીમાં તૈયાર કરાયા

રાજકોટ તા.૧૬: સંશોધનનાં માધ્યમથી ટેકનોલોજીનો વિકાસ અને જેના કારણે આજે સામાન્ય જીંદગી જીવતો માનવી સતત ગણતરીની ક્ષણમાં એકબીજા સાથએ સંપર્ક રહેવા લાગ્યો છે. દુનિયાભરમાં થતી ઘટનાઓને પોતાના હાથમાં રહેલી 'સ્ક્રીન' મારફત નેનો સેકન્ડમાં જાણતો થયો છે. આ બધી જ સુવિધાઓ માત્ર અને માત્ર વિજ્ઞાનમાં થતી રહેતી સંશોધન પ્રક્રિયાઓને આભારી છે. વૈજ્ઞાનિકોનાં સંશોધનો, ઇજનેરોની તકનીકી કુશળતાનાં કારણે 'ટેકનોલોજીકલ યુગ'માં માનવજીવનને અનેકો-અનેક ક્ષેત્રે 'સરળતા' પ્રાપ્ત થઇ છે. સંશોધનની શરૂઆતથી લઇને તેમનાં ઉપયોગી સુધી સંશોધકો હંમેશા અજાણ જ રહેતા હોય છે કે તેમને કેટલી સફળતા મળશે અને કેટલા અંશે સફળતા મળશે? સંશોધકો જ્યારે કોઇ સંશોધન કરવા માટે પ્રેરાઇ છે ત્યારે તેમની પાછળ ૨ થી ૫ વર્ષનો મિનીમમ સમય ખર્ચી નાખવા તૈયાર હોય છે સાથે મન અને મગજમાં આશાકીય પરિણામો બંધાયેલા હોય છે જેના ફળ રૂપે તેઓ સંશોધનની નવી દિશાઓ આપીને શકય તેટલું સફળ બનાવવા પ્રયત્નો કરે છે. આવા સંશોધનો વિજ્ઞાનનાં વિષયોમાં પ્રયોગશાળાઓમાં હાથ ધરવામાં આવે છે અને જેના પરિણામે સંશોધન પત્રોના સ્વરૂપમાં જાહેર કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમ મારફત નવાં સંશોધનોનાં પરિણામો 'રિવ્યુ કરી મંજૂરીની મહોર મરાયા બાદ જ પ્રસિદ્ધ કરી શકાય છે. સામાન્ય રીતે એક સંશોધન પત્ર લખીને તેનાં પ્રાયોગિક પરિણામો સારી ગુણવત્તાની સામયિકમાં વૈશ્વિક કક્ષાએ પ્રકાશીત કરવામાં ર થી ૩ વર્ષનો સમયગાળો લાગતો હોય છે. આવા અમેરિકા યુ.કે., કેનેડાના પ્રકાશનોમાં એલ્સવેર, સ્પ્રીંઝર, આઇ.ઓ.પી, એ.આઇ.પી., આર.એસ.સી.વગેરેનો સમાવેશ થાય છે અને જે 'વેબ ઓફ સાયન્સ' અને 'સ્કોપસ' મારફત દુનિયાભરમાં સંકલિત થાય છે. જેના પરિણામોનો અભ્યાસ કરી ઇજનેરો અને ટેકનોકેટસ ભવિષ્યની ટેકનોલોજીનો આવિષ્કાર ઉદ્યોગોનાં માધ્યમથી કરતાં હોય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનની સંશોધન પ્રયોગશાળામાં પ્રો.નિકેશ શાહ, ડો.પિયુષ સોલંકી અને તેની સાથે કાર્યમાં જોડાયેલા એચ.આર.ડી.સી.ના ડો.ધીરેન પંડ્યા, કોટક સાયન્સ કોલેજના ડો.રૂપલ ત્રિવેદી, નેનો વિજ્ઞાન ભવનનાં ડો.અશ્વિની જોષી, ડો.દેવિત ધ્રુવ, ડો.કેવલ ગદાણી અને ૧૪ જેટલા યુવા વૈજ્ઞાનિકોની ટીમે ૨૦૧૯ના પ્રથમ બે માસમાં જ આંતરરાષ્ટ્રીય કક્ષાની 'સ્કોપસ' જર્નલોમાં ૧૧ જેટલાં સંશોધનપત્રો પ્રસિદ્ધ કરાવી ઇતિહાસ સર્જેલ છે, જે ગુજરાત રાજ્ય માટે ભૌતિકશાસ્ત્ર અને નેનો વિજ્ઞાનનાં સંશોધન ક્ષેત્રે ગૌરવપ્રદ બાબત છે.

દેશભરની વિશ્વ વિદ્યાલયો નેશનલ રેકીંગમાં અગ્રતા મેળવવા અને 'નેક'માં ઉચ્ચો ગ્રેડ મેળવવા તૈયારી કરતી હોય છે ત્યારે રિસર્ચ અને ડેવલોપમેન્ટનું નેશનલ રેટીંગ અને 'નેક'માં ૪૦ ટકા થી વધારે ગુણનાત્મક મહત્વ માર્કીગ સ્કીમમાં રહેલું છે ત્યારે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ભૌતિકશાસ્ત્ર અને નેનો વિજ્ઞાનનાં આ સંશોધનો ખૂબ જ ઉપયોગી સાબિત થશે જે નોંધનીય છે.

ભૌતિકશાસ્ત્ર ભવનનાં સંશોધકો પ્રો.શાહ અને ડો.સોલંકીના જણાવ્યા મુજબ યુનિવર્સિટીની ભવન સ્થિત પ્રયોગશાળામાં રાત-દિવસ રાઉન્ડ ધી કલોક પી.એચ.ડી., એમ.ફીલ કરતાં યુવા સંશોધકો મારફત પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી આંતરરાષ્ટ્રીય ભૌતિક અને નેનો વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ડંકો વગાડી વૈજ્ઞાનિકોનાં સમુદાયને આકર્ષીત કરવાનો મુખ્ય શ્રેય યુવા સંશોધકો ડો.દેવિત ધ્રુવ, ડો.કેવલ ગદાણી, કૃણાલસિંહ રાઠોડ, વિપુલ શ્રીમાળી, કું.હેતલ બોરીચા, કું.સપના સોલંકી, ખુશાલ સગપરીયા, ભાર્ગવ રાજયગુરૂ, કું. અલ્પા જણકાટ, શ્રી મનન ગલ, કું.ભાગ્યશ્રી ઉદ્દેશી, વિશાલ વડગામા, હાર્દિક ગોહીલ, ડી.કે. ચુડાસમા, કુ.હિમાંશુ દધીચ તથા અજય વૈશ્નાનીને જાય છે. પ્રો.નિકેશ શાહ, ડો.પિયુષ સોલંકી, ડો.ધીરેન પંડ્યા, ડો.રૂપલ ત્રિવેદી, ડો.અશ્વિની જોષીના જુદા-જુદા ક્ષેત્રોની નિપુણતાનું સંકલન અને યુવા સંશોધકોની સખત મહેનત પરિણામ સ્વરૂપ રાજ્યનો ગૌરવવંતો સંશોધન રેકોર્ડ પ્રસ્થાપિત થઇ શકયો છે. સફળતામાં ઇન્ટર યુનિવર્સિટી એકસલેટર સેન્ટર-ન્યૂ દિલ્હી,ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર સી.એસ.આર.- મુંબઇ, ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝીકસ-ગાંધીનગરનાં વૈજ્ઞાનિકો સાથે કોલોબ્રેશન તથા માર્ગદર્શનનો મહત્વનો રોલ રહેલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રસિદ્ધ કરાયેલ ૧૧ સંશોધન પત્રો ૪.૨ થી ૩ સુધીના ''ઇમ્પેકટ ફેકટર'' ધરાવતાં સામાયિકોમાં પ્રસિદ્ધ થયેલ છે. જેમાં સામાન્ય રીતે દરેક સંશોધન પત્ર ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રનાં ટોચનાં આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમ મારફત 'રિવ્યુ' કરી જરૂરી સૂચનો બાદ મંજુરીની મહોર લાગ્યા બાદ જ પ્રસિદ્ધ થાય છે. 'નેક' અને 'નેશનલ રેકીંગ'માં અગ્રતા મેળવવા આવશ્યક સાઇટેશન અને આનુસંગિક ઇમ્પેકટ ફેકટરની ગુણવતાયુકત સંશોધનમાં વૈશ્વિક સ્પર્ધા છે.

ભૌતિકશાસ્ત્ર ભવન અને ટીમ મારફત પ્રસિદ્ધ થયેલ ૧૧ સામાયિકોમાં ભવિષ્યમાં આકાર લેનાર આવિષ્કારી ટેકનોલોજી શકય છે જેમાં (૧)સીરામિક ઉદ્યોગોમાં ઉપયોગી નેનો કંમ્પોઝાઇટ મટીરીયલ્સ (૨) સીરામિક પ્રોડકટની ગુણવતા વધારતાં નેનો મટીરીયલ્સ (૩)મોબાઇલ ટેકનોલોજી માટે ઉપયોગી મેગ્નેટીક મટીરીયલ્સ  (૪)બાય-લેવલ મેમરી મટીરીયલ્સ (૫)કેન્સર થેરાપીની લેટેસ્ટ ટેકનોલોજીમાં ઉપયોગી કોર-સેલ મટીરીયન્સ (૬)વિજાણુશાસ્ત્રના યંત્રોના ઉપયોગી મલ્ટી ફેરોઇડ ડીવાઇઝીસ. (૭)ખૂબ જ સસ્તા સિમેન્ટ ઉદ્યોગમાં ઉપયોગી કંમ્પોઝાઇટ મટીરીયલ્સ (૮)વિજળીનો વપરાશ ઘટાડતાં સોલાર બેઇઝ મેમરી મટીરીયલ્સ (૯)કલર અને કોટીંગ ટેકનોલોજીમાં ઉપયોગી ઝીંક ઓકસાઇડ નેનો મટીરીયલ્સ (૧૦)મેમરી મટીરીયલ્સ ડીવાઇસીઝ (૧૧) મેટલ ઓકસાઇડ મટીરીયલ્સનો જુદા-જુદા સામાયિકોમાં સ્વીકૃતિ મળેલ છે. જે ભવિષ્યની ટેકનોલોજીમાં ક્રાંતિકારી ફેરફારો લાવવા સક્ષમતા ધરાવે છે.

ભૌતિકશાસ્ત્ર ભવનની ઉપરોકત સંશોધન ટીમ મારફત અંદાજીત ૬-૭ કરોડ જેટલું અનુદાન સંશોધન અર્થે જુદા જુદા પ્રકલ્પો મારફત મળેલ છે. અને દેશની ટોચની સંશોધન સંસ્થાનો ભાભા એટોમિક રિર્સચ સેન્ટર-મુંબઇ,આઇ.યુ.એસ.સી.-ન્યૂ દિલ્હી, ડી.એસ.ટી. ન્યૂ દિલ્હી, યુ.જી.સી.- ન્યૂ દિલ્હી, સી.એસ.આર- ઇંદોર, આઇ.પી.આર.- ગાંધીનગર વગેરે અને વિશ્વની વિવિધ વિશ્વ વિદ્યાલયો સાથે સંશોધન માટે કોલોબ્રેશન ચાલે છે ત્યારે અન્ય ૧૫ જેટલાં સંશોધન પત્રો પ્રકાશિત થવા પાઇપલાઇનમાં છે જે ભવન અને યુનિવર્સિટી માટે ગૌરવપ્રદ કાર્ય છે. ભૌતિક અને નેનો વિજ્ઞાનની સમગ્ર સંશોધન ટીમને દેશની યુનિવર્સિટીઓનાં અધ્યાપકો અને રાષ્ટ્રીય વૈજ્ઞાનિકો મારફત અભિનંદન પાઠવેલ છે.

- પ્રો.નિકેશ એ.શાહ-૯૦૯૯૯ ૩૯૪૫૦, - ડો.પિયુષ સોલંકી- ૯૩૨૭૦ ૮૮૬૦૮

(3:37 pm IST)